સાયન્સ અફેર્સ:પક્ષીનું તેના ઝૂંડથી નોખું વ્યક્તિત્વ!

નિમિતા શેઠ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબૂતરોના સમૂહમાં કબૂતર પોતાની પત્નીને કેવી રીતે ઓળખી શકે?

ભીડભાડમાં તમે તમારી પત્નીથી વિખૂટા પડ્યા હોવ, તો કેવી રીતે શોધો? કપડાંને કારણે દૂરથી ઓળખાઈ જાય, પણ બધાંએ સરખા યુનિફૉર્મ પહેર્યાં હોય તો કેવી રીતે ઓળખો? અલબત્ત, ચહેરા પરથી ખ્યાલ આવે, પણ તે પહેલાં શરીરના આકાર (હા ભાઈ, ‘ફિગર’), ઊંચાઈ, ચાલવાની અદા વગેરે પરથી દૂરથી ઓળખી કાઢો ને! અંધારું હોય તો અવાજ પરથી ઓળખવા પડે. માણસો પાસે ઘણાં ચિહ્ન હોય છે, જેના દ્વારા તે ટોળામાં પોતાના માણસને વ્યક્તિગત રીતે અલગ પાડી શકે. ન પાડી શકતાં હોત તો કોઈ પણ કોઈની સાથે જતું રહેતું હોત અને સામાજિક અવ્યવસ્થા સર્જાઇ જાત. તે છતાં ક્યારેક રોંગ નંબર લાગી જતો હોય છે. ખભા પર હાથ મૂક્યા પછી ખબર પડે, ‘ઓહ! સોરી બહેન, હું બીજા કોઈકને શોધતો હતો.’ પક્ષીઓ તો કાયમ ઝૂંડમાં ફરે, કપડાં પણ ન પહેરે અને પુખ્ત થયા પછી બધાં એક જેવાં જ લાગતાં હોય. એમાં એક પક્ષી બીજા પક્ષીને કેવી રીતે ઓળખી શકે? વળી, એમના તો અવાજ પણ સાવ સરખા હોય. નર કબૂતર ‘ગૂટર ગૂ’ કરી કરીને માદાને આકર્ષિત કર્યા પછી ભૂલી જાય કે ટોળામાંથી પોતાની ગર્લફ્રેન્ડ કઈ હતી, તો બધી મહેનત માથે પડે ને! બન્નેએ ભેગાં મળીને માળો બાંધવાનો હોય અને ઈંડાં સેવવાનાં હોય, જે વ્યક્તિગત ઓળખાણ વગર શક્ય નથી. ઉપરાંત કબૂતરનાં બચ્ચાંને કેવી રીતે ખબર પડે કે, આ તેનાં મા-બાપ જ છે અને બીજું કોઈ કબૂતર નથી? અન્ય ઘણાં પ્રાણીઓ માટે આ જ પ્રશ્ન થઈ શકે. સમૂહમાં રહેતી ખિસકોલી સંવનન ૠતુ દરમિયાન પોતાના પાર્ટનર સાથે રહેતી હોય છે. માદા પોતાના નરને ઓળખે કેવી રીતે કે, ‘આ મારા વાળો છે!’ પણ આ ફક્ત આપણી મૂંઝવણ છે. આપણને ચાર પોપટ સરખા દેખાતા હોય તેનો મતલબ એમ નથી કે, એ ચારમાંના દરેક પોપટને બાકીના ત્રણ પોપટ અલગ ઓળખવામાં લોચા થતા હશે. દેખાવ, ગંધ અને અવાજ પરથી તેઓ એકબીજાને સારી રીતે ઓળખતાં હોય છે. પક્ષીઓની આંખ એક જ રંગમાં રહેલું વૈવિધ્ય (shades) આપણાં કરતાં અનેકગણું કારગત રીતે પારખી શકે છે. મતલબ, કોઈ એક ચકલી બાકીની તમામ ચકલીઓના દેખાવ વચ્ચે રહેલું વૈવિધ્ય આસાનીથી પારખી શકે છે. એ જ રીતે, આપણને તમામ કાગડા ‘કા.. કા..’ કરતા લાગે છે, પરંતુ તેમના માટે એકબીજાના ‘કા.. કા..’ના અવાજમાં રહેલો ફરક તારવવો એટલો જ સહેલો છે, જેટલી સહેલાઈથી આપણે બોલવા પરથી વ્યક્તિને ઓળખી જઈએ છીએ. માછલીઓ એકબીજાને ગંધથી ઓળખે છે. કોઈ પક્ષી કે પ્રાણીના વૃંદ વચ્ચે સતત રહીને તમે પણ તેના ઘણા સભ્યોને અલગથી ઓળખતાં થઈ શકો. એ રીતે પક્ષીઓ પણ પોતાને નિયમિત ચણ નાખતાં અથવા બોલાવીને વાતચીત કરતા માણસોના ચહેરા ઓળખી શકે છે, અને લાંબો સમય યાદ રાખી શકે છે. વૈજ્ઞાનિક સંશોધનો સૂચવે છે કે, કાગડો તેને હેરાન કરનાર માણસનો ચહેરો બે વર્ષ સુધી યાદ રાખી શકે છે, અને ગમે ત્યારે ચાંચ મારીને બદલો લેવા પણ આવી શકે છે. માણસ બીજા માણસને ન ઓળખી શકે એમ બને, પણ પક્ષીઓને કદી ભૂલ નથી પડતી.⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...