વડોદરા / દીપક નાઇટ્રેટનો પૂર્વ મહિલા મેનેજર સામે કોર્ટમાં રૂ. 370 કરોડની નુકસાનીનો દાવો, ડેટા ચોરીનો આક્ષેપ

દીપક નાઇટ્રેટ કંપની
દીપક નાઇટ્રેટ કંપની

  • પૂર્વ મહિલા કર્મીએ 10 જાન્યુ.એ નોકરી છોડી, ગુરુગ્રામની હરીફ કંપનીમાં ડેટા ટ્રાન્સફર કરી તેમાં જ નોકરીએ જોડાયા
  • કંપનીની પ્રોડક્ટ્સના ભાવ, રિપોર્ટ, પ્રોડક્ટ્સ, પ્રોડક્ટ રેસિપી સહિતનો ડેટા ચોર્યો, 30 માર્ચે વધુ સુનાવણી

Divyabhaskar.com

Mar 11, 2020, 08:25 PM IST

વડોદરા: વડોદરાની જાણીતી કેમિકલ કંપની દીપક નાઇટ્રેટે તેની એક પૂર્વ મેનેજર મહિલા કર્મી સામે સ્થાનિક કોર્ટમાં રૂ. 370 કરોડની નુકસાનીનો દાવો કર્યો છે. આ દાવામાં દીપક નાઈટ્રેટે પૂર્વ મહિલા મેનેજર પર નોકરી છોડતા અગાઉ કંપનીના મહત્વના ડેટા ચોરી કરવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, પૂર્વ મેનેજર ગુરૂગ્રામની જે કંપનીમાં જોડાઈ છે તે હરીફ કંપની સંખ્યાબંધ જીબી સેન્સિટિવ ડેટા ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ પણ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. દીપક નાઈટ્રેટના સત્તાવાર સૂત્રોએ આ પ્રકારનો કોર્ટ કેસ કર્યાની વાતનું DivyaBhaskar સાથેની વાતમાં સમર્થન કર્યું છે.

આ રીતે 370 કરોડનું નુકસાન થશે
આ સિવિલ સ્યૂટમાં ઉલ્લેખ મુજબ, વર્ષ 2020-21માં કંપનીના ફાઈન અને સ્પેશિયાલિટી સેગમેન્ટનું ટર્ન ઓવર રૂ.600 કરોડ થવાની અપેક્ષા છે. પરંતુ ડેટાચોરી થવાને કારણે કંપનીને રૂ.350 કરોડનું નુકસાન વેઠવું પડશે અને ટર્ન ઓવરનો ટાર્ગેટ પણ હાંસલ થઈ શકશે નહીં. આ ઉપરાંત 10 કરોડની ખોટ તથા પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે રોકેલા અન્ય રૂ.10 કરોડનું પણ નુકસાન જશે.
મહિલા મેનેજરે ઇ-મેઇલ પર ડેટા ટ્રાન્સફર કર્યો હતો
કંપનીના સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે દીપક નાઇટ્રેટે આ અંગે વડોદરાની સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયું છે કે, કંપનીમાં નોકરી કરતી પૂર્વ મહિલા મેનેજરે તેમના કાર્યકાળ દરમિયાન કંપની પ્રોડક્ટ્સના ભાવ, રિપોર્ટ, પ્રોડક્ટ્સ, પ્રોડક્ટ રેસિપી સહિતનો સંખ્યાબંધ જીબી ડેટા ચોરી કરી લીધો હતો. આ કંપનીમાંથી 10 જાન્યુઆરીએ નોકરી છાડ્યા બાદ તેઓ ગુરૂગ્રામ સ્થિત હરિફ કંપનીમાં જોડાયા હતા. જો કે, તેમણે દીપક નાઇટ્રેટ કંપનીનો ડેટા ઇ-મેઇલ ઉપર ટ્રાન્સફર કર્યો હતો.
કંપનીના દાવાની સુનાવણી 30 માર્ચના રોજ થશે
કંપનીએ તેઓના ધારાશાસ્ત્રી જયદીપ વર્મા દ્વારા પૂર્વ મેનેજર સામે સ્થાનિક એડિશનલ સિનિયર સિવિલ જજ વી.આર. ચૌધરીની કોર્ટમાં રૂ. 370 કરોડનો નુકસાનીનો દાવો કર્યો છે. દાવામાં પૂર્વ મેનેજરે નોકરી છોડતાં પહેલાં કંપની પ્રોડક્ટ્સના ભાવ, રિપોર્ટ, પ્રોડક્ટ્સ, પ્રોડક્ટ રેસિપી સહિતનો સંખ્યાબંધ જીબી ડેટા હરીફ કંપનીમાં ટ્રાન્સફર કર્યાંનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂર્વ મેનેજર સામે કોર્ટમાં કરવામાં આવેલા દાવાની સુનાવણી આગામી 30 માર્ચના રોજ થશે.

X
દીપક નાઇટ્રેટ કંપનીદીપક નાઇટ્રેટ કંપની

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી