તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17 લાખ પડાવી લેવા વહુએ 2 લાખની સોપારી આપીને સાસુની હત્યા કરાવી હતી, 4ની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક કેસરબાઇની ફાઇલ તસવીર અને ઝડપાયેલા 4 આરોપીઓ - Divya Bhaskar
મૃતક કેસરબાઇની ફાઇલ તસવીર અને ઝડપાયેલા 4 આરોપીઓ
  • કેસરની હત્યા બાદ કપડાં અને બેગ તાપી નદીમાં ફેંકી દીધા હતા 
  • હત્યા બાદ દિનેશ અને અનુએ દમણમાં દારૂ પીને ઉજવણી કરી હતી  

વડોદરાઃ વાઘોડિયામાં 7-8 વર્ષ પહેલા થયેલી હત્યાની વાત મારા મિત્રને ખબર છે, તેવી આછડતી મળેલી વાત પર પીસીબી પીઆઇ કાનમિયાએ દોઢ મહિના સુધી વર્કઆઉટ કરતા પાંચમી વ્યક્તિએ મારી પાસે સોપારી આવી હતી, મેં ના પાડી એટલે બીજા લોકોએ ફોડી કહી કાચોચિઠ્ઠો ખોલતા રવાલ ગામે 10 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે દારૂની પૂછતાછ માટે મહિલા સહિત 4 જણનું ઇન્ટ્રોગેશન કરતાં કિર્તીસ્તંભ પાસે ચાઇનીઝની લારી ચલાવતી મહિલાએ દીકરીઓને દેહવેપારમાં ધકેલવા માગતી સાસુની 2 લાખની સોપારી આપી હત્યા કરાવી 9.50 લાખ અને સોનાના દાગીના લૂંટી લીધાનો ઘટસ્ફોટ થયો હતો. 

એડવાન્સ પેટે રૂા. 25 હજાર આપ્યા હતાં
કિર્તીસ્તંભ પાસે વર્ષ 2009માં ચાઇનીઝની લારી ચલાવતી અનુ પેમ્બાસિંગ તીબેટીયનને દિનેશ શર્મા સાથે પ્રેમસંબંધ હતાં. અનુની પૂનામાં રહેતી સાસુ કેસરબાઇ દેહવેપાર સાથે સંકળાયેલી હતી. સાસુનું મકાન તૂટતા રૂા. 20 લાખ લઇ અનુ પાસે આવી માંજલપુર ઓમ બંગલોમાં રહેતી હતી. સાસુએ અનુને તેની 2 દીકરીઓને દેહવેપારમાં લઇ જવા દબાણ કરી બાકી રહેલા 17 લાખ લઇ પરત પૂના જવાની ચીમકી આપી હતી. લાલચમાં આવી ગયેલી અનુએ પ્રેમી દિનેશને કહી સાસુ કેસરની હત્યા કરવા કિશોર તારાચંદ કહાર, મુકેશ કાળીદાસ કહાર, વિજય ઉર્ફે હનુમાન રવિ પટેલ અને પરેશ ઉર્ફે પિન્ટુ પરમારને રૂા. 2 લાખમાં હત્યાની સોપારી આપી હતી અને એડવાન્સ પેટે રૂા. 25 હજાર આપ્યા હતાં. 

મહિલા સહિત 4 ની ધરપકડ, એકે વર્ષ પહેલાં આપઘાત કર્યો હતો 
જૂન 2009માં સાસુ કેસરને દિનેશની સફારી કારમાં પૂના મૂકવા જવાનું કહી અનુ નીકળી હતી. મુકેશ કારમાં સાથે હતો જ્યારે બાકીના ત્રણ પાછળ બાઇક પર આવતા હતાં. કપુરાઇ પાસે અનુ કામના બહાને કારમાંથી ઉતરી ગઇ હતી જ્યારે દિનેશે કાર રવાલની સીમમાં લઇ ગયા બાદ કેસરને નીચે ઉતારી ખેતરમાં લઇ ગયા હતાં. પિન્ટુ અને હનુમાને હાથ-પગ પકડી રાખ્યા હતા જ્યારે દિનેશ અને કિશોરે મોઢુ દબાવી ચપ્પુ ગળા પર ફેરવી હત્યા કરી હતી. કેસરના રૂા. 9.50 લાખ રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી હતી. સાસુની હત્યા બાદ અનુ અને પ્રેમી દિનેશ દમણની હોટલ બ્રિસ્ટોનમાં 3 દિવસ રહી દારૂ પી ઉજવણી કરી હતી. પોલીસે મહિલા સહિત 4 ની ધરપકડ કરી છે, એક શખ્સે આપઘાત કરી લીધો છે જ્યારે અન્ય એકની હાલ જેલમાં છે. 

કયા હત્યારાનો શું રોલ હતો ?  
1- મુકેશ કાળીદાસ કહાર
કિર્તીસ્તંભ પાસે રાજસ્થાન ભેલ નામની લારી ચલાવે છે. 4 વર્ષ પહેલા મકરપુરા પોલીસમાં પીધેલાના કેસમાં પકડાયો હતો, દિનેશનો 20 વર્ષથી મિત્ર છે. 
શું રોલ : કેસરની સોપારીમાં માસિયાઇ ભાઇ કિશોરને સામેલ કર્યો. મર્ડરની જગ્યા નક્કી કરવાથી લઇ સોપારીની રકમની વહેંચણી તેના શીરે હતી. તેને રૂા.1.85 લાખ મળ્યા હતાં. 
2-અનુ પેમ્બાસિંગ તિબેટીયન 
મસૂરીની અનુએ ત્યાંના જ પેમ્બાસિંગ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. સાસુ કેસર પૂનામાં રહેતી અને દેહવેપાર સાથે સંકળાયેલી હતી. પતિ દારૂની લતે ચઢી જતાં અનુ તેને લઇ વડોદરા હાથીપોળમાં રહેતી અને કિર્તીસ્તંભ પાસે ચાઇનીઝની લારી ચાલવતી હતી. ગોધરાકાંડ સમયે પરત પૂના ગયા હતાં જ્યાં ત્રણ સંતાન થયા બાદ 12 વર્ષ પહેલા પતિ તેને તરછોડી અન્ય યુવતી સાથે જતો રહ્યો હતો. 2 વર્ષ પછી અનુ પરત વડોદરા આવી લારી ચલાવતી હતી. દિનેશ સાથે પ્રેમસંબંધ બંધાતા ખંડેરાવ માર્કેટ વ્રજસિદ્ધી ટાવરમાં દુકાન વેચાણ રાખી ભાડે આપી દીધી હતી. 
શું રોલ ? : સાસુ કેસરબાઇ દીકરીઓને દેહવેપારના ધંધામાં ન ધકેલે તેમજ તેની પાસેના રૂા.17 લાખ અને દાગીના લઇ પરત પૂના ન જાય તે માટે અનુએ પ્રેમી દિનેશ સાથે મળી 2 લાખમાં હત્યાની સોપારી આપી હતી.હત્યા બાદ પ્રેમી દિનેશ સાથે દમણની હોટલમાં 3 દિવસ રોકાઇ હતી. તેના ભાગે રૂા. 5 લાખ આવ્યા હતાં. 
3-દિનેશ ગીરીરાજ શર્મા 
મથુરામાં જન્મ બાદ 5 વર્ષનો થયો એટલે વડોદરા આવ્યો. હરણીની લાલબહાદુર સ્કૂલમાં ધો. 12 બાદ મ.સ.યુનિમાં એસ.વાય સુધીનો અભ્યાસ. કિર્તીસ્તંભ પાસે શર્મા ભેલની લારી ચલાવતો હતો. તેને ત્રણ પત્ની અને ત્રણ પ્રેમિકા છે. 
શં રોલ ? : પ્રેમિકા અનુ સાથે મુકેશ અને કિશોરના ઘરે જઇ હત્યાનો પ્લાન બનાવ્યો. પોતાની કારમાં લઇ જઇ સોપારી કિલરોની મદદથી હત્યા કરી પુરાવાનો નાશ કર્યો. હત્યા બાદ તેના ભાગે રૂા. 1.50 લાખ આવ્યા હતાં. 
4-કિશોર તારકચંદ કહાર 
ધો.8 સુધી ભણેલો છે અને કલરકામની છૂટક મજૂરી કરે છે. તેના વિરૂદ્ધ પાણીગેટમાં દારૂ પીધેલાના 2 અને દારૂ રાખવાનો એક ગુનો નોંધાયો છે. 
શું રોલ : હત્યાની મિટીંગ કિશોરના ઘરની બાજુમાં આવેલા લીમડાના ઝાડ નીચે કરી હતી. તેેણે કેસરને પકડી રાખી હતી. હત્યા બાદ શરીર પરથી દાગીના ઉતાર્યા હતાં. સોપારીના રૂા. 60 હજાર તેમજ બીજા રૂા. 1 લાખ મળ્યા હતાં. સોનાના દાગીના પણ ભાગમાં આવ્યા હતાં. 
5-વિજય ઉર્ફે હનુમાન રવિ પટેલ 
અગાઉ દેશી દારૂની ખેપ મારતો હતો. તેના વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 8 મહિના પહેલા ઘર કંકાસના કારણે આપઘાત કરી લીધો હતો. 
શું રોલ : કિશોરનો ખાસ મિત્ર છે. હત્યાની મિટીંગમાં સામેલ હતો. કેસરબાઇને પકડી રાખવામાં મદદ કરી હતી. તેના ભાગે રૂા. 70 હજાર આવ્યા હતા. 
6-પરેશ ઉર્ફે પિન્ટુ પરમાર 
અગાઉ મારામારી તેમજ અન્ય ગુનાઓ નોંધાયેલા છે. તેને પાસા અને તડીપાર પણ કરાયો હતો. જૂના વોરન્ટના કામે હાલ તે જેલમાં છે. 
શું રોલ: કિશોર સાથે રહીને દારૂની ખેપ મારતો હતો. હત્યા સમયે કેસરબાઇના પગ પકડી રાખ‌વામાં તેમજ દાગીના ઉતરવામાં મદદ કરી હતી. તેના ભાગે 85 હજાર અને દાગીના આવ્યા હતા. 

અનુના પતિની નેપાળમાં ધરપકડ થઇ હતી 
અનુનો પતિ પેમ્બાસિંગ તીબેટીયન દારૂની લતે ચઢી ગયો હતો. તે 12 વર્ષ પહેલા અનુને છોડી બીજી યુવતી સાથે જતો રહ્યો હતો. નેપાળમાં ગંભીર ગુનામાં તેની ધરપકડ થઇ હતી અને નેપાળમાં જ મૃત્યુ પામ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. 

4 અનડિટેક્ટ મર્ડરની કાનમિયા તપાસ કરશે 
વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષમાં છાણી, ફતેગંજ, મકરપુરા અને આજવા રોડ પર હત્યાના 4 બનાવો અનડીટેક્ટ રહ્યા હતાં. વાઘોડિયાની હત્યાનો ભેદ ઉકેલ્યા બાદ મહિલા હત્યા કરી લાશના ટુકડા કરી ફેંકી દેવાની ચકચારી ઘટના સહિતના બનાવોની તપાસનું કાનમિયાએ વર્કઆઉટ શરૂ કર્યું છે.