તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેસબુક પર મિત્રતા કરીને મહિલા પાસેથી 12 લાખ રૂપિયા અને મિલકતો પચાવી પાડનાર આરોપી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતિને જાણ કરી દેવાની અને પુત્રને મારી નાંખવાની ધમકી આપી નાણાં પડાવતો હતો
  • રોકડ અને મિલકતની માંગણીઓથી ત્રાસી જતા આખરે મહિલાએ ફરિયાદ નોંધાવી

વડોદરા: કારેલીબાગની 32 વર્ષીય મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કર્યા બાદ ફેસબુક અને વોટસઅપ પર ચેટીંગ કરીને ચેટીંગની મહિલાના પતિને જાણ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરનારા ખેડા જીલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નિકુંજ સોનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. નિકુંજ સોનીએ મહિલા પાસે બળજબરીથી 30 લાખના ફ્લેટની પાવર ઓફ એટર્ની લખાવી 12 લાખ રોકડા અ્ને 10 તોલા દાગીના પડાવી લીધા હતા. 

ફ્રેન્ડશિપ કરી આપવા લાગ્યો ધમકી
કારેલીબાગની મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે 6 માસ પહેલાં તેને ફેસબુક પર નડીયાદના નિકુંજ ભરત સોનીનો સંપર્ક થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. બંને ફેસબુક અને વોટસઅપ પર ચેટીંગ કરતા હતા. નિકુંજે પોતાની ઓળખાણમાં બેંકમાં નોકરી કરતો હોવાનું અને નાણાં ધીરધાર કરતો હોવાનું કહી તેનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ તેણે પોત પ્રકાશ્યું હતું અને મહિલાને બ્લેકમેઇલ કરી ધમકી આપવાનું શરુ કર્યું હતું.  

પોલીસે આરોપીની કરી ધરપકડ
ફેસબુક પર થયેલ ચેટીંગની જાણ તારા પતિને કરી દઇશ અને તારે એકનો એક પુત્ર છે, હું કંઇ પણ કરી શકું છું તેવી ધમકી આપી નિકુંજે મહિલા પાસે મહિલાના ફ્લેટનો બળજબરીપૂર્વક પાવર ઓફ એટર્ની લખાવ્યો હતો. ગત મે માસમાં ફરી નિકુંજ મહિલાની માતાના ઘેર  આવ્યો હતો અને તેની મમ્મીની હાજરમાં 10 લાખની માંગ કરી તારા છોકરાને ઉઠાવી જઇશ તેવી ધમકી આપી હતી, જેથી ગભરાયેલી મહિલાની માતાએ તેને 7 લાખ રોકડા આપી દીધા હતા. તેના ત્રણ દિવસ બાદ ફરીથી મહિલાની માતાએ નિકુંજને 5 લાખનો ચેક આપ્યો હતો. નિકુંજે ધમકી આપી કોરા સહિવાળા 5 ચેક પણ લઇ લીધા હતા. નિકુંજે મહિલા અને તેની માતા પાસેથી સોનાના 10 તોલા દાગીના પડાવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે નિકુંજ ભરત સોની (રહે,અનેરી હાઇટસ, જુના ડુંગરાળ રોડ, નડીયાદ)ને ઝડપી લઇ કાર, 2 મોબાઇલ, પાવર ઓફ એટર્ની અને ચેક, શેર સર્ટીફિકેટસ સહિતના દસ્તાવેજો મળી 5.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખેડા યુથ કોંગ્રેસનો મહામંત્રી હતો
નિકુંજ સોની 2013થી 2015 સુધી ખેડા જીલ્લા યુથ કોંગ્રેસનો મહામંત્રી હતો. જો કે તેણે પોતાના ફેસબુક પ્રોફાઇલમાં પોતાના માટે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસનો પ્રેસીડેન્ટ હોવાનું લખ્યું હતું. જો કે ત્યારબાદ તે કોઇ હોદ્દો ધરાવતો ન હતો. આ સંદર્ભે ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે ખેડા જીલ્લા કોંગ્રેસના સંગઠનમાં કોઇ નિકુંજ સોની નામની વ્યકતિ નથી. 

નિકુંજે ફેસબુક પર લખ્યું...બદલતા હુઆ વકત જીંદગી બદલ દેગા
નિકુંજ સોનીએ 15મી મેએ ફેસબુક પર પ્રોફાઇલ પિકચર અપડેટ કરીને લખ્યું હતું..લગતા થા જીંદગી કો બદલને મે વકત લગેગા..પર કયા પતા થા બદલતા હુઆ વકત જીંદગી બદલ દેગા..

એકથી વધુ મહિલાઓને હેરાન કર્યાની આશંકા
ડીસીપી(ક્રાઇમ) જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નિકુંજની લાઇફ સ્ટાઇલ જોતાં એકથી વધુ મહિલાઓને પણ બ્લેકમેઇલ કરી હોવાની પોલીસને શંકા છે. આ મહિલાએ હિંમત દાખવી છે. 5 ચેકના 50 લાખ અને 30 લાખનો ફ્લેટ મળી કુલ 80 લાખની વેલ્યુ છે. નિકુંજે મહિલાના પતિને ધમકી આપતાં કહ્યું હતું કે મકાનનો પાવર અને ચેક છે, 5 ચેકના 50 લાખ અને 30 લાખનું મકાન એટલે 80 લાખની વેલ્યુ થાય, હું 2 લાખમાં આપી દઉ છું, પાછું લઇ જાવ.