માનવતા લજવાઈ / 80 દિવ્યાંગને મફતમાં ચારધામની યાત્રાના નામે આખી રાત રઝળાવી ગઠિયાએ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલે ઊતારી દીધા

  • ગઠિયો 13 દિવસની યાત્રા માટે માત્ર રૂ.40 લઈને નીકળ્યો હતો
  • ટ્રાવેલ્સ કંપનીને ડીઝલના પણ પૈસા ન આપતાં દિવ્યાંગો પરેશાન

divyabhaskar.com

May 17, 2019, 01:08 AM IST

અમદાવાદઃ અપંગ માનવ મંડળ, અંધકલ્યાણ કેન્દ્ર, અંધજન મંડળ તેમજ માતૃછાયા અનાથ આશ્રમના પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર અને અનાથ બાળકોને મફતમાં ચારધામની યાત્રા કરાવવાના બહાને ગઠિયો 2 બસમાં 80 જણાને લઇને બુધવારે રાતે નીકળ્યો હતો. જો કે ગઠિયાએ ટ્રાવેલ્સ કંપનીમાં પૈસા ભર્યા ન હોવાથી એક બસ વૈષ્ણોદેવી સર્કલ અને બીજી બસ ચિલોડા રોકી દેવાતા દિવ્યાંગ બાળકોને આખી રાત રોડ ઉપર રઝળવાનો વારો આવ્યો હતો. ખિસ્સામાં માત્ર 40 રૂપિયા લઇને નીકળેલો ગઠિયો 80 જણાને 13 દિવસની ચારધામની યાત્રા કરાવવા નીકળ્યો હોવાથી સેટેલાઈટ પોલીસે તેની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી.

કલોલમાં રહેતો દર્પણ પંડ્યા 1 મહિના પહેલા વસ્ત્રાપુર અપંગ માનવ મંડળ મંદિરમાં અધિકારી દર્શિતાબહેન અને બ્રિજીતાબહેનને મળ્યો હતો. દર્પણે બંને મહિલાઓને કહ્યું કે હું અપંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોને મફતમાં ચારધામ યાત્રા કરાવું છું. જો બાળકોની સાથે કેર ટેકર કે માતા-પિતા આવવા માંગતા હોય તો તેમની ફી લઇને તેમને યાત્રા કરાવું છું. જેથી સંસ્થાના 20 બાળકો તૈયાર થયા હતા. બાળકો સિવાયના 20 માટે ઉપરોક્ત ટ્રસ્ટો પાસેથી દર્પણે રૂ.1.03 લાખ ઉઘરાવી લીધા હતા. બુધવારે રાતે દર્પણ શ્રીનાથ ટ્રાવેલ્સની બે બસ લઇને અપંગ માનવ મંડળ આવી ગયો હતો.

પરંતુ દર્પણે ટ્રાવેલ્સ કંપનીમાં પૈસા ભર્યા નહીં હોવાથી બંને બસના ડ્રાઈવરે ડીઝલ માટે પૈસા માંગ્યા હતા. પરંતુ દર્પણે પૈસા ન આપતા એક બસ વૈષ્ણોદેવી અને બીજી બસ ચિલોડા સર્કલ પર રોકી દેવાઇ હતી. આખરે વહેલી સવારે બંને બસ પાછી અપંગ માનવ મંડળ લઇ જવાઇ હતી. અપંગ માનવ મંડળના રેક્ટર મણિલાલ મોડિયાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દર્પણની ધરપકડ થઈ હતી.

ડ્રાઈવરે આખી રાત AC ચાલુ રાખી દિવ્યાંગોને બેસાડ્યા

દર્પણે બસમાં ડીઝલ ભરાવવાના પૈસા ન આપતા બંને ડ્રાઈવરે બસ રોડ ઉપર ઊભી રાખી. દર્પણ ઈનોવામાં પાછળ આવી રહ્યો હતો. તેને વારંવાર બોલાવવા છતાં તે ન આવતા બંને ડ્રાઈવરે માનવતા દાખવીને બસનું એસી ચાલુ રાખી બાળકોને અંદર બેસાડી રાખ્યાં હતાં.

યાત્રાના નામે દાતાઓ પાસેથી 12.50 લાખ ઉઘરાવ્યા હતા

દર્પણે માતા-પિતા અને મંડળોના સ્ટાફ મેમ્બર મળીને 20 જણાંને ચારધામની યાત્રા કરાવવા રૂ.1.03 લાખ લીધા હતા. અપંગ, પ્રજ્ઞાચક્ષુ,અનાથ બાળકોને ચારધામની યાત્રા કરાવવા દાતાઓ પાસેથી રૂ.12.50 લાખ ઉઘરાવ્યા હતા. મીનાબા ઝાલા, પીઆઈ સેટેલાઈટ

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી