તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલાજી ગ્રૂપના સેલ્સ અધિકારીએ મકાન બુકિંગના 72.50 લાખ વાપરી નાખ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કંપનીની જુદી જુદી સ્કીમોમાં મકાન બુક કરાવનારા ગ્રાહકોના રૂપિયા કંપનીમાં જમા નહીં કરાવતાં ફરિયાદ
  • એકાઉન્ટ મેનેજર નિરજ જાનીની ખોટી સહી કરી નોટબુકમાં રકમ સ્વીકાર્યાની નોંધ લખી કંપનીનો સિક્કો માર્યો

વડોદરાઃ શહેરના સમા મંગલપાંડે રોડ પર આવેલ બાલાજી ગ્રૂપ માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ કંપનીના સેલ્સ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટે કંપનીની જુદી જુદી સાઇટ પર મકાન બુક કરાવનારા ગ્રાહકોના 44 લાખ રૂપિયા કંપનીમાં જમા નહીં કરાવી વાપરી નાંખતાં કંપનીના ફાઇનાન્સ હેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સ  કંપનીના 28.50 લાખ રૂપિયા બેંકના ખાતામાં ભરી આપવાના બહાને લીધા બાદ ફરાર થઇ ગયો હતો. સમા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

કંપનીના 72 લાખ પોતે વાપરી નાખ્યાં
માનવ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીના ફાઇનાન્સ હેડ મિલન રમેશભાઇ રત્નાનીએ કંપનીના સેલ્સ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલા અધિકારી દિનેશ વિસાત ઉર્ફે બિસ્ટ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેમની વડોદરા શહેરમાં મંગલ પાંડે રોડ પર અગોરા સિટી સેન્ટર, અટલાદરામાં બાલાજી સ્કાયરાઇઝ અને વારસિયા રોડ પર બાલાજી વિન્ડ નામની 3 સાઇટ ચાલે છે. સેલ્સ વિભાગના કર્મચારીઓ કંપનીની નિર્માણાધીન સાઇટોનું બુકિંગ કરાવવાની ફરજ બજાવે છે અને તે પૈસા એકાઉન્ટ વિભાગમાં જમા કરાવવાના હોય છે. દરમિયાન, ગત 5 નવેમ્બરે દિનેશ વિસાત કંપનીની હેડ ઓફિસે આવ્યો હતો અને તે વખતે એકાઉન્ટ મેનેજર નિરજ જાની કંપનીના 28.50 લાખ લઇને અલકાપુરી એચડીએફસી શાખામાં જતા હતા ત્યારે દિનેશે તેમને આટલી મોટી રકમ લઇ બાઇક પર ના જશો, મારી પાસે ગાડી છે, હું પૈસા જમા કરાવી દઇશ તેમ કહેતાં તેને આ પૈસા આપ્યા હતા. જોકે દિનેશ ત્યારબાદ પરત ના આવતાં  ફોન પર તેણે હું આણંદ છું તેમ કહ્યું હતું. ત્યારબાદ તપાસમાં બહાર આવ્યું હતું કે દિનેશે ગ્રાહકો પાસેથી પણ પૈસા લીધા હતા પણ કંપનીમાં જમા કરાવ્યા ન હતા. તપાસમાં જણાયું હતું કે દિનેશે ગ્રાહકો પાસેથી પૈસા લઇ નોટબુકમાં રકમ સ્વીકાર્યાની નોંધ લખી કંપનીનો સિક્કો માર્યો હતો અને એકાઉન્ટ મેનેજર નિરજ જાનીની ખોટી સહી કરી હતી.તેણે કંપનીના કુલ 72.50 લાખ અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા.

બાથરૂમ જવાના બહાને મોબાઇલ ફોન મૂકી ફરાર 
સીસીટીવી દ્વારા સર્વેલન્સ ગોઠવીને કંપનીના અધિકારીઓએ  બાલાજી વિન્ડની સાઇટ પર આવેલા દિનેશને  પકડી લીધો હતો અને તેને હેડ ઓફિસે લાવી પૂછપરછ કરતાં તેણે પોતાને દેવુ થઇ ગયું હોવાથી રૂપિયા વપરાઇ ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે 8.90 લાખ નેટ બેકિંગ દ્વારા જમા કરાવ્યા હતા અને બાકીના પૈસા સવારે પિતા પાસેથી મંગાવી દેશે તેમ જણાવ્યું હતું. તે ત્યારબાદ ઓફિસમાં જ રોકાયો હતો અને બીજા દિવસે સવારે બાથરૂમ જવાના બહાને કંપનીએ આપેલો અને પોતાનો મોબાઇલ ફોન અને પર્સ ઓફિસમાં છોડીને ફરાર થઇ ગયો હતો. તેણે ચાલાકીપૂર્વક નેટ બેકિંગ દ્વારા કંપનીને ચૂકવેલ 889763 રૂપિયા તેના પિતા રાજેન્દ્ર બિસ્ટના ખાતામાં ફરી જમા કરાવી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...