અમદાવાદ / સગીરનું ડૂબવાથી મોત, માતાનો ચાર યુવાનો પર તળાવમાં ધક્કો મારી હત્યા કરવાનો આરોપ

મૃતક અભિષેક મિશ્રાની ફાઈલ તસવીર
મૃતક અભિષેક મિશ્રાની ફાઈલ તસવીર

  • મૃતકના માતાની રાજ્ય પોલીસ વડા, સોલા પોલીસ, સાંતેજ પોલીસ સ્ટેશનમાં અરજી
  • યુવાનોએ કહ્યું અભિષેકને અમે લઈ ગયા હતા અને તળાવમાં ડૂબવાથી મોત થયું
  • ચારેય યુવાનો સરખા ઉભા રહી શકતા ન હોવાથી મૃતકના પિતાને શંકા ગઈ
     

divyabhaskar.com

May 17, 2019, 07:11 PM IST

અમદાવાદઃ ગોતા વિસ્તારમાં રહેતી શ્વેતા મિશ્રા નામની મહિલાએ તેના 12 વર્ષના પુત્ર અભિષેકની હત્યા કરવામાં આવી હોવાની અરજી રાજ્ય પોલીસ વડા, સોલા પોલીસ, સાંતેજ પોલીસ સ્ટેશનમાં કરી છે. આ મહિલાએ ગોતા હાઉસિંગ અને ચાંદલોડીયામાં રહેતા ચારેય યુવકોએ નશામાં તેના સગીર પુત્રને રાંચરડા નજીક તળાવમાં ધક્કો મારી હત્યા કરવાનો આરોપ મુક્યો છે.

પુત્ર સાંજ સુધી ઘરે ન આવતા શોધખોળ શરૂ કરી
ગોતા વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી વસાહતમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા શ્વેતા મિશ્રા 9 મેના રોજ નોકરીએ જતા હતા ત્યારે તેમનો 12 વર્ષનો પુત્ર સાયકલને પંક્ચર કરાવવા જતો હતો. પરંતુ સાંજ સુધી અભિષેક ઘરે પરત ન આવતા તેના પિતાએ શોધખોળ શરૂ કરી હતી.

ચારેય યુવાનોએ ડરતા ડરતા કહ્યું અભિષેકને અમે લઈ ગયા હતા
આ દરમિયાન પિન્ટુ અને તસુભાષ નામનો યુવક અભિષેકના ઘરે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ચાલો એવું કહ્યું હતું. જો કે ત્યાં અભિષેકનો મૃતદેહ પડ્યો હતો. ગોતા હાઉસિંગમાં રહેતો મહેશ સિંધિ (ઉ.વ.32), રાહુલ દત્ત (ઉ.વ.19), સુભાષ ઠાકોર (ઉ.વ.18) અને પિન્ટુ ધોબી (ઉ.વ.27)એ ડરતાં ડરતાં અભિષેકના પિતાને જણાવ્યું હતું કે અભિષેકને અમે લઈ ગયા હતા અને રણછોડપુરા ગામમાં તળાવમાં ડૂબી જતાં તેનું મોત થયું છે.

મૃતકના પિતાએ પૂછ્યું અભિષેક તમારી ઉંમરનો નથી તો તમારી સાથે કેવી રીતે આવ્યો?
શ્વેતા મિશ્રાએ પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે અભિષેકના પિતાએ ચારેયને પૂછ્યૂં હતું કે અભિષેક તમારા ઉંમરનો નથી તો કઈ રીતે તમારી સાથે આવ્યો અને ક્યાં લઈ ગયા હતા?. તેઓ સરખી રીતે ઉભા પણ નહોતા રહી શકતા હોવાથી મૃતક અભિષેકના પિતાને શંકા ગઈ હતી કે આ મોટી ઉંમરના લોકો મિત્ર કઈ રીતે હોય શકે.

સોલા પોલીસે હદનું બહાનું કાઢ્યું તો સાંતેજ પોલીસે ખાલી અરજી લખાવી સહી લીધી
અભિષેકની માતા સોલા પોલીસ સ્ટેશનમાં ચારેય યુવક સામે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે સોલા પોલીસે અમારી હદ લાગતી નથી. સાંતેજ પોલીસ સ્ટેશનમાં જાઓ તેમ કહ્યું હતું. ત્યાર બાદ સાંતેજ પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ ત્યાંની પોલીસે પણ કંઈ સાંભળ્યું નહિં અને અરજી લખાવીને સહી લઈ લીધી હતી.

આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચારેય યુવકો અભિષેકને લલચાવી ફોસલાવી રીક્ષામાં અપહરણ કરી લઈ ગયા હતા અને તળાવમાં ધક્કો મારી તેની હત્યા કરી નાખી છે જેથી તેની તપાસ કરવામાં આવે.

X
મૃતક અભિષેક મિશ્રાની ફાઈલ તસવીરમૃતક અભિષેક મિશ્રાની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી