તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારની આર્થિક સંકડામણ અજયને મોત સુધી ખેંચી ગઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇની હોટલ દર્શનમાં ખાળકુવાની સફાઇ માટે ઉતરેલા હતભાગી અજય વસાવાનું પરિવાર નજરે પડે છે. }અતુલ પટેલ - Divya Bhaskar
ડભોઇની હોટલ દર્શનમાં ખાળકુવાની સફાઇ માટે ઉતરેલા હતભાગી અજય વસાવાનું પરિવાર નજરે પડે છે. }અતુલ પટેલ
  • મજૂરી કરતા પરિવારનો અજય દોઢ વર્ષથી હોટલમાં કામ કરતો હતો
  • સાત હતભાગીઓ પૈકી એક નેત્રંગના બિલોઠીનો રહેવાસી

નેત્રંગઃ ડભોઇની હોટલ દર્શનમાં ખાળકુવાની સફાઇ માટે ઉતરેલા સાત કામદારોના મોત નીપજવાની ઘટનામાં નેત્રંગ નજીક આવેલા બિલોઠી ગામના વસાવા પરિવાર પર આભ તુટી પડયું છે. પરિવારની આર્થિક સંકડામણ અજય વસાવાને મોતના કુવા સુધી ખેંચી ગઇ હોવાની વિગતો સપાટી પર આવી છે. આઠથી વધારે સભ્યોના પરિવારના પેટનો ખાડો પુરવા તે દોઢ વર્ષથી ડભોઇની હોટલ દર્શનમાં કામ કરતો હતો.

ડભોઇની હોટલ દર્શનમાં ખાળકુવાની સફાઇ માટે ઉતરેલા સાત કામદારોના મોતની ઘટનામાં નેત્રંગ પાસે આવેલા બિલોઠી ગામના યુવાન અજય રવિદાસ વસાવાનું પણ મોત થયું છે. મૃતકના કાકા પ્રેમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, અજયના પિતા તથા બે ભાઇઓ મજૂરીકામ કરે છે. તેમના પરિવારમાં 8 થી વધારે સભ્યો છે. મજૂરીકામથી પરિવારનું ગુજરાન ચાલતું ન હોવાથી અજય છેલ્લા દોઢ વર્ષથી કમાવા માટે ડભોઇ ગયો હતો. 

તે ડભોઇની હોટલ દર્શનમાં નોકરી કરતો હતો. કોઇ દિવસે અઠવાડીયે તો કોઇ દિવસ 15 દિવસે તે ઘરે આવતો હતો. પરિવારની આર્થિક સંકડામણ દુર કરવા તે ગામની બહાર કમાવા માટે ગયો હતો અને તેનું મોત થયું છે

હોટલના માલિકોએ ફોન પણ કરવા દીધો ન હોવાનો આક્ષેપ

પ્રેમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, અજયની સાથે બિલોઠીથી સાત કીમી દુર આવેલા ઉમરપાડા ગામના યુવાનો પણ હોટલ દર્શનમાં નોકરી કરતાં હતાં. ખાળકુવામાં ગેસ લાગવાથી સાત જણના મોત થયાં બાદ હોટલના માલિકો બચી ગયેલા કર્મચારીઓને કોઇની સાથે વાત પણ કરવા દેતાં ન હતાં. ઉમરપાડાના બચી ગયેલા યુવાને ભીડમાંથી કોઇની પાસેથી ફોન લઇ પરિવારને ઘટના વિશે જાણ કરી હતી. 

અજય વસાવાની 3 વર્ષની પુત્રીના માથેથી પિતાની છત છીનવાઇ 

મૃતક અજય વસાવા તેની પત્ની ભાઇઓ, ભાભી અને માતા-પિતા સાથે રહેતો હતો. અજયના લગ્ન થઇ ચુકયાં છે અને તેની ત્રણ વર્ષની પુત્રી આરોહી પણ છે. ઘટનાની જાણ થતાં બિલોઠીથી તેના પરિવારજનો ડભોઇ પહોંચ્યાં હતાં અને બપોરે તેમને મૃતદેહ મળ્યો હતો. શનિવારે સાંજે બિલોઠી ગામમાં મૃતક અજયના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આમ ડભોઇની ઘટનામાં અજયની 3 વર્ષની પુત્રીના માથેથી પિતાની છત છીનવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...