વાયદપુરા ગામની પ્રા. શાળાના આચાર્ય 17 વર્ષથી સ્કૂલની વાડીમાં શાકભાજીનું વાવેતર કરે છે, 80 ક્વિન્ટલ શાકભાજીનું ઉત્પાદન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આચાર્ય નરેન્દ્રભાઇ સાથે બાળકો - Divya Bhaskar
આચાર્ય નરેન્દ્રભાઇ સાથે બાળકો
  • સ્કૂલના વિદ્યાર્થીઓ વાડીમાંથી નીકળતુ શાકભાજી જ ખાય છે, આંગણવાડીમાં પણ શાકભાજી પહોંચે છે

વડોદરા: વડોદરા નજીક આવેલા વાયદપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઇ શાળાના લગભગ એક વિઘાના ખેતર જેટલી જમીનમાં છેલ્લા 17 વર્ષથી શાકભાજી ઉછેરે છે. જેમાં શાળાના શિક્ષકો, ગામના ખેડૂતો અને શાળાના બાળકો મદદરૂપ બને છે. આ સંનિષ્ઠ શિક્ષકે અત્યાર સુધી શાળાના આંગણામાં ઉછેરેલી શાકભાજીમાંથી મળેલા ઉત્પાદનનો રેકોર્ડ રાખ્યો છે. તે પ્રમાણે છેલ્લા લગભગ 17 વર્ષમાં તેમણે 80 ક્વિન્ટલથી વધુ શાકભાજીનું ઉત્પાદન કર્યું છે. અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારના શાકભાજી ઓળખતા અને હોંશે હોંશે ખાતા કરી દીધા છે.
વાડીમાંથી એમની શાળાના છોકરાઓ ધરાઈને ખાય તો પણ વધે એટલું શાક થાય છે. એટલે વધારાનું શાક તેઓ ગામની આંગણવાડીને આપે છે. જેથી ભૂલકાઓને પણ પૂરક પોષણનો લાભ મળે છે. આ ઉપરાંત તેઓ રાજ્ય સરકારની, ગામ લોકોને શાળાઓ સાથે લાગણીના સંબંધથી જોડવા માટેની તિથિ ભોજન યોજના હેઠળ દર વર્ષે શાળામાં દાતાઓની મદદથી સરેરાશ 50 જેટલા તિથિ ભોજન યોજે છે. જેને કારણે ગામના લોકો શાળામાં બાળકો સાથે જન્મદિવસ, લગ્ન તિથિ, સ્વજનોની પુણ્યતિથિ ઉજવતા થયા છે. જેથી બાળકોને વારે તહેવારે મિજબાની માણવા મળે છે.
નરેન્દ્રભાઈનો આ પ્રયોગ એક નવી દિશા દર્શાવે છે. નરેન્દ્રભાઇએ પોતાની સ્વયમ્ પહેલથી આ પ્રયોગ શરૂ કર્યો હતો. જે બાળકોના, શાળામાંથી અપાતા બપોરના ભોજન તો વધુ સૂપોષક બનાવે છે. તેની સાથે આ પ્રયોગથી વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના શાકભાજીના છોડ, વેલાને ઓળખતા થયા છે અને એમને પર્યાવરણનું વાસ્તવિક શિક્ષણ મળ્યું છે. અત્યારે તેમની શાળાનું આંગણ રીંગણ, ટામેટા, દૂધી, ગલકા, ફ્લાવર, કોબીજ, ગાજર, મૂળા, બીટ, ધાણા, મરચાં, પાલક, મેથી અને સુવા જેવા 14 પ્રકારના શાકભાજીના વાવેતરથી લીલુંછમ છે. શાકભાજીની આટલી વિવિધતા તો શાકવાળાની દુકાનમાં પણ જોવા મળતી નથી.
શિક્ષિકા સુષ્માબહેન ચૌહાણે જણાવ્યુ કે, વાલી મિટિંગમાં વાલીઓની હંમેશા ફરિયાદ રહેતી કે બહેન, છોકરાઓ શાકભાજીને અડતાં જ નથી શું કરીએ? આજે એ જ બાળકો રસપૂર્વક શાકભાજી ખાતા થઈ ગયાનો વાલીઓ આનંદ વ્યક્ત કરે છે. શિક્ષિકા ઇલાબહેન જાદવ કહે છે કે, કિચન ગાર્ડન અને ઔષધ બાગના ઉછેરને લીધે વનસ્પતિઓને વિદ્યાર્થીઓ ઓળખતા થયા છે, એમાંથી કેવી-કેવી વાનગીઓ બનાવી શકાય એ જાણે છે અને વનસ્પતિની ઉપયોગિતા જાણે છે. આમ, આ પ્રયોગથી વિદ્યાર્થીઓને નક્કર પ્રકૃતિ શિક્ષણ મળ્યું છે.
ઇકો કલબની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના આંગણમાં અને વાડની ગરજ સારતી પ્રાંગણ દીવાલને અડીને ઔષધીય બાગ ઉછેર્યો છે જેમાં લીમડો, મીઠો લીમડો, કુંવાર પાઠું, પાન ફૂટી, આમળા, લીંબુ, સેવન, કદમ, ફુદીનો, અજમો, નીલગીરી, જામફળ, જાસૂદ, સિંદુરી અને બદામના ઔષધીય અને વિવિધ રીતે ઉપયોગી વૃક્ષો લહેરાઈ રહ્યા છે. 
હું અહી મુકાયો ત્યારે શાળાનું જૂનું નળિયા વાળું મકાન અને આસપાસ વિશાળ ખુલ્લી જગ્યા હતી એ યાદોંને વાગોળતા નરેન્દ્રભાઇએ જણાવ્યું કે, એ જમીન પુષ્કળ ઝાડી ઝાંખરા ઉગતા અને બાળકોને સાપ જેવા સરીસૃપોનો ભય રહેતો. વાયદપુરા ખેતીવાડી વાળું ગામ છે. ઉત્સાહી ગ્રામજનોનો સહયોગ મળ્યો. જમીન સમતળ કરી અને શાકવાડી ઉછેરવાનું શરૂ કર્યુ હતું. આજે પણ ગામલોકો ચોમાસાની શરૂઆતમાં પોતાના ટ્રેક્ટરથી ખેડ કરી આપે છે. બિયારણ પણ આપે અને કેટલુંક બિયારણ હું સ્વખર્ચે લાવું છું. ઇકો કલબના ભંડોળમાંથી ખરીદું અને એ રીતે મારો પ્રયોગ આગળ વધે છે. હાલમાં જ એક દાતા નવીનભાઈની મદદથી શાળાનો બોર પુનર્જીવિત કર્યો છે એટલે હવે ઉનાળામાં પણ શાકભાજી ઉછેરી શકાશે.
કદાચ એમની કામગીરીની પૂરતી નોંધ લેવાઈ નથી એટલે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો નથી. જો કે આ શાળામાં ભણીને હવે પોતાના જીવનમાં સ્થિર થયેલા પૂર્વ વિદ્યાર્થીઓ શાળામાં આવે ત્યારે કહે છે કે સાહેબ, તમે ખવડાવ્યા એ શાકભાજી અને વાનગીઓ આજે પણ યાદ આવે છે અને ત્યારે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળી ગયાનો આનંદ થાય છે.

 

અન્ય સમાચારો પણ છે...