તબલા સિટી ઓફ ગુજરાત / વડોદરામાં દર વર્ષે MSUની પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ તબલાં શીખે છે, જે દેશમાં નંબર.1

20,000થી વધુ વિદ્યાર્થીઓ ડિપ્લોમા અહીંથી થયાં છે
20,000થી વધુ વિદ્યાર્થીઓ ડિપ્લોમા અહીંથી થયાં છે

 • દુનિયામાં તબલાંના બીજા નંબરના અજરડા ઘરાનાના સૌથી વધુ તબલાવાદકો વડોદરામાં
 • 20,000થી વધુ વિદ્યાર્થીઓ ડિપ્લોમા અહીંથી થયાં છે

Divyabhaskar.com

Jul 22, 2019, 02:29 AM IST

કુણાલ પેઠે, વડોદરાઃ છેલ્લી એક સદીથી તબલાં અને વડોદરા શહેર સંગીતની પરંપરાના પર્યાય રહ્યાં છે. એમએસયુની મ્યુઝિક કોલેજ અને અત્યારની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસમાં માત્ર તબલાંમાં જ 20,000 વિદ્યાર્થીઓ ડિપ્લોમા થયા છે, 1500થી વધુ તબલાં ગ્રેજ્યુએટ થયા છે, જે ભારતની તમામ યુનિવર્સિટીઓમાં સૌથી વધારે છે, તબલાંવાદનમાં ફરૂખાબાદ ઘરાના બાદ બીજા ક્રમના સૌથી મોટા અજરડા ઘરાનાના સૌથી વધુ તબલાંવાદકો હોવાનો ગૌરવશાળી શ્રેય પણ વડોદરાને જાય છે. 1984માં દેશમાં સૌથી પહેલા માસ્ટર્સ ઇન તબલાંનો કોર્સ પણ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં થયો અને અત્યાર સુધીમાં 350થી વધુ તબલાંનાં ‘માસ્ટર્સ’ આપ્યાં છે. આ જ યુનિવર્સિટી છે જેમાં તબલાની 125 જોડીઓ વિદ્યાર્થીઓ માટે જ છે, જે પણ ગુજરાતની કોઇપણ યુનિવર્સિટીમાં સૌથી વધારે છે.

એકમાત્ર વડોદરામાં જ તબલાં વિભાગ
વડોદરામા દેશની તમામ યુનિવર્સિટીઓમાં એક માત્ર તબલાં વિભાગ છે. આ ખાસિયતો વડોદરાને તબલાં સિટી ઓફ ગુજરાતનું બિરુદ અપાવવા પૂરતી છે. આજે વડોદરામાં 300 જેટલા પ્રોફેશનલ તબલાં પ્લેયર્સ છે. જે દેશ-દુનિયામાં પર્ફોર્મન્સ માટે જાય છે. વડોદરાએ તબલાં ક્ષેત્રે અજરડા ઘરાનામાં પંડિત પ્રો. સુધીરકુમાર સકસેના દેવદત્ત દીરપાલ, ડો. અજય અષ્ટપુત્રે વિક્રમ પાટીલ, નંદકિશોર દાતે અને મધુકર નિક્તે જેવા રાષ્ટ્રીય સ્તરના આર્ટિસ્ટ અને શિક્ષકો આપ્યાં છે. રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ શહેરની સંગીત સંસ્થાઓ આમદ, સ્વરવિલાસ, સ્વરાયન અને કોમલ નિષાદ તબલાં ક્ષેત્રના દેશના ખ્યાતનામ આર્ટિસ્ટ્સને આમંત્રિત કરીને તબલાંવાદનનો આસ્વાદ સેંકડો સંગીતરસિયાઓને કરાવે છે. આમદ સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી સતત સાત કલાક સુધીનો તબલાંવાદન કાર્યક્રમ યોજે છે. વડોદરાના સંગીતપ્રેમીઓ અને તબલાવાદનના ચાહકોના ઉત્સાહને જોતાં આગામી દાયકાઓમાં પણ વડોદરાનું ‘તબલાં સિટી ઓફ ગુજરાત’નું સ્થાન અવિચળ જ રહેશે.

શા માટે વડોદરામાં તબલા પરંપરા ધબકતી રહી છે?
આ વિશેનું કારણ આપતાં તબલાં વિષયમાં ગુજરાતમાં સૌથી પહેલા પી.એચડી.ની ડિગ્રી મેળવનાર અને ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસના ડીન પંડિત ડો. અજય અષ્ટપુત્રે કહે છે કે, ‘1950ના દાયકામાં અજરડા ઘરાનાના સુપ્રસિદ્ધ પંડિત પ્રો.સુધીર કુમાર સક્સેના વડોદરા આવ્યાં. તેમણે વડોદરામાં અજરડા ઘરાનામાં તબલાંવાદનના 1000થી વધુ કલાકારોે બનાવ્યાં. આ પરંપરાથી શહેરને અનેક નોંધપાત્ર તબલાં શિક્ષકો-આર્ટિસ્ટ્સ મળ્યાં. આ તમામ એક જ ગુરુના શિષ્યો હોવાથી કોઇ દ્વેષભાવ વિના તાલીમ આપી રહ્યાં છે. તબલાં અેકમાત્ર એવું વાદ્ય છે જે ગાયન, નૃત્ય, તંતુવાદ્યો જ નહીં પોપ મ્યુઝિક સાથે પણ સેટ થાય છે. વર્ષો પહેલા સંગીત કાર્યક્રમો જ તબલાવાદકો માટે આજીવન આજીવિકા હતી. હજારો લોકો તબલાંવાદન શીખ્યાં, સેંકડો વર્ષોથી સતત નવા કદરદાનો બનતાં રહ્યાં છે.’

તબલાંમાં દેશમાં ચાર ઘરાના છે.

 • સૌથી વિશાળ ફારુખાબાદ ઘરાના છે.
 • ત્યારબાદ અજરડા, પંજાબ અને દિલ્હી ઘરાનાનો સમાવેશ થાય છે.
 • અજરડા ઘરાનાનાં આર્ટિસ્ટ્સ સૌથી વધુ વડોદરામાં છે
 • અજરડા મેરઠ પાસે આવેલું ગામ છે, જ્યાં આ ઘરાનાનો જન્મ થયો.

વડોદરાના આર્ટિસ્ટ્સની નોંધપાત્ર સિદ્ધિઓ

 • વડોદરાના તબલાના આદ્ય ગુરુ પ્રો.સુધીરકુમાર સકસેનાને ગુજરાત સંગીત નાટક અકાદમીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
 • વડોદરાના મધુકર ગુરવ નામના આર્ટિસ્ટ સ્વીડનમાં પર્ફોર્મન્સ આપવા ગયા ત્યારે પ્રેક્ષકોએ તેમણે હાથમાં કોઇ મશીન તો ફીટ નથી કર્યું ને તેની ખાતરી કરાવી હતી.
 • વડોદરાના તબલાવાદક વિક્રમ પાટીલ સિતારવાદક રવિશંકરના ગ્રૂપમાં લાંબો સમય સુધી કાર્યરત હતા.
 • વડોદરામાંથી તબલાવાદન શીખેલા દેવદત્ત દીરપોલ મોરેશિયસની મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ આપે છે
X
20,000થી વધુ વિદ્યાર્થીઓ ડિપ્લોમા અહીંથી થયાં છે20,000થી વધુ વિદ્યાર્થીઓ ડિપ્લોમા અહીંથી થયાં છે
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી