ટ્રાફિક નિયમોના ભંગ બદલ એક વર્ષમાં 5.94 લાખ ચાલકોને ઇ-ચલણ ફટકાર્યાં, 4.39 લાખ લોકોએ ઇ-ચલણ ભર્યાં જ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5થી વધુ ઇ-ચલણવાળા 56 હજારના લાઈસન્સ સસ્પેન્ડ થશે
  • ઇ-ચલણ વસૂલવા માટે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરાઃ વડોદરા શહેરમાં એક વર્ષમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 5.94 લાખ વાહન ચાલકોને ઇ-ચલણ ફટકારતા માત્ર 1.54 લાખ ચાલકોએ દંડની ભરપાઇ કરી હતી. જ્યારે 4.39 લાખ ચાલકોએ 7.76 કરોડની ભરપાઇ નહીં કરતાં પોલીસે 5 ડેસ્ક સેન્ટરો સાથે 16 ટીમોએ નોટિસ બજવણી હાથ ધરતા એક જ દિવસમાં 1778 ઇ-ચલણના 2.57 લાખના દંડની વસૂલાત થઇ છે. બીજી તરફ પાંચથી વધુ ઇ ચલણનો દંડ ન ભરનાર 56,631 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

ઇ ચલણના દંડની વસૂલાતની ઝુંબેશ હાથ ધરાઇ
વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ઇ ચલણના દંડની વસૂલાતની ઝુંબેશ હાથ ધરાઇ છે. એપ્રિલ 2018થી 20 મે 2019 સુધીમાં વડોદરા શહેરના કુલ 5.94 લાખ વાહન ચાલકોને ઇ-ચલણ ઇશ્યૂ કર્યાં હતાં. તેમને કુલ રૂા. 8.30 કરોડનો દંડ ફટકારાયો હતો. તેની સામે માત્ર 1.54 લાખ વાહન ચાલકોએ ઈ ચલણના રૂા.2.07 કરોડ ભરપાઇ કર્યા છે જ્યારે બાકી રહેલાં 4.39 વાહન ચાલકોએ દંડના રૂા. 7.76 કરોડની ભરપાઈ કરી નથી. જે પૈકી 5 થી 10 ઇ ચલણ વાળા 50,830 વાહન ચાલક, 10 થી 15 વચ્ચે 4973 અને 15 કરતાં વધુ 828 વાહન ચાલકો મળી 56, 631 હજારથી વધુ ઇ ચલણનો સમાવેશ થાય છે.

5 વિસ્તારમાં ઈ ચલણ ભરપાઈ ડેસ્ક ઉભુ કરાયા
દંડની વસૂલાત માટે ટ્રાફિક પોલીસ એકશનમાં આવી છે. ટ્રાફિક પોલીસની બે સભ્યોની 16 ટીમો બનાવી 15 કરતાં વધુ ઈ ચલણ મળેલાં 828 જેટલા વાહન ચાલકોને ઘરે જઈ દંડની વસૂલાત હાથ ધરી છે. તા. 20 મે થી 26 મે દરમિયાન ઇ- ચલણનો દંડ શહેરના 5 વિસ્તારમાં ઈ ચલણ ભરપાઈ ડેસ્ક , એસ.બી.આઈ બેંક, ટ્રાફિક પોલીસની વેબસાઈટ, પોલીસ ભવન તેમજ ટ્રાફિક શાખાની ઓફિસ ઉપર પણ શરૂ કર્યો છે.

3 ઇ-ચલણથી વધુ બાકી હશે, તો તેની સ્થળ પર જ વસૂલાત કરાશે
પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું કે 5 થી વધુ ઇ ચલણ ઇસ્યુ થયા હોય તેવા વાહન ચાલકોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ વાહન ચાલકને અટકાવી તપાસ કરશે, 3 ઇ-ચલણથી વધુ બાકી હશે તો તેની સ્થળ પર જ વસૂલાત કરવામાં આવશે. જો દંડ નહીં ભરે તો વાહન ડિટેઇન કરવામાં આવશે.

