તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્નીના પ્રેમીએ મિત્ર સાથે મળી પતિની હત્યા કરી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્ટોબરમાં યુવકનું અકસ્માતમાં મોત થયાનું નોંધાયું હતું મૃતકની કૉલ ડિટેઇલ્સે હત્યા થયાનો 2 મહિને ઘટસ્ફોટ કર્યો
  • કઠલાલના યુવકનો માથું છુંદાયેલી હાલતમાં મૃતદેહ ભાટેરા બસ સ્ટેન્ડ પાસેથી મળી આવ્યો હતો

નડિયાદ, કઠલાલ : કઠલાલના ભાટેરા બસ સ્ટેન્ડ પાસે મુખ્ય રસ્તા પરથી 2 મહિના પહેલાં માથું છુંદાઈ ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક નજરે ઘટના માર્ગ અકસ્માતની ગણાઈ હતી. જોકે, પોલીસ તપાસમાં આ મામલો હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થતાં તપાસનો ધમધણાટ શરૂ થયો હતો. ટૅક્નિકલ તપાસ બાદ પોલીસે સગીર સહિત 3ની અટકાયત કરી છે. ત્રણેયની પૂછપરછમાં મૃત યુવકની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાથી હત્યાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું હતું. તપાસમાં મહત્ત્વની બાબત એ છે કે યુવકના મૃત્યુને લઈને પરિવારજનોએ જ આશંકા વ્યક્ત કરી હતી. 

પરિવારે મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી
કઠલાલમાં રહેતા 28 વર્ષીય સંજયભાઈ વિષ્ણુભાઈ પરમાર (રહે. પોરડા (ભા) મહારાજવાળું ફળિયું)નાં લગ્ન ભાદરણની બિનલબહેન સાથે 4 વર્ષ પહેલાં થયાં હતાં. તેમને 1 પુત્રી હતી. 6 ઓક્ટોબરે ભાટેરા બસ સ્ટેન્ડ પાસે સંજયભાઈનો મૃતદેહ માથું છુંદાયેલી હાલતમાં મળ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ વાહનની ટક્કરે મોત થયાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું પરંતુ પરિવારે આશંકા વ્યક્ત કરતાં પોલીસે સંજયભાઈનો કૉલ ડિટેઇલ રિપોર્ટ (સીડીઆર) કઢાવ્યો હતો, જેના આધારે આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે સંજયભાઈની હત્યામાં સંડોવાયેલા એક સગીર ઉપરાંત વિષ્ણુ પ્રતાપભાઈ ચૌહાણ તથા સુનિલ ઉર્ફે શંભુ સુરેશભાઈ ઝાલા (બંને રહે. ભાદરણ, તા. બોરસદ)ની અટક કરી હતી. વિષ્ણુ અને સુનીલે હત્યાના આગલા દિવસે પણ સંજયભાઈને બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સંજયભાઈ સગીર સાથે ન આવતાં કાવતરું નિષ્ફળ ગયું હતું અને બીજે દિવસે ચાલુ ગરબામાંથી સગીર સંજયભાઈને લઈ ગયો હતો.

સંજય ભાટેરાથી 7 કિલોમીટર દૂર કેવી રીતે પહોંચ્યો?
હત્યાની રાત્રે સંજય ગામના જ ડાયરામાં પાણી વેચવા ગયો હતો. બીજા દિવસે તેની લાશ 7 કિલોમીટર દૂર મળી હતી. આથી, સંજયના કૌટુંબિક કાકા અભેસિંહ પરમારે પોલીસ સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સંજય કોઈ વાહનનો ઉપયોગ કરતો નહોતો, તો પછી તે પોરડાથી 7 કિલોમીટર દૂર કેવી રીતે પહોંચ્યો? આ પ્રશ્નનો ઉત્તર શોધવા પરિવારે કૉલ ડિટેઇલ કઢાવવા માગણી કરી હતી. સંજયના મોબાઇલ લોકેશનમાં રાત્રે 12 વાગે ડાકોર રોડ, 12-30 આંત્રોલી અને 1-30 વાગે કઠલાલ-નડિયાદ હાઈ-વે પુલનું લોકેશન મળ્યું હતું. બાદમાં 2-30 વાગે ભાનેરનું લોકેશન અને 10 મિનિટમાં મહુધાનું લોકેશન બતાવ્યું હતું. 3.01 મિનિટ સુધી ફોન ચાલુ હતો. બાદમાં સ્વિચ ઑફ થઈ ગયો. આ ડિટેઇલના આધારે પોલીસને ગુનો ઉકેલવામાં સફળતા મળી. ઉપરાંત હત્યાના આગલા દિવસે પણ સંજયને કરોલીથી કઠલાલ બોલાવ્યો હતો પરંતુ તે અન્ય બે મિત્ર સાથે કઠલાલ જતાં પ્લાન નિષ્ફળ ગયો હતો.

ચાલાક વિષ્ણુએ પોતાના મોબાઇલનો ઉપયોગ કર્યો નહોતો
સંજયની હત્યા કરવા માટે ચાલાક વિષ્ણુએ સગીરના મોબાઇલનો જ ઉપયોગ કર્યો હતો. સંજયની પત્ની પિયર જતી રહી હતી. તે સમયે સંજય પણ ત્યાં રહેવા ગયો હતો. આ દિવસો દરમિયાન તેને સગીર સાથે પરિચય થયો અને મિત્રતા બંધાઈ હતી. આ બાબતનો વિષ્ણુ-સુનિલે ભરપૂર ઉપયોગ કર્યો હતો.

સિમ કાર્ડ પણ બીજાના નામનું હતું
સગીરના મોબાઇલ પરથી વારંવાર સંજય પરમારને કૉલ્સ આવતા હતા. હત્યાના દિવસે પણ 3-4 વખત સગીરે કૉલ્સ કર્યા હતા. જોકે, હત્યા બાદ નંબર બંધ કરી દીધો હતો. આખરે જે નંબર હતો તે નંબર પરથી કોને ફોન થયા હતા? પૂછપરછમાં સગીરનું નામ ખૂલ્યું હતું.

આરોપીઓએ મૃતકનાં સગીર મિત્રને હાથો બનાવ્યો હતો 
સંજયભાઈના સગીર મિત્ર સાથે વિષ્ણુએ મિત્રતા કેળવી ગાઢ સંબંધો બાંધી લીધા હતા. સગીરને વિષ્ણુએ લાલચ આપીને તેને જ હાથો બનાવ્યો હતો. વિષ્ણુ સગીરના મોબાઇલ ફોન ઉપરથી જ સંજયભાઈ સાથે વાત કરતો. ઘટનાના દિવસે પણ સગીર જ સંજયભાઈને લઈને આવ્યો હતો અને વિષ્ણુ અને સુનીલે સંજયભાઈની હત્યા કરી હતી.
કઈ રીતે પોલીસને કડી મળી?
સંજયભાઈના મોત અંગે પરિવારજનોએ આશંકા વ્યક્ત કરતાં પોલીસે તપાસ કરતા સંજયભાઈની કોલ ડિટેઇલ્સમાં કેટલાક શંકાસ્પદ નંબર મળી આવ્યા. સીડીઆરનો અભ્યાસ કરતાં કેટલાક નંબરો પર ફ્રિક્વન્ટ કૉલ્સ થયાનું ધ્યાનમાં આવ્યું. પોલીસે આ નંબરોના લોકેશન મેળવ્યા, જેમાં સંજયભાઈ અને શંકાસ્પદ નંબરોના લોકેશન મેચ થતાં પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

આરોપીઓ ગૅરેજનું કામ કરતા
વિષ્ણુ ચૌહાણ અને સુનિલ ઝાલા ખાસ મિત્રો છે. વિષ્ણુ ડ્રાઈવિંગ અને ગૅરેજનું કામ કરે છે જ્યારે સુનીલ ગૅરેજનું કામ કરે છે. મૃતક સંજય દાબેલીની લારી કે છૂટક મજૂરી, પાણીની બોટલ વેચવાનો વ્યવસાય કરતો હતો. તે થોડા દિવસ સાસરીમાં રહેવા ગયો હતો, જ્યાં તેણે 2 વર્ષ ભાજીપાઉંનો ધંધો કર્યો હતો. જોકે, તેને પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થતાં પરત પોરડા (ભાટેરા) આવી ગયો હતો.