આમલીયારા ગામ પાસે ટ્રક પલટી ખાઇ જતા બાઇક પર સાળા-બનેવીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતગ્રસ્ત ટ્રકમાં આગ લાગી હતી - Divya Bhaskar
અકસ્માતગ્રસ્ત ટ્રકમાં આગ લાગી હતી
  • સાળો-બનેવી વડોદરા વિનાયક સિટી બસમાં ડ્રાઇવર-કંડક્ટર હતા
  • નોકરી ઉપરથી ઘરે જતા સાળો-બનેવીને કાળ ભરખી ગયો
  • બે બાળકોની માતાએ એક સાથે પતિ અને ભાઇ ગુમાવ્યો

વડોદરાઃ વડોદરા શહેર નજીક વડોદરા-હાલોલ રોડ ઉપર મોડી રાત્રે ખાંડની બોરીઓ ભરેલી ટ્રકની અડફેટે બાઇક સવાર સાળા-બનેવીના મોત નીપજ્યા હતા. આ બનાવમાં બાઇક સવારોને અડફેટમાં લેનાર ટ્રક પલટી ખાઇ ગઇ હતી. અને તેમાં આગ ભભૂકી ઉઠી હતી.

બંને મૃતક વિનાયક સિટી બસમાં ડ્રાઇવર-કંડક્ટર તરીકે નોકરી કરતા હતા
વડોદરા નજીક આવેલા મુરલીપુરા ગામમાં 34, આંગણ ટેનામેન્ટમાં રહેતા પ્રકાશસિંહ પ્રભાતસિંહ બારીયા (પટેલ) (40) અને મુરલીપુરા ગામમાં આંગણ ટેનામેન્ટમાં રહેતો તેમનો સાળો ભાર્ગવસિંહ સોમાભાઇ બારીયા (35) વડોદરા વિનાયક સિટી બસમાં ડ્રાઇવર-કંડક્ટર તરીકે નોકરી કરતા હતા. મોડી રાત્રે નોકરી ઉપરથી છૂટીને મોટર સાઇકલ ઉપર ઘરે જતા હતા. દરમિયાન તેઓ આમલીયારા ગામ પાસે ટ્રકની અડફેટે આવી જતાં મોતને ભેટ્યા હતા.

સાળો-બનેવી રોજ એક જ બાઇક પર નોકરી ઉપર જતા હતા
પ્રકાશસિંહ બારીયા (પટેલ) પત્ની સવિતાબહેન અને બે સંતાનો જયદીપ અને ધારા સાથે રહેતા હતા. તેઓની પત્ની સવિતાબહેને આ બનાવમાં પતિ પ્રકાશસિંહ અને ચાર માસ પહેલાં જ લગ્ન કરનાર ભાઇ ભાર્ગવસિંહને ગુમાવ્યો હતો. ભાર્ગવસિંહનું ચેતના સાથે લગ્ન થયા બાદ મુરલીપુરા ગામમાં રહેતો હતો. સાળો-બનેવી રોજ એક જ બાઇક ઉપર વડોદરા નોકરી ઉપર આવતા હતા. અને સાથે જ પરત ઘરે જતા હતા. આ બનાવે ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી.

ટ્રકે પલટી ખાતાની સાથેજ તેમાં આગ ભભૂકી ઉઠી
તાલુકા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે ખાંડની બોરીયો ભરેલી ટ્રકે બાઇક સવારોને અડફેટમાં લેતા પલટી ખાઇ હતી. ટ્રકે પલટી ખાતાની સાથે જ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરંત જ લાશ્કરો દોડી ગયા હતા. અને ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો. મોડી રાત્રે બનેલા બનાવને પગલે આમલીયારા અને મુરલીપુરા ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, લોકો દોડી આવે તે પહેલાં ટ્રકનો ડ્રાઇવર અને ક્લિનર સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.