તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સયાજી હોસ્પિટલમાં પેટમાં કાણાં વાળી બાળકીને જન્મ આપ્યા બાદ માતા ફરાર, બાળકીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂકમણી ચૈનાની પ્રસૂતિગૃહ - Divya Bhaskar
રૂકમણી ચૈનાની પ્રસૂતિગૃહ
  • માતાનું સરનામુ અને મોબાઇલ નંબર ખોટા લખાવ્યા હોવાની ડોક્ટર્સને શંકા
  • પરિવારના અભાવે બાળકીની સર્જરી ન થઇ શકી  

વડોદરા: સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિગૃહમાં પેટમાં કાણું અને નાનું આંતરડું બહાર હોવા સાથે જન્મેલી બાળકીએ 38 કલાકમાં જ દમ તોડી નાખ્યો હતો. જન્મના બીજા દિવસે બાળકીના ઓપરેશનનો ડોક્ટરે સમય આપતા નિર્દય માતા વોર્ડ શિફ્ટીંગના બહાને બાળકીને તરછોડી ફરાર થઇ ગઇ હતી. પરિવારના અભાવે ડોક્ટર બાળકીનું એપરેશન નહીં કરી શકતા બાળકીનો શ્વાસ રૂંધાઇ ગયો હતો. 

બાળકીનો નાના આંતરડાનો ભાગ બહાર નીકળેલો હતો
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિગૃહમાં છાણી ટીપી-13માં રહેતા પ્રવિણાબેન સુનિલભાઈ માળીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ સમયે જ બાળકીના પેટના ભાગે કાણું હતું અને નાના આંતરડાનો ભાગ બહાર નીકળેલો હતો. તેને તાત્કાલિક લોહી આપવું પડ્યું હતું. સર્જરીના તબીબોનો અભિપ્રાય લઇ વહેલી તકે ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ હતી. ડોક્ટરે માતાને વોર્ડમાં શીફ્ટ કરી નવજાત બાળકીની બેબી રૂમમાં સારવાર શરૂ કરી હતી. બાળકીને સર્જરી માટે લઇ જવાઇ હતી. પરંતુ ઓપરેશન થિયેટરમાં બીજી સર્જરી ચાલતી હોવાથી તેની સર્જરી માટે મંગળવારે બપોરે 4.30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ આ સમયે પરિવારને બેબીરૂમમાં આવવા જણાવ્યું હતું.

બાળકીને તરછોડનાર માતા સામે ગુનો નોંધાયો 
પરિવારના સભ્યો બપોરે 4.30 વાગ્યે આવતા બેબી રૂમના તબીબોએ 10 મિનિટ બાદ સર્જરી માટે ઓપરેશન થિયેટર પાસે આવવાનું કહ્યું હતું. આ સમયે નિર્દયી માતા અને પરિવારના સભ્યો હોસ્પિટલના વોર્ડમાં આસપાસના લોકોને બીજા વોર્ડમાં શિફ્ટીંગ કર્યા છે, તેમ કહી નવજાત દીકરીને બેબીરૂમમાં જ તરછોડીને રફૂચક્કર થઇ ગયા હતાં. ડોક્ટરોએ 4:50 કલાકે બાળકીની સર્જરી પરિવારની તપાસ કરતા માતા સહિત કોઇ મળ્યું ન હતું. પરિવારના અભાવે ડોક્ટરો બાળકીની સર્જરી કરી શક્યા ન હતા. આખરે બુધવારે સવારે 5.30 વાગ્યે બાળકીએ દમ તોડી નાખ્યો હતો. માતા વિરૂદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. 

પિતાના નંબર પર કોલ કરતા મોબાઇલ સ્વીચ ઓફ હતો
ડોક્ટર્સના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવેલી માતાનું સરનામુ અને મોબાઇલ નંબર ખોટા લખાવ્યા હોવાની શંકા છે. બાળકીનો જન્મ થયો ત્યારે લોહી માટે પિતાના નંબર પર કોલ કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. પરિવાર મોટાભાગે મરાઠીમાં અને ડભોઇ વિસ્તારની વાતચીત કરતો હોવાથી તેઓ છાણી જકાત નાકા વિસ્તારના નહીં હોવાનું પણ લાગી રહ્યું છે.