હવામાં ગોળીબાર:એરેન્જ્ડ મેરેજના 42 ‘પ્રેશર’ પોઈન્ટ્સ

મન્નુ શેખચલ્લી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી જનરેશનનાં છોકરા-છોકરીઓને આ એરેન્જ્ડ મેરેજમાં ઘુસાડવા માટે મમ્મી-પપ્પાઓએ એક્યુપ્રેશરની જેમ બેંતાળીસ જાતના પ્રેશર પોઇન્ટ્સ શોધી કાઢ્યા છે. જુઓ... (આપણે જોડે-જોડે ગણતાં પણ જઈશું.) શરૂઆત તો ‘જનરલ ઓબ્ઝર્વેશન’થી થશે. (1) હવે તારી ઉંમર થઈ હોં. (2) વજન પણ વધતું જાય છે, પણ પછી ગાડી પિયરમાં પડશે! હવે ‘ઇન્ક્વાયરી રાઉન્ડ’ આવશે. (3) હજી કેટલું ભણવાનું છે? (4) પેલાં શીતલઆન્ટી પુછાવતાં હતાં, શું જવાબ આપું? આ તો સ્હેજ પૂછું છું. (5) તારે કોઈ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ તો નથી ને? ના, આ તો સ્હેજ પૂછું છું. (6) એ આપણી કાસ્ટની/કાસ્ટનો છે? ના ના, આ તો સ્હેજ... (7) સિરિયસ છે કે એમ જ? આ તો સ્હેજ.. આ તો પહેલો રાઉન્ડ થયો. પછી બીજા રાઉન્ડમાં ‘પ્રપોઝલ’ શરૂ થઈ જાય છે. (8) આ ફોટો જોયો? કેવો/કેવી લાગે છે? હા પાડી દેવી છે? (9) છોકરી ફોટામાં તો સારી દેખાય છે, હા પાડી દેવી છે? (10) છોકરો ભલે ફોટામાં સારો ના દેખાતો હોય, પણ સ્વભાવનો સારો લાગે છે! હા પાડી દેવી છે? (11) આપણી ઓળખાણમાં જ છે, મેં તપાસ કરાવી લીધી છે. હા પાડી દેવી છે? (12) મહારાજે કહ્યું છે કે કુંડળીઓ પણ મેચ થાય છે. હા પાડી દેવી છે? (13) છોકરી ભણેલી છે, નોકરી પણ કરે છે. હા પાડી દેવી છે? (14) છોકરો ભણેલો નથી, પણ ઘરનો મોટો બિઝનેસ છે. હા પાડી દેવી છે? (15) એનઆરઆઈ છે! લાઈફ બની જશે! હા પાડી દેવી છે? આના પછી આવે છે ‘ઇમોશનલ’ રાઉન્ડ. આમાં આંસુ પડવાનાં શરૂ થાય છે. (16) હવે મારાથી ઘરનું કામ ખેંચાતું નથી. એક વહુ લઈ આવ... આંસુ.. આંસુ.. (17) દીકરી, બસ તું પરણીને સાસરે જાય એટલે મને શાંતિ થાય! આંસુ... આંસુ... (18) દાદીની ઇચ્છા છે કે તારાં લગન જોઈને જાય. આંસુડાં... આંસુડાં... (19) દાદાની ઇચ્છા છે કે મરતાં પહેલાં પૌત્રનું મોં જોઈને જ જવું છે. આંસુડાં... આંસુડાં.. (20) અમારાં વખતે તો આવું કશું નહોતું... કરુણ સંગીત.. (21) મેં તો તારા પપ્પાનું મોં પણ નહોતું જોયું, તો પણ મેરેજ ટક્યું ને? કરુણ સંગીત. (22) આજકાલનાં છોકરાં વડીલોનું ક્યાં માને છે? વધુ કરુણ સંગીત. (23) અમે તો તારા ભલા માટે જ વિચારીએ છીએ… અત્યંત કરુણ સંગીત.. આટલા પ્રેશર પોઇન્ટ્સથી ફેર ના પડે તો પછી ‘સેમી-આધુનિક’ રાઉન્ડ આવશે. (24) મેરેજ બ્યુરોમાં નામ નોંધાવવું છે? બોલ. (25) આ મેરેજની વેબસાઈટ સારી છે. બોલ. (26) આપણી નાતની વેબસાઈટ છે હોં! મેં તો ફોટો ને બાયોડેટા આપી દીધો છે. બોલ હવે! (27) છાપામાં એડ આપી દીધી છે, હવે ડિસિઝન તારે લેવાનું છે. બોલ હવે? (28) બત્રીસ ફોટામાંથી બે-ચાર તો ફાઈનલ કર? બોલ ને? (29) અરે, ફેસબુક ફ્રેન્ડ છે તો શું થયું, એને પૂછી તો જો? (30) આ અંકલે બાર કપલનું ઓનલાઈન સેટિંગ કરાવી આપ્યું છે! બધાં આજે ખુશ છે. બોલ હવે? (31) એક મિટિંગ તો કર? પછી વાત. (32) કેવી લાગી? કેવો લાગ્યો? બોલ ને? (33) તો વાત ફાઈનલ ને? મેરેજ હોલ બુક કરી દઉં? બોલ તો ખરો? આમાં ને આમાં અમુક વખતે અચાનક ‘ફિલ્મી રાઉન્ડ’ શરૂ થઈ જાય છે. (34) મૈંને મેરે દોસ્ત કો બચપન મેં વચન દિયા થા! ઢેનટેણેન. (35) હમારે ખાનદાન કી યહી પરંપરા હૈ! ઢેનટેણેન. (36) જબ બડે બાત કર રહે હો તો બચ્ચેં બીચ મેં નહીં બોલતે! ઢેનટેણેન. (37) હમારે ખાનદાન કી નાક કટવાયેગી ક્યા? ઢેનટેણેન... (38) મૈં ઝહર ખા કર અપની જાન દે દૂંગી! ઢેનટેણેન... જોકે, મોટે ભાગે છેલ્લો અને ફાઇનલ ‘પ્રેક્ટિકલ રાઉન્ડ’ કામ કરી જાય છે. (39) આ ઉંમરે આવું જ મળે. (40) તારું ડાચું જોયું છે અરીસામાં? (41) જે મળે છે તે યસ કરી દે, નહીંતર આવુંય નહીં મળે અને (42) ભઈ, અંબાણીના ફેમિલીમાં પણ એરેન્જ્ડ મેરેજો થાય છે! તું વળી કઈ વાડીનો મૂળો છે? ⬛ mannu41955@gmail.com