વડોદરાઃ ગોત્રી રોડ ક્રિસ્ટીલ યજ્ઞપુરુષ અને ક્રિસ્ટલ પ્રમુખ સાઇટ પર પથ્થરનું કામ કરાવ્યા બાદ તેના રૂપિયાના અવેજમાં ફ્લેટ આપી તેનો દસ્તાવેજ કરી આપતો ન હતો. આ ઉપરાંત બાકી નીકળતાં રૂા. 4.03 લાખ નહીં આપી બિલ્ડરે છેતરપિંડી કરી હતી. ગોત્રી પોલીસે બિલ્ડર સામે ગુનો નોંધતા ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડર મનીષ પટેલની ધરપકડ કરી હતી.
રૂપિયા આપવા ઇનકાર કર્યો
ગોત્રી રોડ મહાવીરનગરમાં રહેતા અને શ્રવણ મારબલના નામે પથ્થર બેસાડવાનું કામ કરતાં શીવદાન તાલુરામ ચૌધરીનો ગાયત્રી સ્કુલ સામે નવી બંધાતી સાઇટ ક્રિસ્ટલ પ્રમુખના બિલ્ડર અને કેયા રિયાલીટીના ભાગીદાર મનીષ મહેન્દ્ર પટેલ ( રહે. વૃંદાવન, ઇલોરાપાર્ક) સાથે મુલાકાત થઇ હતી. બિલ્ડર મનીષે તેમને જુદા જુદા 10 ટાવરમાં જોધપુરી પથ્થરની ફ્રેમો લગાવવાનો મટીરીયલ સાથે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કોન્ટ્રાકટરે 34.30 લાખનું કામ કરતાં બિલ્ડરે 14.55 લાખ આપ્યાં. બાકીના 19.75 લાખ માટે ઉઘરાણી કરતાં બિલ્ડર મનીષ પટેલે ક્રિસ્ટલ યજ્ઞપુરુષની સાઇટમાં ફ્લેટ રાખી લો તેમ કહી રૂપિયા આપવા ઇનકાર કર્યો હતો.
કોન્ટ્રાક્ટરના બાકીના રૂપિયા આપતા ન હતા
બિલના રૂપિયા માટે કોન્ટ્રાક્ટરે રૂા. 16.75 લાખની કિંમતનો ફ્લેટ લીધો હતો. બિલ્ડરે કોન્ટ્રાક્ટર પાસેથી બે ચેક લખાવી બિલ પેટે તેના ખાતામાં રૂપિયા જમા કરાવી તુરંત જ ચેકથી વિડ્રો કરાવી લીધા હતાં. ત્યારબાદ તેમની પાસે વધારાના રૂા. 6 લાખની માગણી શરૂ કરી દસ્તાવેજ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોન્ટ્રાક્ટરના બાકી નીકળતાં રૂા. 3 લાખ તેમજ મકાનના કામના રૂા. 1.03 લાખ મળી કુલ રૂા. 4.03 લાખ પણ આપતા ન હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.