આદેશ / FIRના આધારે કરાર આધારિત કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહીં: હાઈકોર્ટ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  •  કરાર આધારિત કર્મચારીઓને પણ કાયમી નિયુક્ત થયેલા કર્મચારીઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળે: હાઈકોર્ટ

divyabhaskar.com

May 19, 2019, 03:32 AM IST

અમદાવાદ: ફિક્સ પગારદાર અને કરાર આધારિત લાખો કર્મચારીઓ માટે હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ફિક્સ પગાર પર અથવા કરાર આધારિત કર્મચારીઓને ખાતાકીય તપાસ વગર નોકરીમાંથી હટાવી શકાશે નહીં. ફિક્સ પે આધારિત કર્મચારીઓ સામે ગેરવર્તણૂકના આરોપ હશે તો તેને તપાસ કર્યા વગર બરતરફ કરી શકાશે નહીં.

સરકારના નિયમિત કર્મચારી જેટલું જ કાયદાકીય રક્ષણ ફિક્સ પગારદારોને પણ મળશે.માત્ર પોલીસ ફરિયાદને આધારે કોઇપણ ખાતાકીય તપાસ પૂર્ણ કર્યા વગર વ્યક્તિને નોકરીમાંથી બરતરફ કરી શકાશે નહીં. હાઇકોર્ટના આ હુકમથી સાડા ચાર લાખ ફિક્સ પગારદારોને કાયદાનું રક્ષણ મળશે. અલબત્ત તેમને ફિક્સ પગારદારને મળવાપાત્ર પગાર જ આપવામાં આવશે.

આસિસ્ટન્ટ વ્હિકલ ઇન્સ્પેક્ટર સંજય મકવાણાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજદાર તરફથી એડવોકેટ જિત પટેલે એવી રજૂઆત કરી હતી કે, ભિલાડ પોસ્ટ નજીક જ્યારે એન્ટિ કરપ્શન બ્યુરોની ટ્રેપ ગોઠવાઇ ત્યારે તેમની સાથે ફરજ બજાવતા આરોપી પાસેથી લાંચના નાણાં મળ્યાં હતાં.

અરજદાર પોતે આ જગ્યાથી 500 મીટર દૂર બેઠા હતા. તેમ છતાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. તેમની સામે ખાતાકીય તપાસ કર્યા વગર તેમને 3 શો કોઝ નોટિસ પાઠવીને નોકરીમાંથી બરતરફ કેમ ન કરવા તે અંગે જવાબ માગ્યો હતો. જોકે હાઈકોર્ટે આ કેસમાં નિયમિત કર્મચારી જેટલું જ કાયદાકીય રક્ષણ તેમને આપવા અને નોકરી પર પરત લેવા આદેશ કર્યો છે.

અરજદારની દલીલો સામે કોર્ટનું અવલોકન

અરજદારની દલીલ
ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ હેઠળ ખાતાકીય તપાસ કર્યા વગર બરતરફ કરી શકાય નહીં.
નિયમિત કર્મચારીઓ અને ફિક્સ પે કર્મચારીઓ વચ્ચે કાયદાકીય ભેદભાવ રાખી શકાય નહીં.
સરકારની અન્યાયકારી નીતિને લીધે ફિક્સ પગારદારોને ફરીથી સરકારી નોકરી મળી શકતી નથી.

હાઇકોર્ટનાં અવલોકન
ફિક્સ પે કર્મચારીઓની સામે ખાતાકીય તપાસ કર્યા વગર બરતરફ કરી શકાશે નહીં.
નોકરીના વચગાળાના સમયનો પગાર અને લાભ પણ કર્મચારીઓને ચૂકવવાપાત્ર છે.
નિયમિત કર્મચારી જેટલુ જ કાયદાકીય રક્ષણ ફિક્સ પે કર્મચારીઓને મળવાપાત્ર છે.

ફિક્સ પે-આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરો : કોંગ્રેસ
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે જણાવ્યું છે કે, સરકારે સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન કરી છે તે પિટિશન પરત ખેંચે અને રાજ્યના હજારો યુવાનો સાથે ફિક્સ પગારના નામે થતા અન્યાયને દૂર કરવો જોઇએ.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી