વડોદરા / ગવાસદની એમ્સમાં ગેરકાયદેસર હાઈડ્રોજનનું રિફિલિંગ થતાં બ્લાસ્ટ થયો હતો, તપાસમાં ઘટસ્ફોટ

Gavasad aims cylinder Blast due to Illegal Hydrogen Refilling Investigation Reveals

  • કંપનીને માત્ર 100 હાઇડ્રોજન સિલિન્ડર સ્ટોરેજ કરવાની પરવાનગી છે
  • કંપનીમાં ફાયર સેફ્ટીની કે કર્મચારીઓની સુરક્ષા માટેની કોઇ સુવિધા નથી
  • અંકલેશ્વર સહિત અન્ય ખાનગી વ્યક્તિઓ હાઇડ્રોજન સિલિન્ડર રિફિલિંગ કરવા માટે આવ્યા હતા

Divyabhaskar.com

Jan 17, 2020, 03:58 PM IST

જીતેન્દ્ર પંડ્યા, વડોદરા: બે કર્મચારી સહિત છ વ્યક્તિઓનો ભોગ લેનાર પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલી એમ્સ કંપનીમાં હાઇડ્રોજન રિફિલિંગ કરવાની સત્તા ન હોવા છતાં, સંચાલકો દ્વારા ગેરકાયદેસર સિલિન્ડરોમાં હાઇડ્રોજન રિફિલિંગ કરવામાં આવતું હતું. ઉત્તરાયણ પર્વ પર બલૂનો માટે વપરાશમાં આવતા હાઇડ્રોજન સિલિન્ડરો રિફિલ કરવાની કામગીરી દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે.

હાઈડ્રોજન અને ઓક્સિજન મિક્સ થતાં બ્લાસ્ટ થયો
એમ્સ ઓક્સિજન કંપનીમાં થયેલા બ્લાસ્ટ અંગેની તપાસ કરી રહેલા પાદરા પોલીસ મથકના પી.આઇ. એસ.એ. કરમુરે જણાવ્યું હતું કે, એમ્સ ઓક્સિજન કંપનીને માત્ર 100 હાઇડ્રોજન સિલિન્ડર સ્ટોરેજ રાખવાની પરવાનગી છે. પરંતુ, કંપની પાસે સિલિન્ડર રિફિલિંગ કરવાની કોઇ પરવાનગી નથી. આમ છતાં, કંપની સત્તાવાળાઓ દ્વારા કંપનીમાં ગેરકાયદેસર રીતે હાઇડ્રોજન સિલિન્ડર રિફિલિંગ કરવામાં આવતું હતું. તા.11 જાન્યુઆરીના રોજ ઘટના બની ત્યારે પણ હાઇડ્રોજન સિલિન્ડર રિફિલિંગ કરવામાં આવતું હતું. તે સમયે હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ થતાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. અને તેમાં કંપનીના બે કર્મચારી સહિત છ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. અને કંપનીના બે કર્મચારી સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.
અંકલેશ્વરથી હાઈડ્રોજન રિફિલિંગ કરવા માણસો આવ્યા
કરમુરેએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તરાયણ હોવાથી અંકલેશ્વર તેમજ ગાયત્રી ઇન્ડસ્ટ્રીઝ સહિત અન્ય ખાનગી વ્યક્તિઓ સિલિન્ડરમાં હાઇડ્રોજન રિફિલ કરવા માટે આવ્યા હતા. રિફિલની કામગીરી થતી હતી. તેજ સમયે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં ક્યારથી ગેરકાયદેસર રીતે રિફિલિંગ ચાલતું હતું. તે અંગે તપાસ ચાલી રહી છે. કંપનીમાં સેફ્ટીની કોઇ સુવિધા નથી. જ્વલનશીલ કેમિકલનું ઉત્પાદન કરવા છતાં, કંપનીમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી. આ ઉપરાંત કંપનીમાં સેફ્ટીના અંગેના ચેતવણીરૂપ કોઇ બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી.
કંપનીના માલિક હજુ ફરાર
છ વ્યક્તિઓનો ભોગ લેવા માટે જવાબદાર કંપનીના માલિક પિતા-પુત્ર સિધ્ધાર્થ પટેલ અને શ્વેતાંશુ પટેલ હજુ ફરાર છે. તેઓના નિવાસ સ્થાન અને ઓફિસો ઉપર તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ, તેઓ મળી આવ્યા નથી. પિતા-પુત્ર વિદેશ ભાગી ન જાય તે માટે તેઓ સામે લુકઆઉટ નોટિસો જારી કરવામાં આવી છે. કંપનીના માલિકો સામે બેદરકારી સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને તેઓની ઘનિષ્ઠ શોધખોળ ચાલુ છે.
પાદરામાં કેમિકલ ઉદ્યોગ
ઉલ્લેખનીય છે કે, પાદરા તાલુકામાં નાના-મોટા 185થી વધુ કેમિકલ ઉદ્યોગો આવેલા છે. પરંતુ, પાદરા તાલુકામાં જરૂરી ફાયર બ્રિગેડની સુવિધા નથી. જ્યારે પાદરા તાલુકાની કોઇ કંપનીમાં આગ સહિતની મોટી ઘટના બને છે. ત્યારે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવે છે.
ધારાસભ્યની ફાયર સેફ્ટી માટે સરકારને રજૂઆત
પાદરાના કોંગ્રેસના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં મેં રજૂઆત કરી છે કે, પાદરા તાલુકામાં 185થી વધુ કેમિકલ કંપીઓ આવેલી છે. ત્યારે મુવાલ-કરખડી ગામ વચ્ચે ફાયર સ્ટેશન બનાવવામાં આવે. આ ઉપરાંત એમ્સ ઓક્સિજન કંપનીના ફરાર થઇ ગયેલા માલિક પિતા-પુત્ર સિધ્ધાર્થ પટેલ અને શ્વેતાંશુ પટેલની વહેલી તકે ધરપકડ કરી તેઓ સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે ઘટનામાં ઇજા પામેલાઓને પણ સહાય કરવામાં આવે તેવી મેં રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે.

X
Gavasad aims cylinder Blast due to Illegal Hydrogen Refilling Investigation Reveals

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી