વડોદરા / હવે સિટી બસના મુસાફરો પણ અમદાવાદ BRTSની જેમ બસસ્ટેન્ડ પરથી જાણી શકશે કેટલી મિનિટમાં બસ આવશે  

Now city bus passengers will also know from the bus timing like Ahmedabad BRTS

  • 20 કરોડના ખર્ચે સિટી બસોને ઇન્ટેલિજેન્ટ ટ્રાન્સિસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે 
  • સિટી બસસેવાની સુવિધા વધારી લોકપ્રિય બનાવવાનો પ્રયાસ, નવ મહિનામાં કાર્યરત થશે
  • શહેરના 104 બસસ્ટેન્ડ્સને અત્યાધુનિક બનાવાશે, 250 જેટલા નવા બસસ્ટેન્ડ તૈયાર કરાશે

Divyabhaskar.com

Nov 18, 2019, 04:04 AM IST

વડોદરા: તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસથી વડોદરાની સિટી બસોમાં અત્યાધુનિક ઇન્ટેલિજેન્ટ ટ્રાન્સિસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) ફીટ કરવામાં આવી રહી છે. વડોદરાના શહેરીજનો સિટી બસનો જ જાહેર પરિવહન તરીકે અસરકારક અને સુવિધાસભર ઉપયોગ કરી શકે તે માટે સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત રૂ.20 કરોડના માતબર ખર્ચે આ પ્રકારની સુવિધા વડોદરામાં પહેલીવાર ઊભી થઇ રહી છે. બસોને સીસીટીવી કેમેરાં, ડ્રાઇવર ડિસ્પ્લે યુનિટ, સ્પીકર, જીપીએસથી સજ્જ કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત જ્યાં બસો થોભવાની હોય તેવા બસસ્ટેન્ડ્સને પણ આધુનિક બનાવવામાં આવશે. જેનો શહેરીજનોને ફાયદો એ થશે કે તે જે બસસ્ટેન્ડ પર ઊભા હોય ત્યાં બસ કેટલી મિનિટમાં આવશે તેની માહિતી પણ ડિસ્પ્લે બોર્ડ પર હશે. હાલમાં 30 જેટલી બસોમાં આ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. અને તમામ બસોમાં તમામ બસો કયા રૂટ પર ક્યાં દોડી છે તે સમયસર છે કે નહીં તેની પણ ખાતરી કરી શકાશે. આ માહિતીથી મુસાફરોનો સમયનો વેડફાટ પણ બચશે. અત્યાર સુધી સિટી બસ આવશે કે નહીં તેની મુંઝવણમાં જ લોકો રિક્ષા પકડતા હતા. આ નવી સુવિધાથી લોકો સિટી બસ સેવાનો વધુ ઉપયોગ કરવા પ્રેરાશે. હાલમાં આ પ્રોજેક્ટમાં શહેરના 104 બસસ્ટેન્ડ્સને અત્યાધુનિક બનાવાશે, બીજા 250 જેટલા નવા બસસ્ટેન્ડ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ માટે નવી સિટી બસો નવી મૂકવામા આવશે કે નહીં તેનો નિર્ણય હજી લેવાયો નથી પણ હાલની તમામ સિટી બસોને જ વિવિધ સુવિધાથી સજ્જ બનાવવામાં આવી રહી છે. તમામ બસોમાં જીપીસીએસ, સ્પીકર યુનિટ, ડાઇવર ડિસ્પ્લે યુનિટ અને કમ્પ્યૂટરમાં જે કામ સીપીયુ કરે છે તેવું જ ઓનબોર્ડ યુનિટ પણ મૂકાશે. હાલમાં સિટી બસસેવામાં દૈનિક સવા લાખ લોકો મુસાફરી કરે છે જે આ નવી આઇટીએમએસ લાગૂ કર્યા બાદ વધીને અઢી લાખ થાય તેવી શક્યતા પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ વ્યક્ત કરી છે.
તમામ સિટી બસોમાં આ ઇન્ટેલિજન્ટ ડિવાઇસિસ ફિટ કરવામાં આવી રહ્યાં છે
જીપીએસ
: આ ડિવાઇસ સેન્ટ્રલ સ્ટેશન ખાતેની સિસ્ટમને જે તે બસની ચોક્કસ અક્ષાંસ-રેખાંશના પોઝિશનની માહિતી આપશે.
ફાયદો : કયા રૂટ પર બસોની પોઝિશન ક્યાં છે તે માહિતીના આધારે બસોની ફાળવણી, જે તે બસસ્ટેન્ડ પર સમય જાહેર કરી શકાશે.
સીસીટીવી કેમેરાં : બસની અંદરના ભાગે બંને છેડા પર બે કેમેરાં ફીટ કરાશે. દરેક મુસાફરને આવરી લેવાશે. તેમની હરકતોની નોંધ કરી શકાશે.
ફાયદો : બસમાં મુસાફરની છેડતી, મારામારી કે ઝગડાના કે સામાનની ચોરીના કિસ્સામાં ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.
ડ્રાઇવર ડિસ્પ્લે યુનિટ : ટ્રાફિકની માહિતી, બસની સ્થિતિ, નજીકનું સ્ટેન્ડ કેટલા અંતરે છે,કેટલા સમયમાં પહોંચાશે જેવી માહિતી જોઇ શકશે.
ફાયદો : ડ્રાઇવરને રૂટની સ્થિતિથી અપડેટ રાખશે. વરસાદી પાણી કે ટ્રાફિક જામની સ્થિતિમાં ખૂબ જ અસરકારક પૂરવાર થશે.
સ્પીકર યુનિટ : ડ્રાઇવરની પાસે જ સ્પીકર યુનિટ ફીટ થશે, તેની સાથે સાંભળવા માટેનું રિસિવર હશે.
ફાયદો : ડ્રાઇવર અને સેન્ટ્રલ સ્ટેશન એકબીજા સાથે વાતચીત કરી શકશે. જે જરૂરિયાત કે ઇમર્જન્સીમાં ઉપયોગી થશે.

ગઝેબો સ્ટાઇલ બસ સ્ટેન્ડમાં કેમેરા ડિસપ્લે
ITMS અંતર્ગત 104 બસ સ્ટેન્ડમાં એલઇડી ડિસ્પ્લે મૂકાશે. સ્ટેન્ડની બંને તરફ સીસીટીવી કેમેરા ફીટ કરાશે. જેથી સ્ટેન્ડમાં થતી હલચલની નોંધ કરી શકાય. આ ઉપરાંત લાઇટિંગ તથા બેસવાની સગવડ પણ હશે. જોકે નવી સિસ્ટમમાં વધારાના 250 બસસ્ટેન્ડની જરૂર છે. જેને ગઝેબો સ્ટાઇલના બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે. આ બસસ્ટેન્ડમાં નાઇટવિઝન કેમેરાં ફીટ કરાશે.

ITMSથી સગવડ અને સલામતી-ચોકસાઇ મળશે
કોર્પોરેશનના આ પ્રોજેક્ટના વડા મનીષ ભટ્ટે જણાવ્યું કે, ‘આઇટીએમએસથી યાત્રીઓને સગવડ તો મળશે જ.આ ઉપરાંત કોઇ બસ અચાનક ખોટકાય કે કોઇ કારણસર બંધ પડે કે ડ્રાઇવર રૂટ બદલશે તો પણ તેની જીવંત જાણકારી સેન્ટ્રલ સ્ટેશનને મળી શકશે. આગામી આઠથી નવ મહિનામાં અમે આ સિસ્ટમ કાર્યરત કરીશું.’

X
Now city bus passengers will also know from the bus timing like Ahmedabad BRTS

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી