વિશ્વ વસતિ દિન / સુરતની વસતિ અને વિકાસ વધ્યો વડોદરાનો ન વધ્યો, સ્થાનિકો કરતા પરપ્રાંતિયો વધ્યા

  • મૂળ સુરતીઓમાં ઘાંચી, ગોલા,ખત્રીઓની સંખ્યા ઘટી
  • કાઠીયાવાડી, મારવાડી, મરાઠીઓની સંખ્યામાં વધારો
  • સુરતમાં ટેક્સટાઈલ-હીરા ઉદ્યોગ વિકસ્યો જ્યારે વડોદરામાં ફેક્ટરીઓ બંધ થઈ

Divyabhaskar.com

Jul 11, 2019, 06:49 PM IST

વડોદરા-સુરતઃ આજે વિશ્વ વસતિ દિવસ છે. ગુજરાતની પણ વસતિમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના બે શહેર વડોદરા અને સુરતની વસતિની 58 વર્ષની સરખામણી Divyabhaskarએ આંકડાકીય માહિતી સાથે સર્વેક્ષણ કર્યું છે. જેમાં વડોદરાની વસતિ દીન પ્રતિદિન સુરતની તુલનાએ ઘટી રહી છે. તે જોતા વસતિની દ્રષ્ટીએ વડોદરા કરતા સુરત અગ્રેસર થઈ ગયું છે. તેથી સર્વેક્ષણના તારણ મુજબ એવું કહી શકાય કે, વસતિ અને વિકાસની દ્રષ્ટીએ સુરતનો વિકાસ વધ્યો છે જ્યારે વડોદરાની સ્થિતિ તેના વિપરીત છે. જેનું મુખ્ય કારણ સુરતમાં રોજગારીની તકો વધી હોવાથી પરપ્રાંતિયોની સંખ્યા વધી છે.

વર્ષ-2011ની વસતિ ગણતરી મુજબ વડોદરાની વસતિ 18 લાખ 20 હજાર હતી, જ્યારે સુરતની વસ્તી 45 લાખ 91 હજાર 246 હતી. જ્યારે આ પહેલા 1961માં સુરત કરતા વડોદરાની વસતિ વધારે હતી. 1961માં વડોદરાની વસતિ 2 લાખ 95 હજાર 100 હતી, જ્યારે સુરતની વસતી 2 લાખ 88 હજાર હતી. આમ તે સમયે સુરત કરતા વડોદરાની વસતિ 7 હજાર વધુ હતી. પરંતુ છેલ્લા 58 વર્ષ વડોદરાની વસતિ લગભગ 9 ગણી વધી છે તો બીજી તરફ સુરતની વસતિમાં 30 ગણો વધારો થયો છે.

58 વર્ષમાં સુરતની વસતિ 30 ગણી તો વડોદરાની માત્ર 9 ગણી વસતિ વધી

વર્ષ-2011ની વસતિ ગણતરી મુજબ વડોદરાની વસતિ 18 લાખ 20 હજાર હતી, જ્યારે સુરતની વસ્તી 45 લાખ 91 હજાર 246 હતી. જ્યારે આ પહેલા 1961માં સુરત કરતા વડોદરાની વસતિ વધારે હતી. 1961માં વડોદરાની વસતિ 2 લાખ 95 હજાર 100 હતી, જ્યારે સુરતની વસતી 2 લાખ 88 હજાર હતી. પરંતુ ત્યારબાદ વડોદરા કરતા સુરતની વસતિ સતત વધવા લાગી હતી.

દેશભરના લોકો રોજી રોટીની શોધ માટે સુરતને પ્રાથમિકતા આપતા હોવાથી શહેરની વસતિ હાલ 65 લાખ આસપાસ પહોંચી ગઈ છે જ્યારે વડોદરાની વસતી 19 લાખની આસપાસ છે. સુરતમાં કાઠિયાડીઓ, મારવાડીઓ, મરાઠીઓની સાથે સાથે કેરળથી લઈને આંધ્ર પ્રદેશના લોકોની વસતિ જોવા મળે છે. જેને કારણે મૂળ સુરતીઓ લઘુમતિમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 'ઓક્સફર્ડ ઇકોનોમિક્સ' દ્વારા કરાયેલા એક અભ્યાસ મુજબ, સુરત વર્ષ 2035માં 9 ટકાની વૃદ્ધિ સાથે ભારતમાં ટોચના સ્થાન પર રહેશે.

એક સમયે ઔદ્યોગિક હબ ગણાતા વડોદરાનો વિકાસ સુરતની સરખામણીએ ઘટ્યો
1960માં વડોદરા શહેર ઉદ્યોગોથી ધમધમતુ હતું. જેમાં સૌપ્રથમ આધુનિક ફેક્ટરી(એલૅમ્બિક ફાર્માસ્યૂટિકલ્સ)ની સ્થાપના વડોદરામાં 1907માં કરવામાં આવી હતી અને ત્યારબાદ સારાભાઇ કેમિકલ્સ, અને જ્યોતિ જેવી કંપનીઓ 1940માં આવી હતી. 1961 સુધીમાં વડોદરામાં 288 ફેક્ટરીઓ ધમધમતી હતી. જેમાં 27,517 કામદારો કામ કરતા હતા. આ સમયગાળા દરમિયાન મુખ્ય ઔદ્યોગિક જૂથોમાં રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ, સુતરાઉ કાપડ અને મશીન ટૂલ્સ હતા. 1908માં સયાજીરાવ ત્રીજા દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી. જેનો ઔદ્યોગિક વૃદ્ધિમાં મહત્વનો ફાળો રહ્યો હતો. 1961માં ગુજરાત રિફાઈનરી અને ભારતીય ઓઇલ કોર્પોરેશન લિમિટેડના વડોદરા નજીકના કોયલી ગામ ખાતે સ્થાપના સાથે વડોદરામાં ઔદ્યોગિક પ્રવૃત્તિમાં અચાનક તેજી જોવા મળી હતી. પરંતુસમય જતા વડોદરા શહેરમાં ફેક્ટરીઓ બંધ થવા લાગી હતી અને વડોદરાનો વિકાસ અટકી ગયો. જેને કારણે ગુજરાત અને ગુજરાત બહારથી વડોદરા તરફ લોકોનું આગમન અટકી ગયું અને સુરતમાં ઉદ્યોગ ધંધા વધતા ત્યાંની વસતી વડોદરાથી આગળની નીકળી ગઇ હતી.

'હિરા ઉદ્યોગને કારણે સુરત કરતા વડોદરાની વસતિ ઓછી'
વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર આસિસન્ટન્ટ ડિરેક્ટર ગાયત્રીબહેન દેસાઇએ જણાવ્યું હતું કે, વર્ષ-2011 વસતી ગણતરી મુજબ વડોદરા શહેરની વસ્તી 18.2 લાખ છે. છેલ્લા એક-બે દાયકામાં વડોદરામાં વસતિ વધારો છે. જે પાછળના પરિબળો જોઇએ તો વડોદરાની આસપાસના ગામોનો વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ થતાં વિસ્તારમાં વધારો થયો છે. જેના કારણે વડોદરા શહેરની વસતિમાં વધારો થયો છે. જોકે, સુરત કરતા વડોદરાની વસતી ઓછી છે. સુરતમાં વસતિ વધારાનું કારણ હિરા ઉદ્યોગ છે.

