તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાના 10 કાઉન્સિલરોને ગેરલાયક ઠરાવવાની અરજીનો મુદ્દો ફરી ઉખડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ પાલિકામાંથી ગેરલાયક ઠરાવેલા એક સભ્યે હાઇકોર્ટમાં રિટ કરી
  • 2 વર્ષ અગાઉ કરેલી અરજી મુદ્દે હાઈકોર્ટે 2 માસમાં નિર્ણય કરવા હુકમ કર્યો

નડિયાદ ​​​​​​: નડિયાદ નગરપાલિકાના સભ્ય વિજય રાવે પોતાને ગેરલાયક ઠરાવવાના હુકમને અપીલમાં પડકાર્યો છે, તો બીજી બાજુ તેઓએ બીજા 10 સભ્યોને ગેરલાયક ઠરાવવાની બે વર્ષ અગાઉ કરેલી અરજીના મુદે્ પુન: વિચારણા કરવા હાઇકોર્ટમાં ધા નાંખી છે. જેને લઇ હાઇકોર્ટે બે માસમાં નિર્ણય કરવા ડાયરેક્શન આપ્યું છે. આ ઘટનાક્રમના પગલે કલેક્ટર દ્વારા ત્રણ સભ્યો સામે નોટિસ ઇશ્યુ કરી છે. 

નડિયાદ નગરપાલિકાની ચાર સામાન્ય સભામાં ગેરહાજર રહેલા સભ્યોને ગેરલાયક ઠરાવવાનો મુદો્ ગરમાતો જાય છે. અગાઉ વોર્ડ નં. 13ના વાણિયાવડ વિસ્તારના ભાજપના કાઉન્સીલર વિજય રાવને પાલિકાની સામાન્ય સભામાં સતત એક વર્ષ સુધી ગેરહાજર રહેવાના મુદે્ આર.ટી.આઇ. એક્ટિવીસ્ટ દિપલ શાહે કરેલી અરજીના પગલે વિજય રાવને કલેક્ટર દ્વારા ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો છે. જેને તેઓએ પ્રાદેશિક કમિશ્નરની કોર્ટમાં અપીલ કરી પડકાર્યો છે, ત્યારે આ વિવાદ વચ્ચે વિજય રાવે ઓક્ટોબર-2017માં  આ જ મુદે્ 10 સભ્યો સામે કલેક્ટરને કરેલી અરજીનો મદો્ ફરી ઉખાડ્યો છે. 

તેઓએ આ મુદે્ હાઇકોર્ટમાં રીટ કરી 10 સભ્યોના મામલે વહેલીતકે નિર્ણય કરવા માટે કલેક્ટરને હુકમ કરવાની દાદ માંગી હતી. જેમાં હાઇકોર્ટે બે માસમાં આ કેસમાં હુકમ કરવા માટે ખેડા જિલ્લાના કલેક્ટરને  આદેશ કરતા ખળભળાટ મચ્યો છે. હાલ કલેક્ટરની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર હાઇકોર્ટના આદેશને એક માસ પૂર્ણ થયો છે,  તેથી એક માસમાં કોર્ટ દ્વારા આ સભ્યોને ગેરલાયક ઠરાવવા માટે કલેક્ટર દ્વારા હુકમ કરી દેવાશે. આ મામલે કલેક્ટર સુધીર પટેલ દ્વારા 10 પૈકી 3 સભ્યો સામે નોટિસ ઇશ્યુ કરાઇ છે. આ મામલે હવે ટૂંક સમયમાં કલેક્ટર દ્વારા હુકમ કરી દેવાય તેવી ધારણાં છે.

કલેક્ટરે 3 સભ્યો સામે જ નોટિસ ઇશ્યુ કરી
જે પૈકી ત્રણ સભ્યો સામે કલેક્ટરે નોટિસ ઇશ્યુ કરી છે. જેમાં કુમાર મેઘરાજ ટહેલ્યાણી (ભા.જ.પ.), પ્રીતિબેન પ્રવિણભાઇ મિસ્ત્રી (ભા.જ.પ.) અને રમેશભાઇ રઇજીભાઇ પરમાર (અપક્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે બાકીના સાત સભ્યો સામે પુરતા પુરાવાના અભાવે તેમજ બીજા કારણોસર નોટિસ ઇશ્યુ કરી નથી. જોકે, જે ત્રણ સભ્યો સામે નોટિસ કાઢી છે, તેમના સભ્ય પદ અંગે કલેક્ટર ટૂંક સમયમાં નિર્ણય આપશે તેવી ધારણાં વ્યક્ત થઇ રહી છે.

10 સભ્યોની નામાવલિ
1) કુમાર મેઘરાજ ટહેલ્યાણી (ભા.જ.પ.), 2) ભારતીબેન દિનેશભાઇ પંડ્યા (ભા.જ.પ.), 3) સોનલબેન શશીકાંતભાઇ તળપદા (ભા.જ.પ.), 4) પ્રીતિબેન પ્રવિણભાઇ મિસ્ત્રી (ભા.જ.પ.), 5) રમેશભાઇ રઇજીભાઇ પરમાર (અપક્ષ), 6) દેવેન્દ્રભાઇ કાંતિભાઇ પટેલ (અપક્ષ), 7) સુમનબેન કમલકાંત યાદવ (ભા.જ.પ.), 8) ઉર્મિલાબેન ઉમેશભાઇ યાદવ (ભા.જ.પ.), 9) રેણુકાબેન પિનાકીનભાઇ અમીન (ભા.જ.પ.). જ્યારે એક ભાજપના સભ્ય મૃત્યુ પામ્યા છે.