પાદરા / ખુશ્બુ જાનીના હત્યારાઓને શોધવા પોલીસે 4 દિવસ પછી દિશા બદલી

Police changed direction after 4 days to find Khushbu Jani's killers

  • વિદ્યાર્થિનીના મોતનું ઘૂંટાતું રહસ્ય, હજુ કોઇ મહત્વની કડી પોલીસને હાથ લાગી નથી
  • વિદ્યાર્થિનીની હત્યાને 7 દિવસ થયા પણ પોલીસ એક જ દિશામાં તપાસ કરતી હતી : રેન્જ આઇજીએ અધિકારીઓને તપાસ માટે સૂચનો કર્યાં
  • કલાકો સુધી બેસાડી રખાતાં ગામ લોકો પોલીસથી ત્રાસી ગયા : ફાર્મહાઉસો, કન્સ્ટ્રકશન સાઇટો અને તબેલા પણ તપાસ્યાં

Divyabhaskar.com

Dec 19, 2019, 08:07 AM IST

પાદરા, વડોદરા: ચાણસદની વિદ્યાર્થિની ખુશ્બુ જાનીની હત્યાને 7 દિવસ થઇ ગયા છે. પોલીસ શરૂઆતથી જ ગામનું જ કોઇ છે, નજીકની વ્યક્તિ છે, તેવી આશંકા સાથે તપાસ કરી રહી હતી. પરંતુ કોઇ કડી નહીં મળતાં આખરે 4 દિવસ પછી તપાસની દિશા બદલી છે. પોલીસે બુધવારથી ફાર્મહાઉસો, કન્સ્ટ્રકશન સાઇટો, તબેલા અને પડાવોમાં ચેકિંગ શરૂ કર્યું છે. અલબત્ત, પૂછતાછના બહાને ગ્રામજનોને કલાકો સુધી પોલીસ બેસાડી રાખતા હવે લોકો પોલીસથી કંટાળી ગયા છે.
ચકચારી ખુશ્બુ જાની હત્યા કેસનું રહસ્ય 7 દિવસે અકબંધ રહ્યું છે. ગત 14મીએ વિદ્યાર્થિનીની લાશ મળી આવ્યા બાદ પોલીસ એક જ લીટીમાં તપાસ કરી રહી હતી. વિદ્યાર્થિની ગામની બહાર ગઇ નથી, નજીકનું જ કે ગામનું જ કોઇ વ્યક્તિ છે તેવી શંકા સાથે સમગ્ર ટીમો એકને એક જ લોકોની પૂછતાછ કરી રહ્યા હતાં.
વિદ્યાર્થિનીનો મોબાઇલ, હત્યા કરી તે હથિયાર, હત્યાનું સ્થળ કે અન્ય કોઇ પણ કડી પોલીસની મળી શકી નથી. છેવટે બુધવારે પોલીસ ગામના પરીઘની બહાર નીકળી છે. લાકડાનું આટલું મોટું થડ ક્યાંથી આવ્યું ? કોઇ ખેતરમાંથી કે બેન્ચામાંથી ? ટેમ્પોમાં કે કારમાં લાવ્યા ? ગોદડી અને ચાદર ક્યાંથી આવી તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે. પોલીસે ચાણસદ આસપાસના ફાર્મહાઉસ, કન્સ્ટ્રકશન સાઇટો, મજૂરોના પડાવ, તબેલા સહિતના સ્થળે ચેકિંગ હાથ ધર્યું છે,પરંતુ હજુ સુધી કોઇ મહત્વની કડી પોલીસને હાથ લાગી નથી. બીજી તરફ રેંજ આઇજી અભય ચૂડાસમાએ બુધવારે પાદરા પીઆઇ, એલસીબી અને એસઓજીના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી તપાસની વિગતો મેળવી હતી. આ ઉપરાંત તેમણે અધિકારીઓને તપાસ માટે વિવિધ સૂચનો પણ કર્યા હતાં.
ગોદડીની ઓળખ કરવા ગ્રામજનોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો
વિદ્યાર્થિનીની લાશ ગોદડીમાં લપેટી તેને ઝાડના થડ સાથે બાંધેલી હાલતમાં હતી. આ ગોદડી અને થડ ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે ગ્રામજનોએ પણ ગોદડીની ઓળખ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે,ગ્રામજનો દ્વારા હત્યારાની બાતમી આપનારને રૂા. 2.50 લાખ રૂપિયાના ના ઇનમાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

તરવૈયા લાવ્યાં પણ મગરના ડરથી કોઇ તળાવમાં ઉતર્યા નહીં
ચાણસદ ગામના જે તળાવમાંથી વિદ્યાર્થિનીની લાશ મળી તેમાં મોબાઇલ તેમજ હથિયાર હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસ કર્મચારીઓ દ્વારા લાશ મળી એ તળાવમાં તપાસ કરવા માટે તરવૈયાઓને લઇને આવી તો હતી. જોકે, તળાવમાં મગર હોવાના ભયના કારણે કોઇ તરવૈયા તળાવમાં ઉતરવા તૈયાર થયા ન હતાં. જેના કારણે પોલીસ આજેય તળાવમાં તપાસ કરી શકી ન હતી.

X
Police changed direction after 4 days to find Khushbu Jani's killers

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી