તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિક્શા અને ટ્રેકટર ચાલકે હવે કારનું લાઇસન્સ લેવું પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કેન્દ્રના સોફ્ટવેરમાં અચાનક બદલાવથી રાજ્ય સરકાર અજાણ
  • સોફટવેરમાંથી થ્રી વ્હીલર નોન ટ્રાન્સપોર્ટનો ક્લાસ કાઢી નાંખ્યો

અર્પિત પાઠક, વડોદરાઃ હવે રિક્શા અને ટ્રેકટરનાં લાઇસન્સ નહીં મળે , ટુ વ્હીલર બાદ સીધું લાઇટ મોટર વ્હીકલનું લાઇસન્સ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે શુક્રવારે સારથિ સાેફ્ટવેરમાં અચાનક બદલાવ કરી થ્રી વ્હીલર નોન ટ્રાન્સપોર્ટનો ક્લાસ કાઢી નાંખ્યો છે. જેથી અનેક સમસ્યા ઉભી થઇ છે. શનિ-રવિ વારે રિક્શાના લર્નિંગ લાઇસન્સ માટે કામગીરી થઇ શકી નહોતી. આ અંગે રાજ્યના આરટીઓ વિભાગને કોઇ માહિતી નહીં હોવાથી તેએા પણ અસમંજસમાં મૂકાયા છે.

રીક્ષા યુનિયનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં
કેન્દ્ર સરકાર દ્વારા 7.5 ટન સુધીનાં તમામ વાહનને લાઇટ મોટર વ્હીકલની એક જ કેટેગરીમાં સમાવી લીધાં છે. ટુ વ્હીલર બાદ સીધું આ લાઇસન્સ ઇશ્યુ કરાશે. જેથી હવે રિક્શા ચલાવનારનો ટેસ્ટ શેના પર લેવો તેવો પ્રશ્ન ઉભો થયો છે. આરટીઓમાં બે દિવસથી ટ્રેક્ટર, રિક્શા,છોટા હાથી જેવાં વ્હીકલ અંગે કોઇ કામગીરી થઇ નથી.અચાનક થયેલા બદલાવ અંગે રિક્શા યુનિયનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સૂત્રો મુજબ હવે રિક્શા ચલાવવી હશે તો પણ ફોર વ્હીલર શીખવું પડશે અને તેના પર ટેસ્ટ આપવો પડશે. રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશ્નર રાજેશ માંચુએ જણાવ્યું હતું કે, જે વાહનનું લાઇસન્સ હોય તેના પર જ ટેસ્ટ આપી શકાશે. બાકી વધુ મારે પણ તપાસ કરવી પડશે. 

2000 રિક્શા ચાલકોનાં લાઇસન્સ અટવાયાં 
રાજ્ય સરકાર દ્વારા રિક્શા ચાલકોને લાઇસન્સ મળે તે માટે સ્પે.કેમ્પ રખાતા હતા. છેલ્લા કેટલાય શનિ-રવિથી વડોદરા આરટીઓ દ્વારા કેમ્પ કરીને અંદાજે 2000 રિક્શા ચાલકોને  લર્નિંગ લાઇસન્સ આપ્યાં છે. તે હવે અટવાશે. 

શું બદલાવ થવાનો હતો? 
સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં થ્રી વ્હીલરનો ક્લાસ કાઢી નાંખવાની હતી. જેથી રિક્સા  ચાલકોએ બેઝ લેવો ન પડે  અને પોલીસ વેરિફિકેશન અને 8 પાસનું સર્ટિફિકેટ રજૂ કરવું ન પડે . પરંતુ  થ્રી વ્હીલર નોનટ્રાન્સપોર્ટની કેટેગરી જ કાઢી નંખાઇ 

કઇ સમસ્યા ઉભી થશે?

  • રિક્શા ચાલકોને આપેલાં લર્નિંગ લાઇસન્સનું શું?
  • હવે કારનો ટેસ્ટ આપીને રિક્શા ચલાવવી પડશે.
  • ગોળ-સીધા સ્ટીયરિંગ અને ફોરવ્હીલ, 6 વ્હીલ વ્હીકલ એકસમાન ?
  • રિક્શા ચાલકોની લર્નિંગ સાથે લીધેલી ફી પરત મળશે?

બેકારી વધશે,  રાજ્ય સરકારને રજૂઆત કરીશુ
રિક્શા ચાલકોને ભણતરની જરૂર નથી તેમ કહી આઠ પાસ કાઢી નાખ્યું હતું. તેમ છતાં કોમ્પ્યુટર પર ટેસ્ટ લેવાય છે. અભણ રિક્શા ચાલક ક્યાંથી કાર શીખી તેના પર ટેસ્ટ આપશે . તે નપાસ થશે અને બેકારી વધશે. અમે રાજ્ય સરકારને રજૂઆત કરવાના છીએ. - અનવર શેખ , વાઇસ પ્રેસિડન્ટ, ઓલ ગુજરાત રિક્શા ફેડરેશન

સરકારની ગાઇડ લાઇનની રાહ જોવાઇ રહી છે
કેન્દ્ર સરકારે સારથઇ સાેફ્ટવેરમાં શુક્રવારે બદલાવ કર્યો છે. હવે જેમને રિક્શાનાં લર્નિંગ લાઇસન્સ આપ્યાં છે , તેમનો ટેસ્ટ ક્યા વ્હીકલનો લેવો તે અંગે ગાઇડલાઇન આવ્યાની રાહ જોઇએ છીએ.  બે દિવસથી રિક્શા અને ટ્રેક્ટરનું કોઇ કામ થતું નથી. - એ.એમ.પટેલ, ઇન્ચાર્જ આરટીઓ

અન્ય સમાચારો પણ છે...