87માં એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે એર શો યોજાયો, સારંગ, આકાશ ગંગા અને ગરૂડ ટીમે ફાઇટર પ્લેનથી અદભૂત કરતબો કર્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાનદાર, રોમાંચક અને રૂંવાડા ઉભા થઈ જાય એવો સાહસ સભર એર શો યોજાયો
  • પાઇલટ્સે 8 હજાર ફુટની ઊંચાઈએથી 120 માઈલની ઝડપે પેરા જંપિંગના કરતબો દર્શાવ્યા

વડોદરાઃ 87માં એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા આજે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારંગ, આકાશ ગંગા અને ગરૂડ ટીમ દ્વારા એરોબેટીક્સ અને સ્કાય ડાયવિંગ કરવામાં આવ્યું હતું.
લોકોએ પાઇલટ્સ સાથે સેલ્ફી લેવા પડાપડી કરી
એરફોર્સના વડોદરા હવાઇ મથકે વિદ્યાર્થીઓને વાયુ સેનામાં જોડાવા માટે દ્રઢ સંકલ્પીત કરવા 87માં વાયુ સેના સ્થાપના દિવસની શાનદાર, રોમાંચક અને રૂંવાડા ઉભા થઈ જાય એવા સાહસ સભર એર શો અને સૈન્ય શક્તિના નિદર્શન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ અને ખાસ કરીને વિવિધ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ અત્યંત રોમાંચની અનુભૂતિ સાથે જેગવાર સહિતના લડાકુ વિમાનો, પોર્ટેબલ રડાર્સ, સ્વદેશી ધ્રુવ સહિત ચિતાહ અને અન્ય હેલિકોપટર્સ, એએન-33 વાહક જહાજ,શસ્ત્રો આયુધો અને અદ્યતન ઉપકરણોનું સ્ટેટિક ડિસ્પ્લે નિહાળ્યું હતું  આકાશગંગાના પેરા ટ્રુપર્સ, ગરુડ કમાન્ડો અને સારંગ ટીમના વિમાનીઓ સાથે ફોટો પડાવવા અને સેલ્ફી લેવા રીતસરની પડાપડી કરી હતી.
સારંગ ટીમે અદભુત એરોબેટીક્સ નિદર્શન રજૂ કર્યું
આજના એર શોના ભાગરૂપે આગરા સ્થિત પેરા ટ્રુપર્સ ટ્રેનિંગ સ્કૂલની તાલીમબદ્ધ પેરા ટ્રુપર્સ ટીમે 8 હજાર ફિટની ઊંચાઈએથી કલાક દીઠ 120 માઈલની ગતિથી પેરા જંપિંગના કરતબો દર્શાવ્યા હતા. આ ટીમે વિબગયોર એટલે મેઘ ધનુષી રંગના, તિરંગાના રંગના આકાશી ફોર્મેશન દ્વારા અદભુત કુશળતાના દર્શન કરાવ્યા હતા. તો સ્વદેશમાં ઉત્પાદિત ધ્રુવ હેલિકોપટર્સની મદદથી સારંગ ટીમે આકાશની આસમાની ભૂરાશને લાલિમા અને લાલીત્યથી રંગવાની સાથે અદભુત એરોબેટીક્સ નિદર્શન રજૂ કર્યું હતું. ગરુડ કમંદોએ એએન-32માંથી કૂદીને દુશ્મન દેશના મિસાઈલ વાહનોનો એમના પ્રદેશમાં પ્રતિકાર કરવાની કુશળતા પ્રદર્શિત કરી હતી. વિશાળ જન સમુદાયે મંત્ર મુગ્ધ થઈને એરશો નિહાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરામાં વાયુ સેના મથકના પ્રથમ એકમની 1963માં સ્થાપના થઇ હતી અને હાલમાં 8 જેટલા વિવિધ કામગીરી કરતા વાયુ સેના એકમો વડોદરામાં છે.
યુવાનોને સેના-વાયુ સેનામાં જોડાવવાનો સંદેશ આપ્યો
આકાશગંગા પેરા ટ્રુપર્સ ટીમના સુકાની ગીત ત્યાગીએ ગુજરાત અને વડોદરામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવા યુવતીઓ સેના-વાયુ સેનામાં જોડાય એવો સ્થાપના દિવસે સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, લોકોની વધાવી લેતી કીકીયારીઓ વચ્ચે આકાશમાંથી કૂદકો લગાવવાનો આનંદ અનેરો છે. લોકો ભારતીય સેનાની શક્તિઓમાં વિશ્વાસ રાખે અને સૈનિકોનો ઉત્સાહ વધારે તેવો અનુરોધ કરતાં તેમણે કહ્યું કે તમારી સેના દેશની અને તમારી સુરક્ષા માટે તમામ સમયે તમામ પ્રકારે સુસજ્જ રહે છે.
વાયુ સેનાનું કામ ખૂબ જ વિવિધતાસભર અને વ્યાપક છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બાલાકોટ એર સ્ટ્રાઈકથી ભારતીય સેના શું કરી શકે છે એની એક આછેરી ઝલક મળી છે, વિંગ કમાન્ડર અભિનંદને દુશ્મનની ધરતી પર અને દુશ્મનો વચ્ચે ભારતીય સૈનિક કેટલો ધૈર્યવાન અને દ્રઢ રહી શકે છે એનો દાખલો આપ્યો છે. વાયુ સેનાનું કામ સ્કાય ડાઇવિંગથી આગળ વધીને ખૂબ જ વિવિધતાસભર અને વ્યાપક છે. એની ઝાંખી કરાવીને યુવાનોને સૈનિક કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા જ આ પ્રકારના આયોજન અમે લોકો વચ્ચે અવારનવાર કરીએ છે. 

અન્ય સમાચારો પણ છે...