એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન ક્રેઇનની એડફેટે મહિલાનું મોત, યોગ્ય વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક મહિલાના પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો
  • ડ્રાઇવર, કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની માંગ કરી

વડોદરાઃ વડોદરા શહેર નજીક સેવાસી-ભીમપુરા રોડ પર સન સિટીની બાજુમાં એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન હાઇટેક ક્રેઇનની અડફેટે મહિલાનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોએ મહિલાના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી. અને યોગ્ય વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
સામાજિક કાર્યકરો સ્થળ પર દોડી ગયા
સેવાસી-ભીમપુરા રોડ પર સન સિટી પાસે એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન હાઇટેક ક્રેઇન મંજુલાબેન ગંભીરસિંહ સોલંકી નામની મહિલા પર ફરી વળતા માથા ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો સ્થળ ઉપર પહોંચી ગયા હતા. મૃતક મહિલાના પુત્ર ચેતન સોલંકીએ જણાવ્યું હતું કે, મારા મમ્મી ખેતરમાં જઇ રહ્યા હતા તે સમયે તેમના પર ક્રેન ચડી જતા તેમનું મોત નીપજ્યું છે.
કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ
સામાજિક કાર્યકર લખન દરબારે જણાવ્યું હતું કે, જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ઘટના સ્થળે હાજર નહોતો. અને સેફ્ટી પણ જળવાતી નથી. જેથી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. અને મૃતક મહિલાના પરિવારને વળતર આપવુ જોઇએ.
યોગ્ય વળતર નહીં ચૂકવાય તો તમામ કામો બંધ કરી દેવામાં આવશે
સામાજિક કાર્યકર અબ્દુલ પટેલે જણાવ્યું હતું કે, ડ્રાઇવર બેફામ રીતે ક્રેઇન ચલાવીને આવતો હતો. જેથી મહિલાને અડફેટે લઇને મોત નીપજાવ્યું છે. વારંવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે. જો મહિલાના પરિવારજનોને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો તમામ કામો બંધ કરી દેવામાં આવશે. અને ગ્રામજનો હિંસક આંદોલન ઉતરી આવશે.

અન્ય સમાચારો પણ છે...