વડોદરામાં RTEની કામગીરી માટે શિક્ષણ સમિતિની 30 સ્કૂલોમાં રિસીવિંગ સેન્ટર શરૂ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આવતીકાલથી RTE માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે

વડોદરાઃ વડોદરા નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ કામગીરી માટે શિક્ષણ સમિતિની શાળાઓમાં રીસિવિંગ સેન્ટરો રદ્દ કરવા માટે માંગણી કરવામાં આવી હતી. જોકે શાસનાધિકારી સાથે સંઘના હોદ્દેદારોની મીટિંગ બાદ આચાર્યોને માત્ર મોનિટરિંગની કામગીરી સોંપવાની સાથે શિક્ષકની સાથે કો-ઓર્ડિનેટર આપવાની તૈયારી દર્શાવતાં વિવાદનો ઉકેલ આવ્યો હતો. હવે આરટીઇની કામગીરી માટે શિક્ષણ સમિતિની 30 સ્કૂલોમાં રીસિવિંગ સેન્ટર શરૂ થશે.

શાસનાધિકારી સાથે સંઘના હોદેદારોની મીટિંગમાં વિવાદ ઉકેલાયો
5મી એપ્રિલથી શરૂ થતી આરટીઇની કામગીરી માટે શિક્ષણ સમિતિની 30 શાળાઓમાં રીસિવિંગ સેન્ટરો શરૂ કરવામાં આવનાર હતા. જોકે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સંઘે રિસીવિંગ સેન્ટરની કામગીરી રદ્દ કરવા માટે રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સહિત ઓનલાઇન દૈનિક હાજરી, વાર્ષિક પરીક્ષાઓનું આયોજન, પેપર લેવા જવાં, ઉત્તરવહી ચકાસણી માટે મોકલવાની કામગીરી, પરિણામો, એલસીની કામગીરી તથા ક્રોસ વેરિફિકેશન સહિતની કામગીરી કરવાની હોય છે. જેના પગલે કામગીરી રદ્દ કરવા માટે રજૂઆત કરાઇ હતી. શાસનાધિકારી સાથે સંઘના હોદેદારોની મીટિંગમાં આચાર્યને મોનિટરિંગની કામગીરી સોંપાઇ હતી અને શાળાના શિક્ષક સહિત અન્ય બીજી શાળાના એક શિક્ષક અને કો-ઓર્ડિનેટરની ટીમ આરટીઇની કામગીરી કરશે તેવું નક્કી કરાયું હતું. નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ વાતનો સ્વીકાર કરાતાં હવે સમિતિની શાળાઓમાં જ રીસિવિંગ સેન્ટર શરૂ કરાશે.

CBSE સ્કૂલોમાં RTEમાં 6 વર્ષની વય ફરજિયાત 
આરટીઇમાં એડમિશન માટે સીબીએસઇ સ્કૂલોમાં પ્રવેશ મર્યાદા 6 વર્ષની કરવામાં આવી છે. 6 વર્ષથી ઓછી વયનાં બાળકોને ફરજિયાતપણે ગુજરાત બોર્ડની સ્કૂલોની પસંદગી જ કરવી પડશે. આ વર્ષે બોર્ડ પસંદગી સાથે જ બાળકના ઉંમરના પુરાવાના આધારે જો બાળકની વય 6 વર્ષથી ઓછી હશે તો પોર્ટલ પર સીબીએસઇની સ્કૂલોનું લિસ્ટ ખૂલશે નહીં. 

RTE માટે હેલ્પલાઇન શરૂ કરાઇ 
આરટીઇમાં પ્રવેશ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. જેમાં વાલીઓને કોઇ જાણકારી મેળવવી હોય તો તે હેલ્પલાઇન પર મીસ કોલ કરશે તો સામેથી ફોન આવશે અને જે પણ માહિતી જોઇતી હશે તે મળી સકશે. પ્રથમ વાર આ પ્રકારના મીસ કોલ વાળી સીસ્ટમ શરૂ કરવામાં આવી છે.