સુરતમાં વસતિ વધવાના કારણો

શહેરની વસતિ વૃધ્ધિના કારણો અંગે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એમએચઆરડી(ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ) ડીપાર્ટમેન્ટના પ્રોફેસર કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે, વસતિ વધવાના મુખ્ય બે કારણો કહી શકાય. જેમાં સુરતની સમૃધ્ધિના કારણે અંગ્રેજોએ પણ પ્રથમ કોઠી અહીં સ્થાપી ત્યારે આ પ્રદેશ સમૃધ્ધ હોવાના કારણે લોકોનું સ્થળાંતર સમૃધ્ધ પ્રદેશમાં થતું હોવાથી તે પ્રમાણે પણ અહીં વસતિ મોટી સંખ્યામાં શિફ્ટ થઈ છે. આ સિવાય સ્થાનિક પ્રજામાં સહનશીલતા, વિશ્વાસ વધુ હોવાથી સ્થળાંતરિત થયેલી પ્રજા વધારે અનુકૂલન સાધી શકે છે. જ્યારે આ અંગે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકરે જણાવ્યું હતું કે, અહીંની પ્રજા મોજીલી છે. ખાવા પીવાથી લઈને મસ્તીમાં જીવતી હોવાથી આ પ્રજાને પસતિ નહીં પણ ખરા અર્થમાં વસતિ કહી શકાય છે.

સુરતમાં ઉદ્યોગોને કારણે વસતિ વધી

શહેરમાં અન્ય રાજ્યોમાંથી ઉદ્યોગ ધંધાઓ આવ્યા છે તે કારણો અંગે પ્રોફેસર કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે,જ્યાં આર્થિક મજબૂતી હોય અને સ્થિરતા હોય ત્યાં ઉદ્યોગો સ્થળાંતરિત થતાં હોય છે. સુરતમાં ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગના આવ્યા બાદ દેશભરમાંથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા કે ઉદ્યોગ કરવા માટે મોટી સંખ્યામાં લોકો સ્થળાંતરિત થયા જેના કારણે પણ શહેરની વસતિમાં ખાસ્સો વધારો થયો છે. શહેરમાં માળખાગત સુવિધાઓ જેવી કે વીજળી, પાણી અને રસ્તાઓ પણ સારા હોવાથી લોકોને રહેવા અને રોજગારીના સવાલો પણ ઓછા ઉભા થાય છે.શહેરમાં બેરોજગારી નજીવી હોવાથી પણ લોકો વધારે આકર્ષાય છે.

મૂળ સ્થાનિક પ્રજા લઘુમતિમાં આવી ગઈ

શહેરની મૂળ પ્રજા ગણાતા લોકો ખત્રીઓ, ઘાંચી સહિતની મુસ્લિમ પ્રજા આજે લઘુમતિમાં આવી ગઈ છે. જેના કારણો અંગે વાત કરતાં પ્રોફેસર કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરની મૂળ પ્રજાનો વસતિ વૃધ્ધિનો દર દેશની સમકક્ષ ગણીએ તો 2.2 ટકાનો દર છે. પરંતુ શહેરનો વસતિ વૃધ્ધિનો દર 5.6 ટકાની ઉપર છે જેથી મૂળ સ્થાનિક પ્રજા કરતાં સ્થળાંતરિત થયેલી પ્રજાની સંખ્યા સ્વાભાવિક રીતે વધી રહી છે. આ સ્થાનિકો સામે સ્થાળાંતરિતનો દર આજકાલ નહીં પરંતુ છેલ્લા ત્રણેક દાયકા કરતાં વધુ સમયથી વધતો હોવાથી સ્થાનિક કરતાં સ્થળાંતરિત થયેલી પ્રજાની સંખ્યા વધી ગઈ છે.

રિલાયન્સ, L & T અને ટેક્સટાઈલને કારણે સુરત અવ્વલ

વડોદરા અને સુરતના વિકાસ વસતિની વાત કરતાં દક્ષેશ ઠાકરએ જણાવ્યું હતું કે, સુરતમાં હજીરા પટ્ટામાં રિલાયન્સ, એલ એન્ડ ટી સહિતની જાયન્ટ કંપનીઓ છે. સાથે જ શહેરમાં ડાઈંગ હાઉસ, ટેક્સટાઈલમાં સાડીઓ અને હીરા ઉદ્યોગ હોવાથી મોટી સંખ્યામાં લોકો સુરતમાં વસે છે. જ્યારે વડોદરામાં મોટી કંપનીઓની સાથે સાથે ઉદ્યોગોનો ખાસ વિકાસ થયો ન હોવાથી વડોદરા કરતાં સુરતમાં લોકોનો વસવાટ વધુ છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી