કઠલાલના છિપડીમાં પુત્રે જમીનના વિવાદમાં પિતાનું કાસળ કાઢી નાખ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ અડધી જમીન વેચવા કાઢતાં 7 વીઘા જમીન માટે પુત્રે પિતાની હત્યા કરી
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું

નડિયાદ: કઠલાલ તાલુકાના છિપડી ગામે રહેતા એક વૃદ્ધના રહસ્યમય મોત મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૃદ્ધનું મોત ગળું દબાવાથી થયું હોવાનું જણાયું હતું. આથી, પ્રાથમિક તપાસના અંતે મૃતકના પુત્ર વિરુદ્ધ જ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પુત્રે પિતાએ જમીન વેચવા કાઢતાં તકરાર કરીને આવેશમાં આવીને હત્યા કરી હોવાનું જણાઇ આવ્યું હતું. 

કઠલાલ તાલુકાના છિપડી ગામે અર્જુનભાઇ આતાભાઇ બારૈયા (ઉ.વ.65)નો મૃતદેહ તેમના ઘરની બહાર ઓસરીમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં પી.એમ. રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરાઇ હોવાનું માલુમ પડતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. અર્જુનભાઇની જમીન જેમની સાથે ભાગમાં હતી તે દલપતસિંહ બેચરભાઇ ઝાલાએ કઠલાલ પોલીસ મથકે અર્જુનભાઇના પુત્ર દશરથે જ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરતાં પોલીસે તે દિશામાં તપાસ કરી હતી. 

જેમાં ઘટનાના દિવસે જ પિતા-પુત્ર વચ્ચે જમીન અને પૈસાના મામલે તકરાર થઇ હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું અને દશરથે જ આવેશમાં આવી જઇને પિતા અર્જુનભાઇની હત્યા કરી હોવાનું જણાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને દશરથને ઝડપી લઇ, તેની પૂછપરછ હાથ ધરતા તેણે હત્યાના ગુનાની કબુલાત કરી હતી. હાલમાં કઠલાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. કઠલાલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અર્જુનભાઇએ તેમની 7 વીઘા જમીનમાંથી સાડા ત્રણ વીઘા જમીન વેચવા માટે કાઢી હતી. જેને લઇને અર્જુનને રીસ ચઢી હતી અને તેણે પિતા સાથે તકરાર કરી હતી. 

હત્યારો દશરથ કણભાની હદમાં મજૂરી કરે છે
પિતાની હત્યામાં સંડોવાયેલો દશરથ અમદાવાદ નજીક કણભામાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાં સેન્ટિંગનું કામ અને છુટક મજૂરી કરતો હતો. દશરથ પરણિત છે અને તેને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે અને તેનો પરિવાર કુબડથલમાં રહે છે. જોકે, અર્જુનભાઇએ 2 લગ્ન કર્યા હતા. હત્યા કરનાર દશરથ તેમની પહેલી પત્નીનો પુત્ર હતો. તેમની પ્રથમ પત્ની તેમની સાથે મનમેળ ન થતાં જતી રહી હતી અને તેમની બીજી પત્ની પણ તકરાર બાદ તેમને છોડીને જતી રહી હતી. ત્યારબાદ અર્જુનભાઇ એકલવાયું જીવન જીવતાં હતા.

પૂછપરછ ચાલુ છે
હાલમાં આરોપીની પૂછપરછ કરી રહ્યા છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે. ગળું દબાવીને હત્યા કરાઇ હતી. જેને લઇને હાલમાં તપાસ ચાલુ છે. - ડી. સી. રાઓલ, પોલીસ સબ ઇન્સપેક્ટર, કઠલાલ પોલીસ મથક

ટિફિન આપવા ગયા ત્યારે જ તકરાર ચાલી રહી હતી
અર્જુનભાઇ જેમની સાથે જમીન વાવતાં હતા તે દલપતસિંહ ઝાલા ઘટનાના દિવસે જ્યારે અર્જુનભાઇને ટિફિન આપવા ગયા ત્યારે પિતા-પુત્ર વચ્ચે તકરાર ચાલુ હતી અને દશરથ આવેશમાં હતો. અગાઉ પણ દશરથે અર્જુનભાઇને માર માર્યો હોવાનું તેમણે દલપતસિંહને જણાવ્યું હતું, જેથી દશરથ પિતાને માર મારતો હોવાથી તેણે જ આવેશમાં આ હત્યા કરી હોવાનું તેઓએ પોલીસને જણાવ્યું હતું.