વડોદરા / BJPના 3 MLAની નારાજગી બાદ એકને મંત્રી-એકને બોર્ડના ચેરમેન બનાવ્યા હતા, ઇનામદારને કોઇ હોદ્દો ન મળતા નારાજ

દોઢ વર્ષ પહેલા ગુપ્ત મિટીંગમાં કેતન ઇનામદાર, યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ
દોઢ વર્ષ પહેલા ગુપ્ત મિટીંગમાં કેતન ઇનામદાર, યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ

  • અધિકારીઓ કામ કરતા ન હોવાથી દોઢ વર્ષ પહેલા 3 ધારાસભ્યોએ ગુપ્ત મીટિંગ યોજી હતી
  •  ગુપ્ત બેઠક કર્યા બાદ ત્રણેય ધારાસભ્યોને સીએમનું તેડુ આવ્યું હતું
  • ત્રણમાંથી યોગેશ પટેલને મંત્રી અને મધુ શ્રીવાસ્તવને બોર્ડના ચેરમેન બનાવ્યા
  • બે ધારાસભ્યોને સાચવી લીધા બાદ પણ કેતન ઇનામદારની નારાજગી દૂર થઇ નહીં 

Divyabhaskar.com

Jan 22, 2020, 08:34 PM IST
વડોદરાઃ સાવલી વિધાનસભા બેઠકના ભાજપાના ધારાસભ્ય કેતન ઇમાનદારને મંત્રી પદ કે કોઇ હોદ્દો ન મળતા રાજીનામું આપ્યું હોવાની રાજકીયક્ષેત્રે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. દોઢ વર્ષ પહેલા ધારાસભ્ય કેતન ઇમાનદાર, યોગેશ પટેલ અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારમાં ઉપેક્ષા થતી હોવાથી વડોદરા સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી હતી. આ બેઠક બાદ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને મંત્રી પદ મળ્યું હતું અને મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ચેરમેનનો હોદ્દો આપી નારાજગી દૂર કરવામાં આવી હતી. પરંતુ, કેતન ઇમાનદારને કોઇ હોદ્દા માટે આપેલું વચન સરકારમાંથી પૂર્ણ ન થતાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે. જોકે, તેઓએ ધારાસભ્યોની અવગણના અને વિકાસ કાર્યો થતાં ન રાજીનામુ આપ્યું હોવાનું કારણ આગળ ધર્યું છે.
3 ધારાસભ્યોએ ગુપ્ત મીટિંગ કરતા ભાજપ દોડતો થયો હતો
દોઢ વર્ષ પહેલા વડોદરા શહેરની માંજલપુર બેઠકના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે સંયુકત બેઠક કરી હતી. જેમાં મંત્રીઓ દ્વારા તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધારાસભ્યોની ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્રણ ધારાસભ્યોએ નારાજગી વ્યકત કરતાં ભાજપમાં મોરચે ભૂકંપ સર્જાયો હતો. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી,શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ત્રણેય ધારાસભ્યોની નારાજગી અંગે પૃચ્છા કરી હતી. જેમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા વડોદરા દોડી આવ્યા હતા. અને નારાજગીનું કારણ શું છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયે ભરત પંડ્યાએ સાવલી જઇને કેતન ઇનામદાર સાથે બેઠક કરી હતી. કેતન ઇનામદારને તેઓની માંગ પૂરી કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું.
કેતન ઇમાનદારને હજુ સુધી કોઇ હોદ્દો આપવામાં આવ્યો ન હતો
ત્રણ ધારાસભ્યોની નારાજગી બાદ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને રાજ્ય કક્ષાનું મંત્રી પદ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનું ચેરમન પદ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ, કેતન ઇમાનદારને હજુ સુધી કોઇ હોદ્દો આપવામાં આવ્યો ન હતો. ચર્ચાય છે કે, સરકાર દ્વારા કેતન ઇમાનદારને હોદ્દા માટે આપવામાં આવેલું વચન પૂર્ણ ન થતાં તેઓએ વિકાસ કામો થતાં ન હોવાનું કારણ ધરીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
X
દોઢ વર્ષ પહેલા ગુપ્ત મિટીંગમાં કેતન ઇનામદાર, યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવદોઢ વર્ષ પહેલા ગુપ્ત મિટીંગમાં કેતન ઇનામદાર, યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી