‘વાયુ’ની અસર / વડોદરામાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

  • પ્રચંડ ગાજવીજ સાથે વડોદરામાં હળવોથી ભારે વરસાદ
  • વરસાદ શરૂ થતાં ફાયર બ્રિગેડ અને જીઇબીની ટીમો એલર્ટ

Divyabhaskar.com

Jun 12, 2019, 06:29 PM IST

વડોદરાઃ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં વાયુ ચક્રવાત મંડરાયું છે, ત્યારે વડોદરામાં પણ તેની અસર ગત મોડી રાતથી શરૂ થઇ હતી. આજે સવારથી વાદળીયું વાતાવરણ રહ્યા બાદ બપોર પછી પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં શહેરીજનોએ રાહત અનુભવી હતી.

વડોદરામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી મારી
મેઘરાજાના આગમનની આતુરતાથી રાહ જોતા વડોદરાવાસીઓની આજે મેઘરાજાએ તોફાની એન્ટ્રી લઇ નગરજનોની આતુરતાનો અંત આણ્યો હતો. પ્રચંડ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર વૃક્ષો જમીનદોસ્ત થવાની તેમજ શોર્ટ સરકીટ થવાની ઘટનાઓ બની હતી. જોકે, જાનહાનીના કોઇ અહેવાલ મળ્યા નથી. પરંતુ ફાયર બ્રિગેડ અને જીઇબીની ટીમ તુરંત જ વરસતા વરસાદમાં સ્થળો ઉપર પહોંચી જઇ કામગીરી શરૂ કરી દીધી હતી.

વરસાદે પાલિકાના પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી
છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ જોયા બાદ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લેતા નાના બાળકોથી લઇ મોટા લોકો પહેલો વરસાદ માણવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. ધોધમાર વરસેલા પ્રથમ વરસાદે જ વડોદરા મહાનગર સેવા સદનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી. હળવાથી ભારે વરસેલા વરસાદમાં વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. તો મુખ્ય માર્ગો ઉપર ભરાયેલા પાણીમાં ટુ-વ્હીલર્સ ફસાઇ જતાં બંધ પડી ગયા હતા.

લારીઓવાળાઓએ સામાન બચાવવા માટે દોડધામ કરી મૂકી
વાયુ ચક્રવાતને પગલે શરૂ થયેલા વરસાદને પગલે વડોદરા શહેરના બજારો ટપોટપ બંધ થઇ ગયા હતા. પથારા અને લારીઓવાળાઓએ સામાન બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. ઝૂંપડાવાસીઓ અને ફૂટપાથવાસીઓ પ્રથમ વરસાદમાં જ દયનીય હાલતમાં મૂકાઇ ગયા હતા. વાયુ ચક્રવાતને કારણે શરૂ થયેલા વરસાદને પગલે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી દીધી હતી. આ સાથે શહેર-જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું હતું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી