તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે સંતાનોની માતાએ બ્યુટી પેજન્ટમાં મિસિસ ગુજરાત સ્ટેટનો ખિતાબ જીત્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સ્ટેટ નો ખિતાબ જીતનાર જ્યોતિ પરમાર - Divya Bhaskar
ગુજરાત સ્ટેટ નો ખિતાબ જીતનાર જ્યોતિ પરમાર
  • ફરીદાબાદમાં વિજી ગ્રુપ આયોજિત સૌન્દર્ય સ્પર્ધામાં 36 વર્ષની ઉંમરે ગૃહિણી બ્યુટી પેજન્ટમાં વિજેતા બની

વડોદરાઃ વડોદરાના વાઘોડિયા રોડ પરના નીલાંબર વિલામાં રહેતા 36 વર્ષીય મહિલા જ્યોતિ પરમારે તાજેતરમાં નવી દિલ્હી નજીક ફરીદાબાદમાં વિજી ગ્રુપ દ્વારા યોજવામાં આવેલી બ્યુટી પેજન્ટમાં મિસિસ ગુજરાત સ્ટેટ નો ખિતાબ જીત્યો છે. બે સંતાનોની માતા જ્યોતિ પરમારે જણાવ્યું હતું કે, મારે ગૃહિણી ગ્લેમરના ક્ષેત્રમાં ના જઈ શકે એવી ઘર કરી ગયેલી માન્યતા તોડવી હતી. કોઈ પણ ઉંમરે તમે જીવનમાં નવું સાહસ કરી શકો એને ઉંમરનો બાધ નડતો નથી. 
આ સૌંદર્ય સ્પર્ધામાં દેશના 20 રાજ્યોમાંથી 22થી લઈને 59 વર્ષની ઉંમરની પરિણીત મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં માત્ર પરિણીત મહિલા જ ભાગ લઈ શકે એવો નિયમ હતો. તેની સાથે મિસિસ ઇન્ડિયા સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં જ્યોતિ એ સારો દેખાવ કર્યો હતો.
વડોદરાની જ્યોતિ ખૂબ ઉચ્ચ શિક્ષિત નથી. લગભગ 19 વર્ષની ઉંમરે પરિવાર અને જ્ઞાતિ સમાજની પરંપરા પ્રમાણે એમના લગ્ન થઈ ગયા હતા. હાલમાં એમની એક દીકરી બારમા ધોરણમાં ભણે છે અને બીજી 6 વર્ષની છે. તેમના ઇજનેર પતિ પંકજ મકરપુરા જીઆઈડીસીમાં ટેસ્ટીંગ લેબ ધરાવે છે અને એમના તથા સાસુ, સસરા અને કુટુંબીજનોના પ્રોત્સાહનથી જ જ્યોતિએ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાનું સાહસ કર્યું હતું.
જ્યોતિ પરમારે જણાવ્યું હતું કે, માત્ર શરીરની સુંદરતાથી સૌંદર્ય સ્પર્ધા જીતી શકાતી નથી. એમાં તમારા વ્યક્તિત્વ,પ્રતિભા,વર્તનમાં અને વ્યવહારમાં શાલીનતા,જન સંપર્કમાં પ્રવિનતા, સાંપ્રત પ્રવાહોની જાણકારી, નૃત્ય કે તે પ્રકારની અન્ય કલા કુશળતા ઇત્યાદી ઘણા પાસાઓની કસોટી લેવાય છે અને વિવિધ પ્રકારના સેશન્સ યોજાય છે. પ્રશ્નોત્તરી પણ કરવામાં આવે છે. એટલે માત્ર રૂપાળા હોવું પૂરતું નથી પણ શરીરની જાળવણીની સાથે પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવું અનિવાર્ય છે.
તેઓએ એક વર્ષથી આ સ્પર્ધામાં ઝંપલાવવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી હતી. વજન સમતોલ કરવા જીમમાં જોડાવાની સાથે રાજકોટના નિશા ચાવડાના ગૃમીંગ સેશનમાં કેટવોકની તાલીમ લીધી હતી. આ તાલીમ એટલી સખત હતી કે, પગના તળિયા છોલાઈ જતાં અને લોહીના ટશિયા ફૂટતા. જોકે આ તાલીમ સફળતા મેળવવામાં તેઓને ખૂબ ઉપયોગી નીવડી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...