તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલમાં 62 લોકોનું સ્ક્રીનિંગ : દાહોદમાં 9 લોકો હોમ કોરોન્ટાઇનમાં, 1 આઇસોલેશન વોર્ડમાં દાખલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લા ન્યાયાલય - Divya Bhaskar
દાહોદ જિલ્લા ન્યાયાલય
  • પંચમહાલમાં 29 લોકોનું સર્વેલન્સ પૂર્ણ
  • દાહોદમાં 30 લોકોમાંથી 20 બિલકુલ સ્વસ્થ નીકળ્યા
  • 9ને સામાન્ય ઉધરસ-સળેખમ
  • કોરોના સંક્રમણને રોકવા વહીવટી તંત્રના ઉધામા

ગોધરા: ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે આરોગ્ય વિભાગ કમરકસી રહ્યું છે. જેના પગલે પંચમહાલ આરોગ્ય વિભાગ પણ વિદેશથી આવતાં લોકોની લિસ્ટ કાઢી તેઓને શોધીને તેઓમાં કોરોનાના લક્ષાણ છે કે નહીં તે માટે સ્ક્રીનિંગ પ્રક્રીયા હાથ ધરી હતી. 17 દેશોમાંથી 62 લોકો પંચમહાલ જિલ્લામાં આવ્યા હતા. તેઓને શોધીને આરોગ્ય વિભાગ દ્વારા તેઓના ઘરની આસપાસના 50 ઘરોમાં  ખાંસી, શરદી કે તાવના કોઇ કેસ છે કે નહીં તે માટે સર્વેલન્સ કર્યું હતું. વિદેશથી આવેલા 62 જણાનું 28 દિવસ સુધી સર્વેલન્સ કરાયું હતું. જેમાં 14 દિવસ સ્થાનિક મેડીકલ અોફિસરે અને બીજા 14 દિવસ સેલ્ફ સર્વેલન્સ કર્યું હતુ. જેમાં 29 જણાને સ્ક્રીનિંગ પૂર્ણ થયું હતું. અન્ય સ્ક્રીનિંગ હેઠળ છે. કોઇનામાં કોરોના વાયરસના લક્ષાણ ન જોવાતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ઉમરાહ કરીને પરત ફરતા યાત્રાળુઓનું સ્ક્રીનિંગ કરાશે
પંચમહાલ જિલ્લામાં સાઉદી અરેબીયા, કેન્યા, મલેશીયા, ચીન, યુએસએ, કેનેડા, ઇન્ડોનેશીયા, લંડન, દુબઇ, ઓસ્ટ્રેલીયા, ઇટલી, અબુધાબી, પાકિસ્તાન સહિત 17 દેશોમાંથી 62 લોકો અાવ્યા હતા. સાથે મક્કા, મદીનામાં ઉમરાહ કરવા ગયેલા પંચમહાલ જિલ્લાના યાત્રાળુંઓનું લિસ્ટ તંત્ર દ્વારા મંગાવીને તેઓને શોધીને તેમનું  સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમ જણવા મળી રહ્યું છે.

દુબઇથી આવેલી દાહોદની વ્યક્તિના સેમ્પલ મોકલતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો
દાહોદ જિલ્લામાં કોરોનાના સંક્રમણને રોકવા માટે વહિવટી તંત્ર જાનજાગૃતિ સહિતની વિવિધ કામગીરીમાં જોતરાયું છે. ત્યારે જિલ્લામાં વિદેશથી આવેલા લોકો ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વિદેશથી આવેલા 30 લોકોને તપાસવામાં આવ્યા છે. જેમાં ઉધરસ અને સળેખમ વાળા 9 લોકોને તકેદારીના ભાગરૂપે હોમ કોરોન્ટાઇન હેઠળ રખાયા છે.   સાથે દુબઇથી આવેલા એક વ્યક્તિને આઇસોલેશનવોર્ડમાં દાખલ કરીને તેના સેમ્પલ  ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જિલ્લા આરોગ્ય તંત્રે મુલાકાત કરી તમામની પ્રાથમિક મેડિકલ તપાસ કરી
કોરોના વાયરસ અસરગ્રસ્ત દેશોમાંથી દાહોદ જિલ્લામાં  પરત આવનાર પ્રવાસીઓની યાદી રાજ્ય કક્ષાએથી વહિવટી તંત્રને મોકલવામાં આવી છે. આ  યાદી મુજબ 30 લોકો વિદેશથી પરત ફર્યા હતાં. આવા યાદી મુજબના  જિલ્લાના પ્રવાસીઓના ઘરે જઇને જિલ્લા આરોગ્ય તંત્રે મુલાકાત કરી તમામની પ્રાથમિક મેડિકલ તપાસ કરી હતી. તે પૈકીના એકમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા ન હતાં. 9 લોકો એવા હતાં જેમને સમાન્ય ઉધરસ અને સળેખમ જણાઇ હતી. જેથી હોમ કોરોન્ટાઇન હેઠળ રાખીને તેમનું સતત 14 દિવસ ફોલોઅપ કરાશે. વિદેશથી પરત ફરેલા લોકો પૈકીના 6 માર્ચના રોજ દુબઇથી આવેલા એક વ્યક્તિને વધુ ઉધરસ અને સળેખમ હોવાથી તેને તકેદારીના ભાગરૂપે ઝાયડસ સ્થિત આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. માત્ર સુરક્ષા ખાતર સેમ્પલ લઇને ટેસ્ટ માટે મોકલાયા હતા જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

રૈયોલીમાં આવેલો ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝિયમ 31 માર્ચ-2020 સુધી બંધ રહેશે
મહીસાગરના રૈયોલીના  ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી અને બાલાસિનોર મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્ર મુજબ રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે તકેદારીના પગલા રૂપે તાત્કાલિક અસરથી રૈયોલી ખાતેનો ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમ તા.18/03/2020થી તા.31/03/2020 સુધી બંધ રાખેલ છે અને જ્યાં સુધી સરકારની બીજી સૂચના ન મળે ત્યાં સુધી ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમ રૈયોલી જાહેર સ્થળ બંધ રહેશે.