એક જ દિવસમાં 1778 ઈ-ચલણનો દંડ ભરાયો
વડોદરા શહેર ટ્રાફિક પોલીસે સોમવારે 16 ટીમો બનાવી 15 કરતા વધુ ઈ ચલણ મળેલા વાહન ચાલકોના ઘરે જઈ 332 નોટીસના 1116 ઈ ચલણનો કુલ 1.30 લાખ દંડ વસુલ કર્યો હતો. જયારે સરદાર એસ્ટેટ ચાર રસ્તા પરના ડેસ્ક પર 146 ઈ ચલણનો રૂ.33,200, નર્સીંગ હોમ ચાર રસ્તા પરના ડેસ્ક પર 96 ઈ ચલણનો રૂ.20 હજાર મુજમહુડા પરના ડેસ્ક પર 154 ઈ ચલણનો રૂ.28 હજારનો દંડ ભરાયો હતો.

4 તબક્કામાં બાકીના દંડની વસૂલાત
ટ્રાફિક પોલીસ પોતે જ ઇ-ચલણમાં દર્શાવેલા સરનામા પર દંડની વસૂલાત કરવા જશે
VTP એપના માધ્યમથી સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ કર્મી વાહન ચાલકના બાકીના દંડની રકમ અંગે ચકાસણી કરશે. જો બાકી નિકળશે તો સ્થળ પર જ દંડ ભરાવશે.
ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા દંડની ભરપાઇ કરવા માટે ઈ ચલણ ભરપાઈ ડેસ્કનું આયોજન કરાશે.
ઇ-ચલણનો દંડ નહીં ભરનારનું આરટીઓ સાથે સંકલન કરી લાઇસન્સ સસ્પેન્ડ કરાશે.

કેવી રીતે ભરાશે ઓનલાઇન ઈ ચલણ
પોલીસની વડોદરા ઈ ચલણની વેબસાઈટ ઓપન કરવી
વ્હીકલ નંબર બોક્સમાં વ્હીકલ નંબર નાખવો
ત્યારબાદ વ્હીકલની અનપેડ ચલણની ડિટેઇલ જણાશે .
ડિટેઇલ નીચે બોક્સ પર ક્લિક કરતાં ભરવાની રકમ જણાશે
ત્યારબાદ મોબાઈલ નંબર નાખી અને કાર્ડ ડિટેઇલ ભરી પે નાઉ પર ક્લિક કરવું
તમારા મોબાઈલમાં ઓટીપી અને PDF ફાઈલ જનરેટ થશે.

RTO સોફ્ટવેરમાં અધૂરાં એડ્રેસ 70,318 ઇ-ચલણ પરત આવ્યાં
શહેર ટ્રાફિક એસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, ઈ ચલણની માહિતી આરટીઓના સોફ્ટવેર સાથે જોડાયેલી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ 5.94 લાખ ઇ ચલણમાંથી 70,318 ઇ-ચલણ પોસ્ટ મારફતે પરત આવ્યાં છે. આરટીઓના સોફ્ટવેરમાં અધૂરાં એડ્રેસ હોવાના કારણે આ ચલણ સાચાં એડ્રેસ પર પહોંચી શક્યાં નથી.

પોલીસની કડક વસૂલાત સામે વાહનચાલકોમાં રોષ
ટ્રાફિક પોલીસે ઇ-ચલણની કડકાઇથી ઉઘરાણી શરૂ કરતાં વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. અમિતનગર સર્કલ સહિતના વિસ્તારોમાં ખાનગી વાહનો ટ્રાફિકના નિયમોનો છડેચોક ભંગ કરતા હોવા છતાં પોલીસ આંખ આંડા કાન કરી રહી છે.પોલીસ માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલરને જ ટાર્ગેટ કરી રહી હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે.