સયાજી હોસ્પિટલમાં 119 વર્ષના વયોવૃદ્ધની થાપાની સર્જરી આટલી ઉંમરે બીપી-ઇસીજી નોર્મલ જોઇ તબીબો અચંબામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓપરેશન કરાવનાર 119 વર્ષીય જબરાભાઇ રેવલાભાઇ રાઠવ - Divya Bhaskar
ઓપરેશન કરાવનાર 119 વર્ષીય જબરાભાઇ રેવલાભાઇ રાઠવ
  • જે ઓપરેશનના રૂ.1.5 લાખ જેટલો ખર્ચ થાય તે સયાજી હોસ્પિટલમાં મફત થયું

વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં શનિવારે 119 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિના તૂટેલા થાપાનું ઓપરેશન કરાયું  હતું. હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌથી વધુ વ્યક્તિનું ઓપરેશન છે. હાલમાં આ વયોવૃદ્ધ દર્દીની હાલત સામાન્ય છે. મૂળે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના નાનાવાંટામાં રહેતા જબરાભાઇ રેવલાભાઇ રાઠવા ગત શુક્રવારે ઘરે સવારે ખાટલા પરથી અચાનક પડી ગયા હતા. વય વધુ હવાથી પડતા વેંત તેમનો ડાબો  થાપો તૂટી ગયો હતો. તેમના પરિવારજનો તેમને સારવાર માટે કવાંટ સીએચસી લઇ ગયા હતા પણ ઉમર વધુ હોવાથી તેમને સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબો ડો. વી.એચ. ચાવલીના વડપણ હેઠળ ડો. ધનજી ચૌધરી અને ડો. પ્રભુ ચૌધરીએ ઓપરેશન કર્યું હતું.

બળદે શિંગડુ મારતા થાપે ઇજા થઈ હતી
આ વિશે વાત કરતા ડો. વી.એચ. ચાવલીએ જણાવ્યું કે, ‘ઓપરેશનલ જટિલ ન હતું પણ પડકારજનક હતું. પ્રોક્સિમલ ફિમોરલ નૈલી નામના હાડકામાં ક્રેક હતી. તેમનું ઓપરેશન સરળ હતું પણ વય મોટો પડકાર હતો. જોકે તેમના બ્લડપ્રેશરથી માંડીને ઇસીજી સહિતના તમામ રિપોર્ટ સામાન્ય આવતાં અમે ઓપરેશન હાથ ધર્યું હતું અને તે પણ સફળ નીવડ્યું હતું.  જબરાભાઇને 20 વર્ષ પહેલા પણ બળદે શિંગડું મારતા તેમના થાપાના ભાગે ઇજા થઇ હતી. 

રોજ 4 વાગે  ઊઠવાનું, બીડી, દારૂ અડક્યા નથ
જબરાભાઇ વિશે તેમના દોહિત્ર ઇશ્વરભાઇએ જણાવ્યું કે, જબરાભાઇ મકાઇના રોટલો અને શાક ખાતા હતા. આ ઉપરાંત ઘરમાં બનાવેલા ઘીના શોખીન છે. જોકે છેલ્લા 20 વર્ષથી દાંત પડી ગયા હોવાથી અડદની દાળના ઢેબરાં, ઘંઉના લોટના ભજિયા અને ભાત દૂધ અને ઘીમાં નાખીને નિયમિતપણે ખાય છે. બીડી, સિગરેટ કે દારૂનું તેમને જ નહીં પરિવારમાં પણ કોઇને વ્યસન નથી. આ ઉપરાંત સવારે 4 વાગ્યે નિયમિતપણે ઊઠીને ઘરની બહાર ખાટલામાં આરામ ફરમાવે છે, કોઇ આવે તો વાતચીત પણ કરે છે. બપોરે 12 વાગ્યાના સુમારે જમે છે. જ્યારે બપોરના 4 વાગ્યે તેઓ ઘરના અંદરના ભાગમાં જઇને થોડું જમીને સૂઇ જાય છે. રાત્રે પંદરેક મિનિટ માટે ઊઠીને ભોજન લઇને તુરંત જ આરામ ફરમાવે છે. જબરાભાઇ નાનાવાટના 20 વર્ષ સુધી સરપંચ રહ્યાં અને 100 વર્ષના હતા ત્યાં સુધી વાંસળી વગાડતા.

અન્ય સમાચારો પણ છે...