હોમ કોરોન્ટાઇન એટલે શું?

વિદેશથી આવનાર વ્યક્તિમાં વાયરસના કોઇ જ લક્ષણ ન હોય પરંતુ સામાન્ય ઉધરસ કે સળેખમ હોય તો તેની મેડિકલ તપાસ કરાશે. આ વ્યક્તિને દવાખાનામાં દાખલ નહીં કરાય બલકે  આરોગ્ય વિભાગના કર્મચારી સતત 14 દિવસ સુધીતેમને તેમના ઘરે જ ઓબ્ઝર્વેશનમાં રાખશે.  દરરોજ તેના ઘરે જઇને વિવિધ શારીરિક તપાસ કરીને તેની નોંધ કરશે. 14  દિવસની તપાસ બાદ સંતોષ થતાં તેમને ભયમુક્ત જાહેર કરાશે. આ પદ્ધતિને હોમ કોરોન્ટાઇન નામ આપવામાં આવ્યુ છે.
હાલોલ રેફરલમાં કોરોના વાઇરસને લઇ 10 પલંગનો ઈન્સ્ટોલેશન વોર્ડ ઊભો કરાયો
અગમચેતીના ભાગરૂપે હાલોલ રેફરલ હોસ્પિટલમાં 10 બેડનોઇન્સ્ટોલશન વોર્ડ ઉભો કરાયો છે. રૂમમાં ઓક્સિજન નેબ્યુલાઈઝર  મેડીકેશનના સાધનો ઉપલબ્ધ કરાયા છે. જેમાં એક ડોક્ટર અને નસર્સિંગ સ્ટાફ ફરજ બજાવશે. રેફરલમાં સામાન્ય દિવસોમાં શરદી ખાસી તાવના 300 દર્દીની સંખ્યા હોય છે. જ્યારે એક સપ્તાહથી રોજ 500 ઉપરાંત દર્દીઓ આવતા ઓપીડી ઉભરાઈ રહી છે. હાલોલ બસસ્ટેન્ડમાં હજારોની સંખ્યામાં મુસાફરોની આવન જાવન છતાં તકેદારી અંગે કોઈ પગલાં ન ભરાતા મુસાફરોના સ્વાસ્થ્ય સામે પ્રશ્નોએ સ્થાન લીધું છે

દાહોદમાં હાટ, સભા, સરઘસ, રેલી અને જાહેર મેળા ઉપર પ્રતિબંધ
રાજ્ય સરકારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજ્યમાં ‘ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-2020’ લાગુ કર્યો છે. જેથી કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા દાહોદ જિલ્લાના મહેસુલી હદ વિસ્તારમાં તા. 29 માર્ચ સુધી સુચનાઓનો અમલ નાગરિકો અને સંસ્થાઓએ કરવા દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.જે. દવેએ જણાવ્યુ છે. જેમાં જાહેર સ્થળોએ એકઠા થવું નહી, જિલ્લામાં હાટબજાર, સભા, સરઘસ, રેલી અને જાહેર મેળાઓનું આયોજન કરવું નહી અને મુલત્વી રાખવા, થિયેટરો, નાટ્ય ગૃહ, સ્નાનાગર બંઘ રાખવા, જાહેર સ્થળોએ થુંકવુ નહી કે શૌચક્રિયા કરવી નહી, સ્વચ્છતા જાળવવી, બસસ્ટેશન અને રેલ્વે સ્ટેશને સ્વચ્છતા જાળવવી, પોતાના બાળકોને મોકલવા નહી, મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા સંભવ હોય તેવા સામાજિક, ધાર્મિક મેળાવડા શકય હોય તો ટાળવા, કોરોના વાયરસના લક્ષણ જણાય તો સત્વરે હોસ્પીટલ કે વહિવટી તંત્રને જાણ કરવી. જિલ્લા વહિવટી તંત્રને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે.

દાહોદની કોર્ટમાં માત્ર તાકીદના કેસોની સુનાવણી કરવામાં આવશે
દાહોદના જિલ્લા ન્યાયાલયમાં કોરોનાના સંભવિત ખતરાને ટાળવા સાવચેતીના પગલાં લેવાયા છે. જેમાં પક્ષકારોની તેમના કેસોની સુનાવણીમાં હાજરી મરજિયાત કરી દેવાઇ છે. પક્ષકારોની અનુપસ્થિતિને કારણે તેમના વિરુદ્ધ કોઇ ચૂકાદા ન આપવા, સમન્સ ન કાઢવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. જિલ્લા ન્યાયધીશ આર. એમ. વોરાએ જણાવ્યું કે, કોર્ટના પ્રવેશદ્વાર ઉપર ટેમ્પરેચર ગન દ્વારા આગંતુકોના થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ એક ટેબલ ઉપર હેન્ડ સેનિટાઇઝેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  

અન્ય સમાચારો પણ છે...