અમદાવાદ / નંબર પ્લેટ વગર વાહન પકડાય તો 290 દંડ, રોજનો 30 પાર્કિંગ ચાર્જ

210 two-wheeler seized in a two-day drive in Ahmadabad

  • બે દિવસથી ચાલતી ડ્રાઈવમાં 210 ટુ વ્હીલર જપ્ત કરાયાં
  • માલિકે કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગથી વાહન છોડાવવું પડશે

DivyaBhaskar.com

May 18, 2019, 03:46 PM IST

અમદાવાદ: શહેર પોલીસ કમિશનરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં નંબર પ્લેટ વગરના તેમજ આરટીઓ માન્ય નંબર પ્લેટ નહીં ધરાવતા 210 ટુ વ્હીલર સામે ડ્રાઇવ કરી 2 દિવસમાં વાહન જપ્ત કરવા ઉપરાંત કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં મૂકી દીધા છે. વાહન માલિકે વાહન છોડાવવા કાયદેસરના દંડ ઉપરાંત પાર્કિંગ ચાર્જ પણ ભરવો પડશે. નંબર પ્લેટ વગરના વાહનો ગુનામાં વપરાતા હોવાથી વાહનો જપ્ત કરી પોલીસ સ્થ‌ળ પર તેમના વાહનો પર એચએસઆરપી લગાવવા દબાણ કરશે. બુધવાર અને ગુરુવારે પોલીસે વાહનની બન્ને બાજુ નંબર પ્લેટ ન હોય તેવા 210 ટુ વ્હીલર જપ્ત કર્યા છે. પોલીસ પહેલા નંબર પ્લેટ વગરના વાહનોને દંડ કરી જવા દેતી હતી. જોકે તેઓ પછીથી પણ નંબર પ્લેટ લગાવતા નહોઇ આ સખ્તાઇ હાથ ધરાઇ છે. બે દિવસની ડ્રાઈવમાં પોલીસે મીઠાખળીમાંથી 6, સોલામાંથી 12, એલિસબ્રિજમાંથી 10, કાગડાપીઠમાંથી 9, ગોમતીપુરમાંથી 26, કારંજમાંથી 6, ગાયકવાડ હવેલીમાંથી 14, ઓઢવમાંથી 27, દાણીલીમડામાંથી 17, અન્ય સ્થળોએથી 83 વાહન જપ્ત કર્યા છે.

વાહન પડી રહે તેટલા દિવસ પાર્કિંગ ચાર્જ

એચએસઆરપી લગાવતી એજન્સીના માણસો કાંકરિયા હાજર રહેશે. વાહન માલિકે એચએસઆરપી લગાવવાના રૂ. 140 ચૂકવવા પડશે. નંબર પ્લેટ બનતા 7થી 10 દિવસ લાગશે. ત્યાં સુધી વાહન છૂટશે નહીં. તેમજ જેટલા દિવસ વાહન પડી રહેશે તેટલા દિવસનો રોજના 30 લેખે પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે.

ગુનામાં વપરાયેલાં 3 વાહન પકડાયાં

શહેર પોલીસના ધ્યાન પર આવ્યું છે કે ગુનામાં નંબર પ્લેટ વગરના વાહનો વપરાતા હોય છે. જેથી આવા વાહનો પર સખ્તાઇ રાખી જપ્ત કરવાની ડ્રાઇવ પોલીસે શરૂ કરી છે. જપ્ત થયેલા 210 વાહનમાંથી 3 વાહનો ગુનામાં વપરાયા હોવાના પુરાવા પણ મળ્યા છે.

HSRP વગર વાહન નહીં છોડાય

બન્ને તરફ નંબર પ્લેટ ન હોય તેવા ટુ વ્હીલરને જપ્ત કર્યા છે. કેમકે આવા વાહનો ગુનામાં વપરાતા હોવાનુ ઘ્યાને આવ્યું છે. પહેલા અમે નંબર પ્લેટ વગરના વાહનોને સ્થળ દંડ લઈ જવા દેતા હતા. પરંતુ હવે એચએસઆરપી ન લગાડે ત્યાં સુધી વાહન છોડીશું નહીં. એ. કે સિંઘ, પોલીસ કમિશનર

X
210 two-wheeler seized in a two-day drive in Ahmadabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી