દારૂના નશામાં ચૂર ST બસના ડ્રાઇવર અને કંડક્ટરે બસને બોડેલીને બદલે રાજપીપળા તરફ વાળી, મુસાફરોનો હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બસ ચલાવતી વખતે નશાની હાલતમાં હોવાનું ડ્રાઇવરે સ્વીકાર્યું
  • લોકોના જીવ જોખમમાં મૂકનાર ડ્રાઇવર અને કંડક્ટર સસ્પેન્ડ

છોટાઉદેપુરઃ ગુજરાતમા દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, તેવા કોંગ્રેસના નેતા અશોક ગેહલોતના નિવેદનને લઇને વિવાદનો મધપુડો છંછેડાયો છે, ત્યારે છોટાઉદેપુરથી વડોદરા જતી એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટર દારૂના નશામાં ચૂર જોવા મળતા મુસાફરોએ મચાવ્યો હોબાળો મચાવ્યો હતો. નશામાં ચૂર હાલતનો ડ્રાઇવર અને કંડક્ટરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બસનો ડ્રાઇવરે દારૂ પીધો હોવાનો સ્વીકાર કરતો જોવા મળે છે.

ડ્રાઇવરે બસ રાજપીપળા તરફ વાળી દીધી
છોટાઉદેપુરથી વડોદરા જતી એસટી બસના ડ્રાઈવર વસંતભાઈ સવજીભાઈ પરમાર દારૂના નશામાં બેફામ એસ.ટી. બસ ચલાવતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. તો કંડક્ટર ગોવિંદભાઈ મંગડાભાઈ વસાવા પણ દારૂનો નશો કરેલો હતો અને તેને પણ કોઈ જ ભાન ન હતું. છોટાઉદેપુરથી વડોદરા જવા નીકળેલી બસને ડ્રાઇવરે બોડેલી તરફ લઈ જવાની જગ્યાએ રાજપીપળા રોડ પર વાળી દેતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ હોબાળો મચાવતા બસને વળાવીને માંડમાંડ બોડેલી એસ.ટી ડેપોમાં પહોંચાડતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

ડ્રાઇવર અને કંડકટર બોડેલી ડેપોમાંથી ભાગી છૂટ્યા
મુસાફરોએ ડેપોમાં જઇ કંટ્રોલ રૂમમાં જાણ કરી કંટ્રોલ રૂમ પર પણ મુસાફરોએ હોબાળો મચાવીને બોડેલી ડેપો મેનેજરનો સંપર્ક કર્યો હતો. તે અરસામાં ડ્રાઇવર અને કંડકટર બોડેલી ડેપોમાંથી ભાગી છૂટ્યા હતા. જોકે મુસાફરો હેરાન ન થાય તે માટે અન્ય ડ્રાઈવર અને કંડકટરને મોકલીને મુસાફરો ભરેલી બસને વડોદરા રવાના કરાઇ હતી. ડ્રાઇવર અને કંડક્ટરનો નશાની હાલતનો વીડિયો હવે વાયરલ થયો છે.