તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા બેઠક પર 1951ની પ્રથમ ચૂંટણીમાં અપક્ષે મેદાન માર્યું હતું, વર્ષો સુધી કોંગ્રેસ પછી ભાજપ સત્તામાં આવ્યું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતની રચના પહેલા બે વાર વડોદરા બેઠક માટે ચૂંટણી થઇ હતી 
  • 1996માં કોંગ્રેસના સત્યજીત ગાયકવાડ 17 મતથી જીત્યા હતા   

વડોદરાઃ લોકસભાની વડોદરા બેઠકની પહેલી ચૂંટણી 1951માં યોજાઇ હતી અને મુંબઇ સ્ટેટની વડોદરા વેસ્ટ બેઠકની પહેલી ચૂંટણીમાં સંસદ સભ્ય તરીકે અપક્ષ ઉમેદવારે મેદાન માર્યુ હતુ. તેવી જ રીતે, કોંગ્રેસની જીતનુ ખાતુ પહેલી વખત 1957માં અને ભાજપનુ ખાતુ 1991ની ચૂંટણીમાં ખુલ્યું હતું. વડોદરા બેઠક માટે 1951માં પહેલી વખત ચૂંટણી યોજાઇ હતી અને તેમાં કુલ 3.80 લાખ મતદારો પૈકી 52.95 ટકા મતદારોએ મતદાન કર્યુ હતુ. આ ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા અને તેમાં સૌથી 91419 મત સાથે અપક્ષ ઇન્દુભાઇ ભાઇલાલભાઇ અમીન વડોદરાના પહેલા સાંસદ ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં સોશિયાલિસ્ટ પક્ષના હરિ રામચંદ્ર ગોખલેને 55595 મત મળ્યા હતા. પહેલી ચૂંટણીમાં કુલ મતદાનના 45.37 ટકા મતો વિજેતા ઉમેદવાર ઇન્દુભાઇ અમીનને અને હરીફ ઉમેદવાર હરિ ગોખલેને 27.59 ટકા મત મળ્યા હતા. જ્યારે ત્રીજા ઉમેદવાર ભાઇલાલભાઇ પટેલ(કૃષિકાર લોકપક્ષ)ને 54495(27.04 ટકા) મતો મળ્યા હતા.આમ, અપક્ષ ઉમેદવારનો 35824 મતોની સરસાઇથી વિજય થયો હતો.

બીજી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ફતેસિંહરાવ ગાયકવાડ જીત્યા
1957માં યોજાયેલી બીજી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજવી પરિવારના મોભી ફતેસિંહરાવ ગાયકવાડે ઉમેદવારી નોંધાવી હતી અને તેમની સામે એકમાત્ર અપક્ષ ઉમેદવાર તરીકે પશાભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ફતેસિંહરાવ ગાયકવાડને સૌથી વધુ 1,51,461(63.3 ટકા) મત મળતાં તેમને સાંસદ તરીકે ચૂંટાયેલા જાહેર થયા હતા. જ્યારે હરીફ પશાભાઇ પટેલને 87815 (36.7 ટકા) મત મળતાં ફતેસિંહરાવ ગાયકવાડનો 63,646 મતોથી વિજય થયો હતો. 

કોંગ્રેસની યાત્રાને 1967માં બ્રેક વાગી હતી
1957થી શરૂ થયેલી કોંગ્રેસની જીતની યાત્રા 1962માં ચાલુ રહી હતી પરંતુ કોંગ્રેસની યાત્રાને 1967માં બ્રેક વાગી હતી અને સ્વતંત્ર પક્ષના પશાભાઇ પટેલે કોંગ્રેસના નાનાલાલ ચોકસીને 22319 મતોથી હાર આપી હતી. જોકે, 1971માં સંસ્થા કોંગ્રેસ તરફથી અને 1977માં ઇન્દિરા કોંગ્રેસ તરફથી ફતેસિંહરાવ ગાયકવાડે ફરીથી સાંસદમાં પ્રવેશ મેળવ્યો હતો. કોંગ્રેસની જીત 1980 અને 1984માં રણજીતસિંહ ગાયકવાડે ચાલુ રાખી હતી. જોકે, 1989માં જનતાદળના પ્રકાશ બ્રહ્મભટ્ટે(કોકો)એ તો 1991માં ભાજપના દિપીકા ચીખલિયાએ કોંગ્રેસના રણજીતસિંહ ગાયકવાડને હાર આપી હતી. અલબત્ત, 1996માં કોંગ્રેસના સત્યજીત ગાયકવાડે ભાજપના જીતુ સુખડિયાને માત્ર 17 મતોની સરસાઇથી હાર આપી હતી. આ ચૂંટણીમાં સત્યજીત ગાયકવાડને 1,31,248 તો જીતુ સુખડિયાને 1,31,231 મતો મળ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...