ગોરવા રિફાઈનરી રોડ પર રહેતી ધોરણ 6ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલના સંચાલકોએ બેભાન અવસ્થામાં જ વિદ્યાર્થીનીને રજા આપી દીધી
  • સ્થાનિક ડોક્ટરે ઘરે આવીને વિદ્યાર્થીનીને મૃત જાહેર કરતા પરિવાર ચોંકી ગયું

વડોદરાઃશહેરના ગોરવા રીફાઇનરી રોડ ઉપર નર્મદાનગરમાં રહેતી વિદ્યાર્થીનીએ ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. સ્કૂલમાં ચાલતી પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીનીએ ફાંસો ખાઇ લેવાનું કારણ અકબંધ છે.

ખુશીને હોસ્પિટલેથી રજા અપાઈ
ગોરવા રિફાઇનરી રોડ ઉપર આવેલ નર્મદાનગરમાં રહેતી અને સ્થાનિક સરકારી સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતી ખુશી નાગેશભાઇ દરજી (ઉં.11)એ તા.22 સપ્ટેમ્બરના રોજ ફાંસો ખાઇ લીધો હતો. પરિવારને જાણ થતાં તુરતજ ખુશીને બેભાન અવસ્થામાં વિસ્તારમાં આવેલી ઇશા હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ખુશી ભાનમાં આવતી ન હોવાથી તા.27 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલ દ્વારા પરિવારને ખુશીને ઘરે લઇ જવા માટે રજા આપી દીધી હતી.

આપઘાતનું કારણ અકબંધ
પરિવારજનો ખુશીને ઘરે લઇ ગયા પછી પણ ભાનમાં ન આવતા પરિવારજનોએ સ્થાનિક ડો. મહેશ પટેલને બોલાવ્યા હતા. ડો. મહેશ પટેલે ખુશીને મૃત જાહેર કરતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન પરિવારજનોએ ગોરવા પોલીસને બનાવની જાણ કરતા પોલીસ પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ લાશને પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.આ બનાવની તપાસ કરી રહેલા પોલીસ જવાન નગરસિંગે જણાવ્યું હતું કે, ખુશીની સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી છે. જે દિવસે તેને ફાંસો ખાધો તે દિવસે તેનું વિજ્ઞાનનું પેપર હતું. ખુશીના પરિવારજનોના નિવેદન લીધા છે. પરંતુ, ખુશી ભાનમાં ન હોવાથી તેનું નિવેદન લઇ શકાયું નથી. ખશીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોષ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.