અગ્રેસર / વડોદરાનું ફતેહસિંહ મ્યુઝિયમ રાજ્યનું પ્રથમ સોલાર સંચાલિત મ્યુઝિયમ બનશે

ફતેહસિંહ મ્યુઝિયમમાં ચાલી રહેલી સોલાર પ્રોજેક્ટની કામગીરી
ફતેહસિંહ મ્યુઝિયમમાં ચાલી રહેલી સોલાર પ્રોજેક્ટની કામગીરી

  • રહેણાંક વિસ્તારમાં રોકાણનું વળતર 25 વર્ષ સુધી મળતુ રહે છે
  • ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં પ્લાન્ટમાંથી વળતર 3 વર્ષે મળવાનું શરૂ થાય છે

Divyabhaskar.com

Jun 12, 2019, 09:43 AM IST

વડોદરા: ગાયકવાડી શાશન દરમિયાન બનેલા અને દેશ તથા દુનિયામાં અાગવી ઓળખ ધરાવતા મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ રાજ્યનું પ્રથમ સોલાર પાવર સંચાલિત મ્યુઝિયમ બનશે. મ્યુઝિયમની છત પર સોલાર રૂફટોપ પ્લાન્ટ એક મહિનામાં કાર્યરત થશે. ઐતિહાસિક મુલ્ય ધરાવતા મ્યુઝિયમની 50 ટકા વિજળીની જરૂરીયાત સોલાર પાવર દ્વારા પુર્ણ થશે.

સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવવાની કામગીરી ચાલી રહી છે
રાજ્યમાં સરકારી ઇમારતો, ખાનગી બાંધકામમાં સોલાર પાવરનો ઉપયોગ કરવાનું ચલણ વઘી રહ્યું છે. વધુ માહિતી આપતા ટેક્સો એનર્જીના કિન્નરી હરિયાણીએ જણાવ્યું હતું કે, મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમની વિજળીની કુલ જરૂરિયાત 11 કે.ડબલ્યુ. છે. તેની સામે 5.2 કે.ડબલ્યુ. ની ક્ષમતા વાળો સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. જેથી મ્યુઝિયમની વિજળીની 50 ટકા જરૂરિયાત સોલાર પાવર દ્વારા પુર્ણ થશે. હાલ, જાણીતા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ પેઇન્ટીંગ્સ ત્યાં રાખવામાં અાવ્યા છે. મ્યુઝિયમના ક્યુરેટર મિના હિંગુરાવે જણાવ્યું હતું કે, સોલાર પ્લાન્ટની 1 કે.ડબલ્યુ. દિઠનો ખર્ચ 50 હજાર ગણવામાં અાવે છે, તેમાંથી રહેણાંક વિસ્તાર માટે સરકાર દ્વારા સબસીડી અાપવામાં અાવે છે. સબસીડી બાદ કરતા રહેણાંક વિસ્તારમાં સોલાર પ્લાન્ટની કિંમત 30 હજાર થવા પામે છે.

હેરિટેજ માળખામાં વિશેષ રીતે સોલાર પ્લાન્ટ લગાડવામાં આવે છે
સામાન્ય બાંધકામમાં સોલાર પ્લાન્ટ લગાડવા માટે જરૂરી જગ્યા પર માળખું તૈયાર કરવામાં અાવે છે.વિશેષજ્ઞના મતે હેરિટેજ માળખામાં સોલાર પાવર પ્લાન્ટ લગાડવા માટે વિશેષ ધ્યાન અાપવામાં આવે છે. સોલાર પ્રોજેક્ટમાં કરવામાં અાવેલ રોકાણના વળતર અંગે માહિતી આપતા કિન્નરી હરિયાણીએ ઉમેર્યું હતું કે, રહેણાક વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં કરવામાં અાવેલ રોકાણનું વળતર 25 વર્ષ સુધી મળતુ રહે છે. રહેણાંક વિસ્તારમાં લગાવેલ પ્લાન્ટમાંથી વળતર ચાર વર્ષે મળે છે અને ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં લગાડવામાં અાવેલ પ્લાન્ટમાંથી વળતર 3 વર્ષે મળવાનું શરૂ થાય છે. કેટલીક વખત વપરાશને કારણે સોલાર પ્લાન્ટમાં કરેલુ રોકાણ સમય પહેલા મળવાનું શરૂ થઇ જાય છે.

ગુજરાત અને રાજસ્થાન સૂર્ય ઉર્જાનો 95% ઉપયોગ કરી શકે છે
ગુજરાત અને રાજસ્થાન રાજ્ય સૂર્ય ઉર્જાનો 95 ટકા ઉપયોગ કરી શકે તેવા સ્થાન પર અાવેલા છે.જેને કારણે બંન્ને રાજ્યમાં લોકો સોલાર પાવરનો વઘુમાં વધુ ઉપયોગ કરે તે હિતાવહ છે. જાળી, પાર્કિંગ તથા અન્ય પ્રકારના સ્ટ્રક્ચર પર પણ સોલાર પેનલ લગાડીને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે.

સૂર્યની ગતિવિધિ આધારે જાતે જ સાફ થતા સોલાર પ્લાન્ટની માંગ
સૂર્યની ગતી એટલેકે સૂર્યોદયથી લઇને સૂર્યાસ્ત સુધી સૂર્ય પુર્વથી લઇને પશ્ચિમ સુધી જાય છે.સૂર્યની ગતિની સાથે ફરે તેવા સોલાર પ્લાન્ટ હવે વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. સોલાર પ્લાન્ટમાં એકમાત્ર સાફસફાઇની નિયમિત જરૂરિયાત રહે છે. હવે, જાતે જ સાફ થઇ શકે તેવા પ્લાન્ટ પણ ઉપલબ્ધ છે.

X
ફતેહસિંહ મ્યુઝિયમમાં ચાલી રહેલી સોલાર પ્રોજેક્ટની કામગીરીફતેહસિંહ મ્યુઝિયમમાં ચાલી રહેલી સોલાર પ્રોજેક્ટની કામગીરી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી