કોમર્શિયલ પાસિંગ: 6000 પૈકી 50 સ્કૂલવાનની અરજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા આરટીઓ બિલ્ડિંગની ફાઈલ તસવીર - Divya Bhaskar
વડોદરા આરટીઓ બિલ્ડિંગની ફાઈલ તસવીર
  • પાસિંગ માટે 1 મહિનાની મુદત અપાઈ છે
  • સ્કૂલવાન ચાલકોએ લગાવવું પડશે સ્પીડ ગવર્નર

વડોદરાઃ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી સ્કૂલવાન ચાલકો સામે આરટીઓ દ્વારા લાલ આંખ કરી ચેકિંગ હાથ ધરાતાં હડકંપ મચ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા એક મહિનાની મુદત આપતાં હાલ ચેકિંગ મુલતવી રખાયુ છે. ત્યારે શહેરમાં ફરતી 6000 સ્કૂલ વાન પૈકી માત્ર 50 વાન ચાલકો દ્વારા કોમર્શિયલ પાસિંગ માટે એપ્લાય કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા વાન ચાલકોની સંગઠન દ્વારા કરાયેલી રજૂઆતને પગલે એક મહિનામાં ખાનગી પાસિંગનું કોમર્શિયલ પાસિંગ કરાવવા મુદત આપી છે. 

લગાવવું પડશે સ્પીડ ગવર્નર
ત્યારે બીજી બાજુ આરટીઓ દ્વારા સોમવારે ઓવર ક્રાઉડનુ ચેકિંગ પણ બંધ રાખ્યું હતું. જોકે આરટીઓમાં રજિસ્ટર્ડ થયેલી એન્ટ્રી મુજબ માત્ર 50 વાન માલિકો દ્વારા કોમર્શિયલ પાસિંગ માટે અરજી કરી છે. કોમર્શિયલ પાસિંગ થતાં જ આ વાનમાં 40ની સ્પીડ લિમિટવાળું સ્પીડ ગવર્નર લગાવવું પડશે.

સોમવારથી RTO ફરી ચેકિંગ કરશે
રાજ્ય સરકારે હાલ છુટછાટ આપી હોવાના કારણે ઓવર ક્રાઉડીંગનું ચેકીંગ અમે બંધ કર્યુ છે. સોમવારથી આરટીઓ દ્વારા ફરી ચેકીંગ શરૂ કરાશે. એક મહિના પછી જો વ્હીકલનું રજીસ્ટ્રેશન નહીં થયુ હોય તો અમે જેતે વ્હીકલનું રજીસ્ટ્રેશન રદ્દ કરીશું. - એ.એમ.પટેલ, એ.આર.ટી.ઓ.

50 ટકા વાનચાલકો રજિસ્ટ્રેશન માટે તૈયાર
એક વ્હીકલના રજિસ્ટ્રેશન પાછળ અંદાજે 25 હજારનો ખર્ચ છે. અત્યારે મોટા ભાગના વાહન ચાલકો પૈસાની વ્યવસ્થા કરી રહ્યા છે. સપ્તાહમાં મોટા ભાગના ફોર્મ આવી જશે. 50% વાનચાલકોએ રજિસ્ટ્રેશન માટે તૈયારી બતાવી છે. - જીવણ ભરવાડ, ઈન્ટુકના અગ્રણી