વડોદરામાં 8 હજાર ટુ વ્હીલર અને 600 કારનું વેચાણ, ટુ-વ્હીલરમાં 30 ટકાનું વેચાણ વધ્યું, કારમાં 25 ટકાનો ઘટાડો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં પરિવારે દશેરાએ કારની ખરીદી - Divya Bhaskar
વડોદરામાં પરિવારે દશેરાએ કારની ખરીદી
  • વડોદરાના શો-રૂમ પર સવારથી જ વાહનો ખરીદવા માટે ધસારો રહ્યો
  • દિવાળીમાં પણ ટુ-વ્હીલર્સનું વેચાણ ચાલુ જ રહશે તેવી શો-રૂમ સંચાલકોને આશા

વડોદરાઃ દશેરાના પર્વે આજે વડોદરામાં મંદીના માહોલમાં પણ લોકોએ કાર અને ટુ-વ્હીલરની ખરીદી કરી હતી. જોકે મંદીના કારણે કારનું 25 ટકા ઓછુ વેચાણ થયું હતું. જોકે ટુ-વ્હીલરમાં 25થી 30 ટકાનું વેચાણ વધ્યું હતું. વડોદરામાં આજે 8 હજારની આસપાસના ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. જ્યારે 600થી વધુ કારનું વેચાણ થયું હતું.
અમારા શો-રૂમમાંથી 200 જેટલી કારનું વેચાણ થયું
વડોદરા શહેરના ગોરવા રોડ પર આવેલા મારૂતિના શો-રૂમના ટીમ લીડર કિરણભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મંદીનો માહોલ હોવા છતાં લોકોનો કાર ખરીદવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમારા શો-રૂમમાંથી દશેરાના દિવસે 200 જેટલી કારનું વેચાણ થયું છે. સમગ્ર વડોદરાની વાત કરીએ તો વડોદરામાં દશેરાના દિવસે મારૂતિ, હુન્ડાઇ અને ફોર્ડ સહિતની વિવિધ કંપનીઓની અંદાજે 600થી વધુ કારનું વેચાણ થયું છે. જે ગત વર્ષે દશેરાના દિવસે થયેલા વેચાણની સરખામણીમાં 25 ટકા જેટલુ ઓછુ છે.
મંદીનો માહોલ હોવા છતાં ટુ-વ્હીલરમાં 25થી 30 ટકા જેટલુ વેચાણ વધ્યું
રવિ હોન્ડા શો-રૂમના માલિક ગુરમિતસિંગે જણાવ્યું હતું કે, મંદીનો માહોલ હોવા છતાં ટુ-વ્હીલરમાં 25થી 30 ટકા જેટલુ વેચાણ વધ્યું છે. છેલ્લા છ માસમાં મંદીના કારણે માર્કેટ 30થી 35 ટકા માર્કેટ ડાઉન થઇ ગયું હતું. વાહનો ખરીદવા માટે દશેરાનો દિવસ શ્રષ્ઠ મનાતો હોવાથી લોકોએ ટુ-વ્હીલરની ધૂમ ખરીદી કરી હતી.
આગામી દિવાળીમાં પણ ઓટો માર્કેટ સારૂ જ રહેશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદીના કારણે અમને એમ હતું કે, આ વખતે વ્હીકલ્સના ધંધામાં અસર પડશે. પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા આર્થિક સ્થિતિ સુધારવા માટે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોના કારણે ઓટો માર્કેટમાં ઘરાકી ખુલી છે. અમને આશા છે કે, આગામી દિવાળીમાં પણ ઓટો માર્કેટ સારૂ જ રહેશે.
સવારથી જ તમામ શો-રૂમોમાં લોકોની ભીડ જોવા મળી
દશેરાના દિવસે સાઇકલ, ટુ-વ્હિલર, ફોર વ્હિલર, ટેમ્પો, ટ્રેક્ટર, ઓટો રિક્ષા જેવા વિવિધ વાહનો લોકો દ્વારા ખરીદવામાં આવે છે. આજે સવારથી જ તમામ શો-રૂમોમાં લોકોની ભીડ જોવા મળી હતી. મંદીના માહોલમાં દશેરાના દિવસે જે રીતે વાહનોનું વેચાણ થયું છે. તેનાથી વેપારીઓ ખુશ જણાતા હતા.