બાલાસિનોર: બાલાસિનોરમાં ફતેપુરાથી જુનાગઢ જઈ રહેલી એસટી બસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં જણાતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પહોંચેલી પોલીસે બસ ડ્રાઇવરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાલાસિનોરના વિરપુર રોડ ઉપર ફતેપુરાથી જૂનાગઢ જતી લુણાવાડા ડેપોની બસ નં.જી.જે.18.ઝેડ.5922નો ડ્રાઇવર ઉદાભાઇ ફતાભાઇ ગામોટ (રહે.મોહિલા, તા.સંતરામપુર, જિ.મહિસાગર) રાજાપાઠની હાલતમાં બસને જોખમી રીતે હંકારતા પેસેન્જરોએ હોબાળો મચાવી બાલાસિનોર બસ સ્ટેશન ખાતે બસ ઉભી રખાવી ફરિયાદ કરતા ડેપો મેનેજર અબ્દુલરજાક ઇસ્માઇલભાઇ શેખ (રહે.બાલાસિનોર) દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે નશો કરી એસ.ટી.બસ હંકારતાં ડ્રાઇવર ઉદાભાઇની તબીબી તપાસ કરાવી હતી.
આ બસમાં મુસાફરી કરતાં પેસેન્જરોના જણાવ્યા અનુસાર રસ્તામાં ત્રણ વાર ગમખ્વાર અકસ્માત થતા રહી ગયો હતો. આમ 100 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. બે કલાક બાદ બીજા ડ્રાઈવરની વ્યવસ્થા થતા બસને રવાના કરવામાં આવી હતી. આમ, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ છડેચોક એસ.ટી.ડ્રાઇવર દ્વારા દારૂ પીધેલી હાલતમાં બસ હંકારવા બાબતે પેસેન્જરોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.