વડોદરા / ચાલુ કારે દારૂની મહેફીલ માણી રહેલા ચાલકે એક કારને પાછળથી ટક્કર મારી, કારમાંથી દારૂ-નમકીન મળ્યા

  • અકસ્માત કરનારો કારચાલક અને તેના બે મિત્રો સાથે ચાલુ કારમાં દારૂની મહેફીલ માણતા હતા
  • કારચાલક ગોત્રીનો વિરલ શાહઃ પોલીસ 
  • લોકોએ કારમાં તપાસ કરતા દારૂની બોટલ, દારૂ ભરેલો ગ્લાસ અને નમકીનના પડીકા મળ્યા

Divyabhaskar.com

Dec 03, 2019, 10:34 AM IST

વડોદરાઃ શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત કરનારો કારચાલક અને તેના બે મિત્રો ચાલુ કારમાં દારૂની મહેફીલ માણી રહ્યા હતા. જો કે અકસ્માત થયા બાદ કાર(GJ6LE-4825)માં દારૂની મહેફીલ માણી રહેલા યુવાનો સ્થળ પર કાર મુકી નાસી ગયા હતા. તેમની કારમાંથી કારમાંથી દારૂની બોટલ અને દારૂ ભરેલા ગ્લાસ અને નમકીના પેકેટ્સ મળી આવ્યા હતા.

ભદ્રેશ શાહની કાર પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અથડાઈ
શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપરથી ભદ્રેશભાઇ શાહ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે કારમાં સરદાર એસ્ટેટ ચાર રસ્તા તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે તેમની કાર પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અથડાઈ હતી. ત્યાર બાદ કારમાં બેસેલા ભદ્રેશ શાહ કારમાંથી ઉતરે તે પહેલાં જ કારચાલક અને તેના બે મિત્રો ભાગી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી પરિવારને હેમખેમ બહાર કાઢ્યું હતું. સદભાગ્યે ભદ્રેશભાઇના પરિવારને કોઈ ગંભીર ઇજા પહોંચી ન હતી. હાજર રહેલા લોકોએ કારમાં તપાસ કરતા દારૂની બોટલ, દારૂ ભરેલો ગ્લાસ અને નમકીનના પડીકા મળી આવ્યા હતા.

ગોત્રીમાં તપાસ કરતા કારચાલક વિરલ શાહ ન મળ્યો
આ અંગે બાપોદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ કાર કબજે કરી હતી. તેમજ કાર છોડીને નાસી છૂટેલા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જો કે,પોલીસની પ્રાથમિક તપાસમાં આ કારમાં ગોત્રીનો રહેવાસી વિરલ શાહ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસની તપાસ કરતા બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી અર્જુનસિંહે જણાવ્યું હતું કે, તપાસ માટે પોલીસ ગોત્રી ગઇ હતી. પરંતુ, વિરલ શાહ મળ્યો ન હતો અને કારમાં બે વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. જેની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી