તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા બેઠક પર પાંચમી વખત મહિલા અને પુરુષ ઉમેદવાર વચ્ચે જંગ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે પ્રથમ મહિલા ઉમેદવાર તરીકે દિપીકા ચિખલીયાને મૂક્યા હતા
  • આ વખતે ભાજપે રંજનબહેન ભટ્ટને રિપીટ કર્યાં છે

વડોદરા: લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો પહેલો તબક્કો પૂરો થઇ ગયો છે. વડોદરા બેઠક પર ભાજપે વધુ એક વખત મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યાં છે, જ્યારે કોંગ્રેસ પક્ષે પુરુષ ઉમેદવાર પર પસંદગી ઉતારી છે. વડોદરા લોકસભા બેઠકની અગાઉની અને આ વખતની ચૂંટણીનું વિશ્લેષણ કરીએ તો આ બેઠક પર પાંચમી વખત ભાજપના મહિલા અને કોંગ્રેસના પુરુષ ઉમેદવાર વચ્ચે જંગ જામશે. રસપ્રદ માહિતી એ છે કે, અત્યાર સુધી 4 વખત આ બેઠક પર મહિલા અને પુરુષ ઉમેદવારો વચ્ચે થયેલા જંગમાં ચારેય વખત જીત મેળવી ભાજપની મહિલા ઉમેદવારોની બોલબાલા રહી હતી. 

કોંગ્રેસે માત્ર એક જ વખત મહિલાને ટિકિટ આપી
લોકસભાની 15 ચૂંટણી અત્યાર સુધી યોજાઇ ચૂકી છે. આ ચૂંટણીમાં વડોદરા બેઠકના ઉમેદવારોની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો મહત્તમ સંખ્યામાં ચૂંટાયા છે. પરંતુ મહિલા સશક્તિકરણની અને 33 ટકા મહિલા અનામતની વાત કરતા હોઇએ, ત્યારે વડોદરા બેઠક પર મહિલાઓને ટિકિટ આપવામાં ભાજપ મોખરે રહ્યું છે. ભાજપે 1991 માં દિપીકા ચિખલીયા, 1998, 1999 અને 2004 માં જયાબહેન ઠક્કરને ઉમેદવાર બનાવ્યાં હતાં. તેમજ 2014(પેટા ચૂંટણી) અને હવે 2019 ની ચૂંટણીમાં રંજનબહેન ભટ્ટ પર પસંદગી ઉતારી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષે માત્ર એક જ વખત 1999માં ડૉ.ઊર્મિલાબહેન પટેલને ટિકિટ આપી ચૂંટણી લડાવી હતી. 

મહિલા ઉમેદવાર રંજનબહેન ભટ્ટ સામે પ્રશાંત પટેલ લડશે
વડોદરા બેઠકની 2019 ની ચૂંટણીમાં ભાજપ તરફે રિપિટ કરાયેલાં સાંસદ રંજનબહેન ભટ્ટ બીજી વખત પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી પ્રશાંત પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ સાથે વડોદરા બેઠક પર પાંચમી વખત મહિલા અને પુરુષ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. 

મહિલા ઉમેદવારોએ દરેક વખતે ભાજપને જીત અપાવી
વડોદરા બેઠક પર અગાઉ 1991 ની ચૂંટણીમાં ભાજપના દિપીકા ચિખલીયા અને કોંગ્રેસના રણજિતસિંહ ગાયકવાડ, 1998 અને 2004 ની ચૂંટણીમાં ભાજપનાં જયાબહેન ઠક્કર અને કોંગ્રેસના સત્યજિત ગાયકવાડ તેમજ 2014 ની પેટાચૂંટણીમાં ભાજપનાં રંજનબહેન ભટ્ટ અને કોંગ્રેસના નરેન્દ્ર રાવત વચ્ચે જંગ જામ્યો હતો. આ તમામ ચૂંટણી ભાજપની મહિલા ઉમેદવારોએ જીતી હતી. જ્યારે 1999ની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો ભાજપનાં જયાબહેન ઠક્કર અને કોંગ્રેસનાં ડૉ.ઊર્મિલાબહેન પટેલ વચ્ચે ટક્કર થઇ હતી. આ ચૂંટણીમાં પણ ભાજપનો હાથ ઉપર રહ્યો હતો.