100 કરોડ લોનની લાલચ આપી છેતરપિંડી કરનાર 7 ભેજાબાજો સામે ફરિયાદ નોંધાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભેજાબાજોએ પુત્રોની છોડાવી આપવાની લાલચ આપી દસ્તાવેજો ઉપર સહીઓ કરાવી લીધી
  • ભેજાબાજોએ 600-700 કરોડની મિલકતોના દસ્તાવેજો ઉપર સહીઓ કરાવી લીધી
  • કંપનીના દસ્તાવેજો આઇ.ડી.બી.આઇ. ટ્રસ્ટીશીપ સર્વિસીસ લિ.માં ગીરવે મુકી દીધા

વડોદરાઃજી.એસ.ટી.ની ચોરીમાં ફસાયેલી સાવલી તાલુકાના મંજુસર જી.આઇ.ડી.સી.માં આવેલી મનપસંદ બેવરેજીસ લિમીટેડને રૂપિયા 100 કરોડ લોનની લાલચ આપી છેતરપિંડી કરનાર 7 ભેજાબાજો સામે છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. જી.એસ.ટી. વિભાગ દ્વારા ધરપકડ કરાયેલા બે પુત્રોને બચાવવા માટે કંપનીના માલિક મિત્રના ભરોસે ભેજાબાજોની ચુંગાલમાં ફસાયા હતા.

જીએસટીએ દરોડા પાડ્યાં હતા
યુ.પી.ના ગાજીપુર જિલ્લાના જમાનીયા તાલુકાના કરહીયા ગામના વતની ધીરેન્દ્ર હંસરાજ સિંહની સાવલી તાલુકાના મંજુસર જી.આઇ.ડી.સી.માં મનપસંદ બેવરેજીસ નામની કંપની આવેલી છે. જેમાં ફ્રૂટ-જ્યુસનું ઉત્પાદન કરતા હતા. આ કંપનીમાં તા. 23-5-019ના રોજ જી.એસ.ટી.એ દરોડા પાડ્યા. તે સમયે હાજર માલિકના બે પુત્રો અભિષેકસિંહ અને હર્ષવર્ધનસિંહ તેમજ કંપનીના સીએફ.ઓ. પરેશ ચીમનલાલ ઠક્કર (રહે. સુભાનપુરા, વડોદરા)ની ધરપકડ કરી હતી. તે બાદ જી.એસ.ટી. વિભાગ દ્વારા રૂપિયા 40 કરોડની જી.એસ.ટી. ચોરી અંગે ફરિયાદ દાખલ કરી હતી.
શેરબજારમાં લિસ્ટેડ કંપની રૂપિયા 40 કરોડની જી.એસ.ટી. ચોરીમાં પકડા અન્ય ડિરેક્ટરોએ રાજીનામા આપી દીધા હતા. કંપનીના શેરના ભાવ પણ ગગડી ગયા હતા. જેના પગલે કંપનીને રૂપિયા 1000 કરોડનું નુકશાન થયું હતું. આથી કંપની આર્થિક ભીંસમાં આવી ગઇ હતી. બીજી બાજુ પુત્રોને જેલમાંથી બહાર કઢાવવા માટે તેઓને રૂપિયા 17.77 કરોડ ભરવા કોર્ટે જણાવ્યું હતું. પરંતુ, તેઓ પાસે નાણાંની સુવિધા ન હોવાથી તેઓએ તેમના અંગત મિત્ર વિશાલ સત્યેન્દ્ર સુદ (રહે. હરીયાણા)ને મદદ કરવા માટે જણાવ્યું હતું. મિત્રએ મદદ કરવા માટે વિશ્વાસ આપીને અજય અગ્રવાલ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો.

સહીઓ કરાવી લીધી હતી
દરમિયાન અજય અગ્રવાલે તેઓને ફીનકવીસ્ટ ફાઇનાન્સીયલ સોલ્યુશનમાંથી રૂપિયા 100 કરોડની લોન આપવાની ખાત્રી આપી હતી. તે બાદ ભેજાબાજો ભરત જયંતિ પટેલ (રહે. દિવ્યદર્શન એનએસ રોડ, વીલેપાર્લે, (વેસ્ટ) મુંબઇ) સહિતની ટોળકીએ કંપનીના માલિક ધિરેન્દ્ર સિંહ પાસેથી તેઓની 600-700 કરોડની મિલકતો ઉપર સહિઓ કરાવી લીધી હતી. આ ઉપરાંત તેઓની કંપનીના 42.32 ટકા શેર ટ્રાન્સફર કરાવી લીધા હતા. રૂપિયા 17.77 કરોડ જી.એસ.ટી. વિભાગમાં ભરીને પોતાના બે પુત્રોને જેલમાંથી બહાર કઢાવવા માટે ભેજાબાજોએ જ્યાં સહીઓ કરવાની કહી ત્યાં કંપની માલિકે કરી આપી હતી. 

કંપની પર કબ્જો જમાવી દીધો

સહીઓ થઇ ગયા બાદ ભેજાબાજ ટોળકી મંજુસર ખાતે આવીને કંપની ઉપર કબજો જમાવી દીધો હતો. અને વહીવટ સંભાળી લીધો હતો. બેંકોના વ્યવહાર સુધ્ધા ભેજાબાજોએ પોતાના હાથમાં લઇ લીધા હતા. કંપની માલિકના બેંક એકાઉન્ટમાં પડેલા રૂપિયા 42 લાખ પણ ભેજાબાજોએ ઉપાડી લીધા હતા. કંપનીમાં કબજો જમાવી દીધા પછી કંપની માલિકના પુત્રોને છોડાવવાની વાત તો બાજુ ઉપર રૂપિયા 100 કરોડની લોનમાંથી એકપણ રૂપિયો ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

ભાદરવા પોલીસે તપાસ આદરી
બે પુત્રોને બચાવવા માટે 100 કરોડની લોનની લાલચ આપી છેતરપિંડી કરનાર ભેજાબાજો સામે હાર્દિક ભરત પટેલ (રહે. મુંબઇ), અજય અગ્રવાલ (રહે.602, બોસ્ટન હાઉસ સીનેમેક્સની બાજુમાં, અંધેરી મુંબઇ), વિશાલ ઝરીવાલા (રહે. 602, બોસ્ટન, અંધેરી ઇસ્ટ મુંબઇ), પરાશીવા મુર્તિ બી.એસ. (રહે. 304, રોશન નીલય, પુણે), પવન રાઠી (રહે. એફ, 404, શીખર એપાર્ટમેન્ટ, ગોરવા, વડોદરા) અને વિશાલ સત્યેન્દ્ર સુદ (રહે. બી.902, સેન્ટ્રલ પાર્ક-1, ગોલ્ફ ફોર્સ રોડ, ગુડગાંવ, હરીયાણા) સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભાદરવા પોલીસે ભેજાબાજો સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.