સમયના હસ્તાક્ષર:2022 : ઓમિક્રોન, કોરોના અને…સાત પ્રદેશોમાં ચૂંટણી

વિષ્ણુ પંડ્યા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંદુરસ્ત લોકશાહીમાં પક્ષની આંતરિક લોકશાહી એટલી જ જરૂરી છે. એટલે ફેબ્રુઆરીથી જુલાઇ સુધીની વિધાનસભા ચૂંટણીની અસર આ અધ્યક્ષપદ તેમજ કોંગ્રેસના અસ્તિત્વનો નિર્ણય લેશે

2022નું પ્રથમ સપ્તાહ ક્યારનું બેસી ગયું અને તેના પડછાયે એવું ઘણું બધું બનશે, જેનાથી ભય, મૃત્યુ, સારવારનો સંઘર્ષ અવિરત રહેશે. ઓમિક્રોન અને કોરોના કંઈ આકાશેથી ટપકી પડ્યા નથી. મનુષ્યની લાલસા, બેદરકારી અને હિંસક સ્પર્ધાનું આ પરિણામ છે. આધુનિકતાની સગવડો સાથે દૂષણ-પ્રદૂષણ પણ એવા જ નાયગ્રાના ધોધ બનીને આવ્યા, જેનાથી પૂર્વ તૈયારી કે મહામારીની સામે લડવા માટેનાં સાધનોની સજ્જતા ઉપરાંત નાગરિક તરીકેની જાગૃતિમાં આપણે નિષ્ફળતાની દિશા પકડી. પછી હોસ્પિટલોની ખામી, ઓક્સિજનનો અભાવ, હોસ્પિટલો અને સ્મશાનગૃહો વચ્ચે રઝળતી લાશો, મેળાવડાઓ અને સભાઓ, રોજેરોજના ભય ઊભો કરતા આંકડાઓ... આ કંઈ ચાર દીવાલ વચ્ચે બેસીને કવિતા રચવાની સામગ્રી નહીં, પણ સાર્વજનિક ચિંતા, ચિંતન અને મૂળિયાં શોધીને કાયમી ઈલાજ શોધવાનો સામુહિક પડકાર હતો અને 2022માં પણ રહેશે. સરહદ પરનાં યુદ્ધો, હિજરતો, સામ્યવાદના નામે હત્યાઓ, મઝહબી આતંકવાદ અને આંતરવિગ્રહો ઉપરાંત આ મહામારી પણ ઉમેરાઈ છે માનવજાતને વેરવિખેર કરવા માટે, તે સમગ્ર વિશ્વની ચિંતાનો વિષય છે. વળી, આ વર્ષ ચૂંટણીનું પણ છે. ભારતમાં સંસદીય લોકતંત્રને કોઈ કોરોના, કોઈ ઓમિક્રોન, કોઈ મઝહબી અલગાવવાદ કે કોઈ અર્બન નક્સલોની માઓ-પૂજક ‘ક્રાંતિ’ નષ્ટભ્રષ્ટ કરી ના જાય તે પણ ચૂંટણીનો અદૃષ્ટ લાગતો પડકાર છે. તંદુરસ્ત લોકતંત્ર સ્વસ્થ અને સમજદાર નાગરિક દ્વારા શક્ય બને, બીજો કોઈ ઉપાય નથી. એટલે ચૂંટણીમાં પ્રયોજાતા રસ્તાઓ વિશે જાગૃત થઈ જવું જોઈએ. નાતજાતકોમ સંપ્રદાયના બળ ઉપર ઉમેદવારોની પસંદગી ના થાય તેવું રાજકીય પક્ષો કરશે? જો તેઓ એમ ના કરે તો મતદાર એવા નાતજાતકોમને જ પોતાની તાકાત માનનારાઓને હરાવશે? અરાજકતા ફેલાવીને દેશને વધુ વિભાજિત કરવા માગતાં પરિબળો આપણાં લોકતંત્ર માટે મોટું કેન્સર છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો રોકી શકાય તેમ નથી એ વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ. મોટા પક્ષો અને નાના પ્રાદેશિક પક્ષો અત્યારથી મેદાને પડી ગયા છે. આપણી વિધાનસભાઓનું ચૂંટણી ચિત્ર અંદાજે આવા સમયપત્રક મુજબ રહેશે. કોઈ ખાસ અવરોધ (જેમકે, કોરોનાની ત્રીજી ભીષણ લહેર) ના આવે તો ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવાની વિધાનસભા માટે ચૂંટણી યોજાશે. સ્વાભાવિક રીતે ઉત્તર પ્રદેશ રાષ્ટ્રીય રાજનીતિની પ્રયોગશાળા અને પારાશીશી ગણવામાં આવે છે. એક સમયે કહેવાતું કે દેશના વડાપ્રધાન ઉત્તર પ્રદેશ નક્કી કરે છે. જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશના પ્રતિનિધિ રહ્યા. નરેન્દ્ર મોદી પણ કાશીથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો ચહેરો એકસરખો રહ્યો નથી. બસપા, સમાજવાદી, કોંગ્રેસ, ભાજપા એવી સરકારો ક્યારેક ટેકા સાથે રહી છે. અત્યારે ભાજપના યોગી આદિત્યનાથ ધુરા સંભાળે છે. સમાજવાદી પક્ષ બીજા નાના પક્ષોની સમજૂતી તરફ છે. કોંગ્રેસે અગાઉ સમાજવાદી પક્ષની સાથે ગઠબંધન કરીને ખત્તા ખાધી હતી, પણ અત્યારે એકલા હાથે પ્રભાવી બની શકે તેમ નથી એટલે શું કરવું તેની ચિંતામાં છે. પંજાબ એવું જ બીજું વ્યૂહાત્મક રાજ્ય છે, જ્યાં અકાલી દળનો એકવાર દબદબો હતો. 1967માં ત્યાં પહેલીવાર અકાલી-જનસંઘની સંયુક્ત સરકાર પણ બની હતી. હવે અકાલીમાં ભાગલા છે. કોંગ્રેસને માટે સિદ્ધુ જેવા નેતાઓ નાવડી ડૂબાવવા માટે પર્યાપ્ત છે. બીજી તરફ કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતા, મુખ્યમંત્રી અમરિન્દ્ર સિંઘે રાજીનામું આપીને નવો પક્ષ સ્થાપ્યો તે ભાજપની સાથે સમજૂતી કરશે. આમ આદમી પાર્ટી કેટલાંક વર્ષોથી પંજાબમાં પ્રભાવી બનવાની કોશિશ કરી રહી છે. પંજાબે તાજેતરના ખેડૂત આંદોલનમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, પણ હવે તે રાજકીય પક્ષ રચીને ચૂંટણીમાં ઝુકાવશે તો મત-વિભાજન કોને નડશે તેનો હિસાબ કરવામાં આવી રહ્યો છે. મણિપુર ઈશાન ભારતના એક રાજ્ય તરીકે એટલા માટે મહત્ત્વનું છે કે અહીં પૂર્વે સામ્યવાદી શાસન હતું, પણ હવે ભાજપનો પ્રભાવ છે. આઝાદીના લાંબા સમય સુધી જનસંઘ કે હવે ભાજપનો કોઈ પ્રભાવ પૂર્વોત્તરમાં નહોતો, આજે તે આસામ, મણિપુર, મેઘાલય અને બીજે વિસ્તર્યો છે. અહીંના પ્રશ્નો મુખ્યત્વે જનજાતિ વિદ્રોહ, ઘૂષણખોરી અને અલગાવવાદના છે. ડિસેમ્બરમાં ગુજરાતની ચૂંટણી થશે, તે પૂર્વે ભાજપે પ્રધાનમંડળને સમગ્ર રીતે બદલાવીને નવી સરકાર બનાવવાનું જોખમ ઊઠાવ્યું છે. આ પણ તેની રાજકીય વ્યૂહરચનાનો જ એક ભાગ છે. 1995 પછી અહીં ભાજપનું શાસન રહ્યું છે. કોંગ્રેસ મથામણ તો કરે છે, પણ લાંબા સમયથી સત્તાથી વંચિત રહેવાથી જે હતાશા અને આંતરિક ખેંચતાણની બીમારી આવે તે પ્રવર્તે છે. ધારાસભા ઉપરાંતની બીજી કેટલીક ચૂંટણી પણ આ વર્ષે આવશે. એપ્રિલ-જુલાઇમાં રાજ્યસભાની કેટલીક બેઠકોમાં મુદત પૂરી થવાથી આનંદ શર્મા, એ. કે. એન્થની, સુબ્રમણ્યમ સ્વામી, સુરેશ પ્રભુ, એમ. જે. અકબર, નિર્મલા સીતારમન, જયરામ રમેશ, પી. ચિદમ્બરમ્, પીયૂષ ગોએલ, પ્રફુલ્લ પટેલ, સંજય રાઉત, કપિલ સિબ્બલ, અંબિકા સોની અને મુખ્તાર અબ્બાસ નકવીને વિદાય મળશે. આમાં કોંગ્રેસના કેટલાક પક્ષના નેતૃત્વની ચૂંટણી માટે સક્રિય છે, તેઓ કઈ દિશામાં જશે તે રસપ્રદ રહેશે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી આવશે. ગાંધી પરિવારને માટે આ તેમના રાજકારણ માટે સૌથી નિર્ણાયક સમય બની રહે. સર્વાનુમતે કે બહુમતીથી ફરીવાર ગાંધી પરિવાર વર્ચસ્વ જાળવશે કે પોતાની પસંદગીના કોઈ ‘મનમોહન’ની પસંદગી કરશે, અને તેમ થશે તો કોણ કોની સાથે રહેશે તે ભારતીય રાજકારણમાં મોટા રાજકીય પક્ષની મહત્ત્વની ઘટના બની રહેશે. તંદુરસ્ત લોકશાહીમાં પક્ષની આંતરિક લોકશાહી એટલી જ જરૂરી છે. એટલે ફેબ્રુઆરીથી જુલાઇ સુધીની વિધાનસભા ચૂંટણીની અસર આ અધ્યક્ષપદ તેમજ કોંગ્રેસનાં અસ્તિત્વનો નિર્ણય લેશે. { vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...