દુષ્કર્મી LRD જવાન સસ્પેન્ડ, તેને છાવરનારા લક્ષ્મીપુરા PIની બદલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસકર્મી પર કાળી શાહી ફેંકાઇ - Divya Bhaskar
પોલીસકર્મી પર કાળી શાહી ફેંકાઇ
  • આરોપીઓને નર્મદા ભવન ખાતે યુવતી સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવી હતી
  • પોલીસે બંનેને એક્ઝિ.મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી ઓળખ પરેડ કરાવી
  • બંને નરાધમોના 1 દિવસના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલી દેવાયા

વડોદરાઃ શહેરના ગોત્રી ચેક પોસ્ટ પાસેની કેનાલ પાસે યુવતીની 15 મિનિટની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ કરનારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનના ઇન્ચાર્જ એલઆરડી જવાન સુરજસિંહ ચૌહાણને સસ્પેન્ડ કરી દેવાયો છે, જયારે તેને  છાવરનારા લક્ષ્મીપુરા પીઆઇ એન.કે.વ્યાસની બદલી કરી દેવાઇ છે. બીજી તરફ પોલીસે બંને નરાધમોને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરી ઓળખ પરેડ કરાવતા પીડીતાએ બંનેને ઓળખી બતાવ્યા હતા.દરમિયાન, 1 દિવસના રિમાન્ડ પૂરા થતાં બંનેને જેલમાં ધકેલી દેવાયા હતા.

ડ્રાઇવરે 5 હજારનો તોડ પાડ્યો હતો
શનિવારે રાત્રે સવા આઠથી સાડા આઠ વાગ્યાના અરસામાં યુવતીની એકલતાનો લાભ ઉઠાવી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆરવાન 9ના એલઆરડી જવાન સુરજસિંહ ફુલસિંહ ચૌહાણે દુષ્કર્મ કર્યું હતું. જયારે ડ્રાઇવર રસિક ચીમનભાઇ ચૌહાણે ધમકી આપી 5 હજારનો તોડ પાડયો હતો. આ ઘટના બાદ પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌતે એલઆરડી જવાન સુરજસિંહને સસ્પેન્ડ કર્યો હતો, જયારે લક્ષ્મીપુરા પીઆઇ એન.કે.વ્યાસની બદલી કરી હતી. તેમના સ્થાને હાલ સાયબર ક્રાઇમના પીઆઇ વાણીયાને મુકાયા હતા. બીજી તરફ પોલીસે બંનેની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન તપાસ અધિકારી એસીપી બી.એ.ચૌધરીએ બંને નરાધમોને એક્ઝિક્ટિટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કર્યા હતા. જ્યાં પીડિતાએ બંનેને ઓળખી બતાવ્યા હતા.  

કોર્ટ સંકુલમાં બંને નરાધમો પર શાહી ફેંકાઇ 
એલઆરડી સુરજ અને ડ્રાઇવર રસિકને કોર્ટમાં રજૂ કરાયા  બાદ પોલીસ બંનેને લઇને બહાર આવી રહી હતી ત્યારે દાદર ઉતરતી વખતે  વડોદરા યુવક કોંગ્રેસના કાર્યકરોએ બંને નરાધમો પર શાહી ફેંકી વિરોધ કર્યો હતો. 

પીસીઆર વાનના દુરુપયોગની ફરિયાદ
રાજપૂત કરણી સેનાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે પીસીઆર વાનના કર્મચારીઓ પ્રજાને ધમકાવી નાણાં પડાવે છે. જેની સામે પગલાં લેવાં જોઇએ. શહેર મહિલા કોંગ્રેસે આવેદન આપી સ્કૂલવાનના ડ્રાઇવરો દ્વારા અને પીસીઆરના કર્મીઓ દ્વારા છેડતી અને દુષ્કર્મમાં કડક સજાની માંગ કરી હતી.

સારા કર્મીને PCR વાનમાં ફરજ સોંપો
પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌતે જણાવ્યું હતું કે તમામ ડીસીપી અને એસીપીઓની સોમવારે બેઠક બોલાવાઇ હતી. જે સારા વર્તન અને ગંભીરતાથી કામ કરનારા પોલીસ કર્મચારીઓ છે તેમને પીસીઆર વાનમાં ફરજ સોંપવા સુચના આપી છે. પીસીઆરવાનનો ડ્રાઇવર પણ લાયસન્સ ધરાવતો પોલીસ કર્મચારી જ રાખવામાં આવે.

કેનાલ પાસે યુવક-યુવતી રાત્રે બેઠા હતા 
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી તેના 21 વર્ષીય મિત્ર સાથે શનિવારે રાત્રે બાઇક લઇને ફરવા નીકળી હતી. બંને 1 વર્ષથી ઘનિષ્ઠ મિત્ર હતાં, જે અંગે બંનેના પરિવારને પણ જાણ હતી. યુવક-યુવતી ગોત્રી ચેક પોસ્ટથી આગળ કેનાલ પાસે બાઇક પર બેસી વાતો કરતાં હતાં ત્યારે સવા આઠથી સાડા આઠ વાગ્યા સુધીના ગાળામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન નં-9 તેમની પાસે આવી હતી. પીસીઆર વાનમાંથી ખાનગી ડ્રાઇવર રસિક ચીમનભાઇ ચૌહાણ (રહે. ઉમાનગર સોસા. અંકોડિયા) અને પીસીઆર વાનનો ઇન્ચાર્જ એલઆરડી જવાન સુરજસિંહ ફુલસિંહ ચૌહાણ (રહે. અણમોલ પાર્ક, લક્ષ્મીપુરા સ્મશાન પાસે) વાનમાંથી ઊતરી બાઇક પાસે પહોંચ્યા હતા.
પોલીસકર્મીએ શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું
બંનેએ બાઇકની ચાવી કાઢી લઇ યુવક અને યુવતીને તેમના સંબંધો અંગે પૂછ્યું હતું અને ત્યારબાદ પરિવારને જાણ કરવાની ધમકી આપી 5 હજાર રૂપિયાની માગણી કરી હતી. જોકે યુવક પાસે રોકડા રૂપિયા ન હોવાથી તેને પેટીએમ મારફતે રૂપિયા આપવાનું કહેતાં ડ્રાઇવર રસિક યુવકને બાઇક પર બેસાડી પૈસા લેવા લઇ ગયો હતો. તે સમયે એલઆરડી સુરજસિંહ ફૂલસિંહ ચૌહાણ અને યુવતી એકલાં ઊભાં હતાં ત્યારે એકલતાનો લાભ ઉઠાવી સુરજે તેને તેના પિતાને વાત કરવાની ધમકી આપી હતી અને નજીકમાં અધૂરા બાંધકામવાળા અવાવરુ મકાનમાં લઇ જઇ તેની સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ બંને જતા રહ્યા હતા. યુવતીએ યુવકને આ મામલે વાત કર્યાં બાદ બંનેએ પરિવારને જણાવતાં તેઓ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યાં હતાં. ઉલ્લેખનિય છે કે, પોલીસે શનિવારે મોડી રાત્રે ફરિયાદ નોંધીને પોલીસ કર્મચારી સુરજસિંહ ચૌહાણ અને ડ્રાઇવર રસિક ચૌહાણને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...