વડોદરાઃ મકરપુરા એસ.ટી.ડેપો પાસેથી યુવતીને શંકાસ્પદ હાલતમાં જાઇને ડ્રાઇવરે મહિલા હેલ્પલાઇન અભયમને જાણ કરાતા ટીમ દોડી આવી હતી. યુવતી ભાષા નહી સમજતાં ડેપોમાં જ કામ કરતા દુભાષિયાને બોલાવી પૂછપરછ કરતાં સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો હતો. કારેલીબાગ એમઆઇજી ફ્લેટમાં બાંગ્લાદેશી સહિત 5 યુવતીઓને રાખી 2 દલાલો દેહ વેપાર કરાવતા હોઇ કારેલીબાગ પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટનો ગુનો નોંધી બંને દલાલોની શોધખોળ હાથ ધરી હતી.
2 યુવતીઓએ દેહ વ્યાપાર કરાવાતો હોવાનું સ્વીકાર્યું
મકરપુરા એસ.ટી. ડેપોથી મળેલી યુવતીની પૂછતાછ કરતાં પોતે બાંગ્લાદેશી હોવાનું કહ્યું હતું. કારેલીબાગ એમઆઇજી ફ્લેટમાં રહેતો વિજય ઉર્ફે બિજેન્દ્ર ઉર્ફે બ્રજેન્દ્ર ઓમપ્રકાશ ગુપ્તા અને અન્ના ઉર્ફે એમટીજ ઉકીલ શેખ ગુજરાત બહારની યુવતીઓને લાવી દેહવેપાર કરાવતા હોવાનું જણાવતાં અભયમની ટીમે કારેલીબાગ અને મહિલા પોલીસને જાણ કરી યુવતીનો સામાન લેવાના બહાને એમઆઇજી ફ્લેટ પહોંચી હતી. મકાનમાંથી અલગ-અલગ રાજ્યની અન્ય ૪ યુવતી મળી આવી હતી. જે પૈકી ૨ યુવતીએ દલાલો દેહ વેપાર કરાવતા હોવાની વાતને સમર્થન આપ્યું હતું જ્યારે અન્ય ૨ યુવતીએ સ્પષ્ટતા કરી ન હતી. પોલીસે યુવતીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન શરૂ કર્યુ હતું. બીજી તરફ વિજય ઉર્ફે બિજેન્દ્ર અને અન્ના વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
વિજયે ભાડા કરારમાં યુવતી પત્ની હોવાનું દર્શાવ્યું હતુ
કારેલીબાગ એમ.આઇ.જી ફ્લેટ સ્થિત ભાડાના મકાનની પોલીસે તપાસ કરતાં વિજય ઉર્ફે બિજેન્દ્રે ભાડા કરાર કરેલો હતો. આ કરારમાં યુવતીને તેની પત્ની તરીકે દર્શાવી હતી. બિજેન્દ્ર અગાઉ છાણી ટીપી ૧૩માં સાડીના વેપારની આડમાં પણ દેહ વેપાર કરાવતા પકડાયો હોવાની વિગતો મળતા કારેલીબાગ પોલીસે તેની વિગતો મેળવવા કવાયત હાથ ધરી છે.
યુવતી બાંગ્લાદેશી હોવાનું સ્પષ્ટ થશે તો તેને ડીપોર્ટ કરાશે
મકરપુરા ડેપોથી મળેલી યુવતી બાંગ્લાદેશી હોવાનું બહાર આવતા સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીઓ તેની પૂછપરછ કરશે. તપાસમાં યુવતી બાંગ્લાદેશી હોવાનું સ્પષ્ટ થશે તો સંબંધિત વિભાગને જાણ કરી તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત યુવતી બાંગ્લાદેશથી અહી કેવી રીતે આવી તે દિશામાં પણ તપાસ થશે, તેમ કારેલીબાગ પીઆઇ આર.એ. જાડેજાએ જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.