વિવાદ / જૂની વીએસમાં સેવાઓ બંધ કરવા સામે રજૂઆત વેળાએ મ્યુનિ.માં ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા

  • દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને સ્ટે. કમિટિ ચેરમેન અમૂલ ભટ્ટ વચ્ચે તૂ તૂ- મેં મેં થઈ

DivyaBhaskar.com

May 17, 2019, 09:46 PM IST

અમદાવાદઃ શહેરની વીએસ હોસ્પિટલમાં બેડ ઘટાડવાના નામે જૂની હોસ્પિટલને બંધ કરીને નવી મોંઘી એસવીપી હોસ્પિટલને ધમધમતી કરવાનું કાવતરું રચાઈ રહ્યાના આક્ષેપ સાથે શુક્રવારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ મેયર બીજલ પટેલને રજૂઆત કરવા ગયું હતું. આ અંગે ગ્યાસુદ્દીન શેખ એકાએક ઉગ્ર થઈ જતાં તેમની અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અમૂલ ભટ્ટ વચ્ચે તૂ તૂ-મેં મેં થઈ ગઈ હતી. જો કે, મેયરે મ્યુનિ. કોર્પોરેશમાં વિપક્ષી કોંગ્રેસના નેતા દિનેશ શર્મા પાસેથી આ આવેદન સ્વીકાર્યું હતું.

જૂની વીએસમાં મા કાર્ડ- આઈસીયુ બંધ કરાતા દર્દીઓ પરેશાન:કોંગ્રેસી પ્રતિનિધિમંડળનો મુખ્ય આક્ષેપ અને રજૂઆત એ હતી કે, જૂની વીએસ હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ સ્વીકારવાનું બંધ કરી દેવાયું છે. તદુપરાંત મેડિસિન અને સર્જરી વિભાગના આઈસીયુ વોર્ડ પણ બંધ કરી દેવાયા છે. સામે પક્ષે એસવીપીમાં દરેક સેવાના ચાર ગણા રેટ છે. કેસ કાઢવાના પણ 100 રૂપિયા થાય છે. આ સંજોગોમાં હાઈકોર્ટમાં ખાતરી આપ્યા પછી પણ અમદાવાદ મ્યુનિ. દ્વારા જૂની વીએસના સંચાલનમાં ગોબાચારી કરવામાં આવે છે જે બંધ કરવી જોઈએ.

ગ્યાસુદ્દીન-અમૂલ ભટ્ટ વચ્ચે રજૂઆત મામલે ઉગ્ર બોલાચાલી:ગ્યાસુદ્દીન શેખ આ મામલે રજૂઆત કરતા એકાએક ઉગ્ર થઈ ગયા હતા. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અમૂલ ભટ્ટે આ તબક્કે ગ્યાસુદ્દીન શેખને શાંતિથી રજૂઆત કરવાની ટકોર કરતા બંને વચ્ચે ચકમક ઝરી હતી. બીજીતરફ કોંગ્રેસના પ્રતિનિધિઓ પણ ગુસ્સે થઈ જતાં થોડીક ક્ષણો માટે વાતાવરણ ભારેલા અગ્નિ જેવું થઈ ગયું હતું. જો કે, પછીથી શાસક પક્ષે આ આવેદન સ્વીકારી લીધું હતું અને મામલો થાળે પડ્યો હતો.

કોઈ બોલાચાલી થઈ જ નથીઃ અમૂલ ભટ્ટ:આ અંગે સ્ટે. કમિટિ ચેરમેન અમૂલ ભટ્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મ્યુનિ.માં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ મેયરને રજૂઆત કરવા આવ્યું હતું એટલે તેઓ મેયરની ચેમ્બરમાં ગયા હતા. પરંતુ જેવા અહેવાલો આવ્યા છે તેમ કોઈ બોલાચાલી થઈ જ નહોતી. જો કે, વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે ખાસ્સી ચકમક ઝરી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી