તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃત નાગરિકે દર્શન હોટલ સામે 2 વખત CM સ્વાગત નિવારણમાં ફરિયાદ કર્યાં બાદ પણ કાર્યવાહી ન થઇ, 7 મજૂરોએ જીવ ગુમાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ પાસે આવેલી દર્શન હોટલ અને જાગૃત નાગરિક રમણીકભાઇ મકવાણા - Divya Bhaskar
ડભોઇ પાસે આવેલી દર્શન હોટલ અને જાગૃત નાગરિક રમણીકભાઇ મકવાણા

વડોદરા: ફરતીકુઇ પાસે આવેલી દર્શન હોટલ વિરૂદ્ધ ડભોઇ તાલુકાના હાંસાપુરા ગામના વતની અને જાગૃત નાગરિક રમણીકભાઇ મકવાણાએ મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ખાળકૂવાના ગેરકાયદેસર થતી ગંદકીના નિકાલ અંગે વ્યાપક ફરિયાદો કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા હોટલ સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા મોડી રાત્રે 7 વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાયા છે.

સરકારી તંત્રએ હોટલ સંચાલકેને માત્ર નોટિસો આપીને સંતોષ માણ્યોઃ ફરતીકુઇ પાસે દર્શન હોટલની સામે આવેલી દાવર રેસિડેન્સીમાં રહેતા રમણીકભાઇ નાનજીભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, દર્શન હોટલ દ્વારા ખાળકૂવાનું દૂષિત પાણી ખુલ્લામાં છોડવામાં આવે છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરતી લેખિત ફરિયાદો ડભોઇ મામલતદાર કચેરીમાં કરવામાં આવી હતી. પરંતુ મામલતદાર કચેરીના ભ્રષ્ટ તંત્ર દ્વારા હોટલના સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા મે ઓક્ટોબર-2018માં મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરી હતી. ત્યારબાદ મને ફરિયાદના અનુસંધાનમાં કાર્યક્રમમાં બોલાવ્યો હતો. અને મારી રજૂઆત પણ સાંભળી હતી. પરંતુ સરકારી તંત્ર દ્વારા માત્ર હોટલ સંચાલકને નોટિસો આપીને સંતોષ માણ્યો હતો. હોટલ સંચાલકો નોટિસો મળ્યા પછી પણ તેઓ દ્વારા ખાળકૂવાનું દુષિત પાણી ખૂલ્લામાં છોડવામાં આવતું હતું.

અધિક કલેક્ટરે કહ્યું, હોટલને આરોગ્યલક્ષી લાયસન્સ લેવાનું રહેતુ નથીઃ રમણીકભાઇ મકવાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મોડી રાત્રે દર્શન હોટલ સ્થિત ખાળકૂવામાં 7 વ્યક્તિઓનો ભોગ લેતી જે ઘટના બની છે, તે ઘટના પાછળ જો કોઇ જવાબદાર હોય તો તે ડભોઇ મામલતદાર કચેરીના અધિક કલેક્ટર હિમાંશુ પરીખ છે. આ ઘટનામાં તેઓની સામે પણ પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે, 19-10-018ના રોજ મે તેમજ આરોગ્ય વિભાગે હોટલની મુલાકાત લીધી હતી. હોટલમાં તપાસ કરતા તેઓ પાસે પ્રતિ વર્ષે લેવાનું રહેતું આરોગ્યલક્ષી લાયસન્સ ન હતું. હોટલ સ્થિત ડ્રેનેજ લાઇનોના ઢાંકણ ખુલ્લા હતા. જેનાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાતી હતી. આ અંગે આરોગ્ય અધિકારીએ ડભોઇ મામલતદાર કચેરીમાં રિપોર્ટ પણ કર્યો હતો. અને મે પણ લેખિત ફરિયાદ આપી હતી, ત્યારે અધિક કલેક્ટર હિમાંશુ પરીખે એવો જવાબ આપ્યો હતો કે, હોટલને આરોગ્યલક્ષી લાયસન્સ લેવાનું રહેતું નથી. તેઓનો આ જવાબ સાંભળી હું પણ ચોંકી ઉઠ્યો હતો. ત્યારબાદ મે પુનઃ મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરિયાદ આપી હતી. જે તે સમયે ડભોઇ મામલતદાર કચેરી દ્વારા મારી ફરિયાદને ગંભીરતાથી લીધી હોત તો કદાચ થુવાવી ગામના પિતા-પુત્ર સહિત 7 વ્યક્તિઓનો જીવ બચી ગયો હોત. પોલીસ વિભાગે ડભોઇ મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીઓ સામે પણ ગુનો નોંધી જેલમાં પુરી દેવા જોઇએ.

હોટલ સંચાલક સામે કડક કાર્યવાહીની માંગઃ રમણીકભાઇ મકવાણાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, દર્શન હોટલના સંચાલકે હોટલ સ્થિત ખાળકૂવાના મળનો નિકાલ કરવા માટે હોટલની બાજુમાં આવેલી જમીન પ્રતિમાસ રૂપિયા 80 હજારમાં ભાડે રાખી હતી. હોટલ સંચાલક રોજ રાત્રે 11 વાગ્યા પછી જ હોટલનું દૂષિત પાણી છોડતો હતો. અને જ્યારે ખાળકૂવાની સફાઇ કરાવે ત્યારે પણ ખાળકૂવાનો મળ ભાડે રાખેલી જમીનમાં ખૂલ્લામાં છોડી આસપાસના લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતો હતો. 7 વ્યક્તિનો ભોગ લેનાર હોટલ સંચાલક સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી મારી લાગણી અને માંગણી છે.