દાહોદ / પતિ સાથે વાત કરતી હોવાથી શંકાથી પત્નીએ ધો-10ની વિદ્યાર્થિનીનું અપરહણ કર્યુ, કૂવામાંથી મૃતદેહ મળ્યો

કુવામાંથી કિશોરીનો મૃતદેહ મળ્યો

  • મહિલા અને તેના પતિની સુખસર પોલીસે ધરપકડ કરી, અપહરણમાં મદદ કરનાર દિયર ફરાર
  • કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ કરી

Divyabhaskar.com

Oct 10, 2019, 03:28 PM IST

દાહોદઃ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામની ધો-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કંથાગર ગામના પરણીત યુવાન સાથે મોબાઇલ પર વાત કરતી હોવાની પત્નીને શંકા ગઇ હતી. જેથી તેણે સુખસર ટ્યૂશન ક્લાસમાં આવેલી કિશોરીનું દિયરની મદદથી અપહરણ કર્યું હતું. જેના બીજા દિવસે કિશોરીની ભોજેલા ગામે કૂવામાંથી લાશ મળી હતી. જેથી અપહરણ કરનાર મહિલા, તેના પતિ અને દિયર સામે ગુનો દાખલ કરીને સુખસર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ટ્યુશન ક્લાસમાંથી કિશોરનું અપહરણ કર્યું
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના વાણીયા મહુડી ફળિયામાં રહેતા મહેન્દ્રસિંહ હીરાભાઈ ચારેલ ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવે છે. તેઓ તેમની પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓ સાથે રહે છે. જેમાં પ્રિયંકાબેન મહેન્દ્રસિંહ ચારેલ ધો-10માં અભ્યાસ કરતી હતી. અને પ્રિયંકા સોમવારે સવારે સુખસર ખાતે સવારે ટ્યૂશન ક્લાસમાં ગઇ હતી. તે સમયે સવારે 11:30 વાગ્યે કંથાગર ગામની સોનલબેન ગોવિંદભાઈ બારીયા તથા તેનો દિયર પર્વતભાઈ વિનોદભાઈ બારીયા ભોજેલા ગામમાં કિશોરીના ઘરે ગયા હતા. અને સોનલે તેના પરિવારજનોને કહ્યું હતું કે, તારી છોકરી મારા પતિ સાથે મોબાઈલ ફોનથી વાત કરે છે, જેથી હું અને મારો દિયર પર્વત બારીયા પ્રિયંકાના ટ્યૂશન ક્લાસમાં ગયા હતા. જ્યાંથી બાઇક પર બેસાડીને લઇ આવ્યા હતા પરંતુ પ્રિયંકા બાઇક પરથી કૂદી ભાગી ગઇ છે. તેમ કહીને પ્રિયંકાનું દફ્તર આપી જતા રહ્યા હતા. અને જતા જતા ધમકી આપતા કહ્યું હતું કે, તારી છોકરી ફરીથી આવો ફોન કરશે તો જીવતી છોડીશું નહીં. અને મારી નાખીશું.

પ્રિયંકાની લાશ કૂવામાંથી મળી આવી
ત્યારબાદ પ્રિયંકાના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે પ્રિયંકાનો કોઇ પત્તો મળ્યો નહોતો. છેવટે ભોજેલા ગામે રોડ ઉપર પ્રિયંકાનો એક ચપ્પલ મળી આવ્યું હતું. જેથી આસપાસમાં તપાસ કરતા કુવા પાસેથી બીજુ ચપ્પલ મળ્યું હતું. આજે સવારે કૂવામાં લોખંડની બિલાડી નાખી તપાસ કરતા પ્રિયંકાની લાશ કૂવામાંથી મળી આવી હતી.
મૃતકના પિતાએ મહિલા, તેના પતિ અને દિયર સામે પોલીસ ફરિયાદ કરી
મૃતક પ્રિયંકાબેનના પિતા મહેન્દ્રભાઈ ચારેલે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા કંથાગરના ગોવિંદ વિનોદ બારીયા, પર્વત વિનોદ બારીયા તથા સોનલબેન ગોવિંદ બારીયાની વિરુદ્ધમાં અપહરણ તથા મરવા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગોવિંદ બારીયા તથા સોનલ બારીયાની ધરપકડ કરી છે. અને અપહરણમાં મદદ કરનાર પર્વત વિનોદ બારીયા ફરાર થઇ ગયો છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી