વડોદરા / ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતાં લકઝરી બસ પાછળ ઘૂસી ગઇ, 2 મોત

લકઝરી બસમાં ફસાયેલા મુસાફરોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા
લકઝરી બસમાં ફસાયેલા મુસાફરોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

  • મંગળવારે મોડી રાત્રે  ગોલ્ડનચોકડીથી દેણા ચોકડી વચ્ચે ગોઝારો અકસ્માત
  • બસના કેબિનના ભુક્કા થઇ ગયા : 23 મુસાફરોને ઇજા, બસના ચાલક- કલીનરના મોત

Divyabhaskar.com

Dec 05, 2019, 02:32 AM IST

વડોદરાઃ શહેર બહારથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી વચ્ચે મોડી રાત્રે જાનની લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસના ચાલક અને ક્લિનરનું મોત નીપજ્યું હતું. જ્યારે 23 જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

મોડી રાત્રે 3 વાગ્યાના સુમારે સુરતથી જાનૈયા લઇને અંબાજી જવા માટે નીકળેલી ઘનશ્યામ ટ્રાવેલ્સની લકઝરી બસ અને બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી બસના ચાલક સહદેવભાઇ પ્રભાભાઇ રબારી (રહે. સમરપુરા, મહિસાગર) તેમજ લકઝરી બસના ક્લિનરના સ્થળ પર મોત નીપજ્યાં હતા. જ્યારે લકઝરી બસમાં સવાર 23 જેટલા જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કેબીન કાપીને બહાર કાઢવામાં આવ્યા

ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવારે જણાવ્યું હતું કે, રાત્રે 3 વાગ્યાના સુમારે ફાયર બ્રિગેડને અકસ્માતની જાણ થતા તુરતજ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. આ બનાવમાં કોટન ભરેલી ટ્રકને તેની પાછળ જતાં ટ્રેલરે ટક્કર મારી આગળ નીકળી ગઇ હતી. તે સાથે કોટન ભરેલી ટ્રકની પાછળ આવતી લકઝરી બસ કોટન ભરેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં લકઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લકઝરી બસમાં સવાર તમામ મુસાફરો પૈકી રવિકુમાર રાવલ (ઉં.41), અજુભાઇ મોરીયા, ટીનાબહેન રાવલ (ઉં48), અમૃત ગોવાભાઇ રબારી (ઉં.58) અને અંબાબહેન દર્શનભાઇ ચૌધરી (ઉં.53) ને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે કેબિનમાં ફસાયેલા ચાલક સહદેવભાઇ રબારી અને ક્લિનરને કટર અને સ્કેડરની મદદ સહિત અન્ય સાધનોની મદદથી કેબીન કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો
હરણી પોલીસે જણાવ્યું કે, આ અકસ્માતમાં પહેલો અકસ્માત ટ્રેલર અને રૂ ભરેલી ટ્રક વચ્ચે થયો હતો. રૂ ભરેલી ટ્રક ટ્રેલરની ટક્કરે ટ્રક પલટી ખાઇને ખાડામાં જ સીધી ઉતરી ગઇ હતી. તેની પાછળ લકઝરી બસ આવતી હતી. અચાનક ટ્રેલરે બ્રેક મારતા લક્ઝરી બસના ચાલકે પણ બ્રેક મારી પણ ઝડપ વધારે હોવાથી તે ટ્રેલરમાં ઘૂસી ગઇ હતી. ટ્રેલરનો ડ્રાઇવર અકસ્માતના પગલે ભાગી ગયો હતો. આ ટ્રેલર અમદાવાદની હતી. જ્યારે ટ્રકના ડ્રાઇવરને નજીવી ઇજાઓ પણ થઇ ન હતી. બસમાં વિવિધ ગામના ચાર જાનૈયાઓ હતા.

અકસ્માતમાં 10થી વધુ લોકોના પગ ભાંગ્યા
આ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા આકાશ ચૌધરીએ જણાવ્યું કે, બસની ઝડપ 90 કિમીની આસપાસ હતી. આ દરમિયાન અકસ્માત થતાં બસનો આંચકો એટલો જોરદાર હતો કે, 10થી વધુ લોકોના પગ ભાગી ગયા હતા. એસએસજીમાં તબીબો સમયસર ઉપલબ્ધ ન રહેતા સારવાર શરૂ થઇ શકી ન હતી તેથી દર્દીઓના સગાવહાલાઓ અને મેડિકલ સ્ટાફ વચ્ચે તડાફડી થઇ ગઇ હતી.

ઘાયલ કેસરીબેન માત્ર મોં જ હલાવી શકે છે, બાકીનું શરીર હાલતું નથી
આ અકસ્માતમાં સૌથી વધુ ઘાયલ પાલનપુરના સન્યાણાના કેસરી(કેસી)બેન નરસંગભાઇ ચૌધરી (ઉવ.35) થયા છે. તેઓ ડ્રાઇવરની કેબીનની તુરંત પાછળની ઉપરની કેબીન પર સૂતા હતા. અકસ્માતમાં એટલો મોટો આંચકો આવ્યો કે તેઓના પગે, કમરના ભાગે ઇજા થઇ પણ સાથે જ ગળા પછીનું આખું શરીર હાલતુ જ બંધ થઇ ગયું છે. તેમને સ્પંદન હોસ્પિટલ ખાતે આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં છે. તે સુરત લગ્નની ખરીદી માટેગયા હતા. તેની સાથે બે બાળકો પણ હતા તેમને કશું થયું નથી.

હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઇ

ટ્રેલરની ટક્કરથી કોટન ભરેલી ટ્રકની પાછળ લકઝરી બસ ભટકાતા ટ્રક ડિવાઇડર સાથે ભટકાઇને રોડની બાજુમાં ગટરમાં ઉતરી ગઇ હતી. મોડી રાત્રે બનેલા અકસ્માતના આ બનાવની જાણ હરણી પોલીસને થતાં પી.આઇ. આર.એસ. બારીયા, એ.એસ.આઇ. અરવિંદભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. નેશનલ હાઇવે ઉપર બનેલા આ બનાવને પગલે હાઇવે ઉપરનો ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. હરણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અને ફરાર થઇ ગયેલા કોટન ભરેલ ટ્રકના ચાલક અને ક્લિનરની શોધખોળ હાથ ધરી છે.

X
લકઝરી બસમાં ફસાયેલા મુસાફરોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યાલકઝરી બસમાં ફસાયેલા મુસાફરોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી